ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યા વગર પહોંચેલા ભાવિકોએ પાછા જવું પડ્યું
પાંચ મહિના પછી ભાવિકો માટે ભીમાશંકરનાં દર્શન ખૂલતાં ભક્તોએ બહુ રાજીખુશીથી દેવાધિદેવ મહાદેવનાં દર્શન કર્યાં હતાં અને જળ, દૂધ, બીલીપત્ર ચડાવીને ભાવથી પૂજા કરી હતી.
૧૨ જ્યોતિર્લિંગમાંના એક ભીમાશંકર મહાદેવ મંદિરનું રિનોવેશન ચાલી રહ્યું છે. છેલ્લા પાંચ મહિનાથી ભક્તો માટે દર્શન બંધ રાખવામાં આવ્યાં હતાં જે ૧૫ જૂનથી ફરી શરૂ કરવામાં આવ્યાં છે. પહેલા જ દિવસે ભાવિકો મોટી સંખ્યામાં દર્શન કરવા ઊમટી પડ્યા હતા.
રોજ ફક્ત સવારના સાતથી ૧૧ વાગ્યા સુધી જ દર્શન ચાલુ રખાશે અને એ પછી ફરી રિનોવેશનનું કામ ચાલુ રહેશે. ઑનલાઇન રજિસ્ટ્રેશન કર્યું હશે તેમને જ દર્શન કરવા દેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે અને ૧૫થી ૩૦ જૂન સુધી ફક્ત ૧૦૦૦ ભાવિકોનાં દર્શનની પરવાનગી અપાઈ છે. એથી ૧૦૦૦ ભક્તો જેમનું રજિસ્ટ્રેશન થયું હતું તેમને દર્શન કરવા મળ્યાં હતાં. બાકીના ૭૦૦થી ૮૦૦ ભાવિકો જેમાં કેટલાક રાજકારણીઓ પણ દર્શન કરવા પહોંચી ગયા હતા પણ તેમણે રજિસ્ટ્રેશન કરાવ્યું નહોતું તેમને દર્શન કરવા મળ્યાં નહોતાં. દર્શન માટે એક જ લાઇન રાખવામાં આવી હતી અને VIP દર્શન કે પાસ સાથેનાં દર્શન એવો બીજો કોઈ પણ વિકલ્પ રાખવામાં આવ્યો નથી. પાર્કિંગ-પ્લૉટ નંબર 2 અને 4માં ઑનલાઇન બુકિંગ છે કે નહીં એ ચેક કર્યા પછી જ ભાવિકોને લાઇનમાં ઊભા રહેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
ADVERTISEMENT
પાર્કિંગથી મંદિર સુધી એકથી દોઢ કિલોમીટર ચાલીને જવું પડતું હોવાથી સિનિયર સિટિઝનો, મહિલાઓ અને બાળકોને મુશ્કેલી પડી રહી હતી એટલે તેમના માટે કોઈ અલગ વ્યવસ્થા કરવાનું સૂચન ભાવિકો દ્વારા કરવામાં આવ્યું હતું.
