લાઇટરથી ગૅસ ન પ્રગટ્યો એટલે એને ચાલુ રાખીને માચીસથી કોશિશ કરી અને ભડકો થયો: ડોમ્બિવલીમાં ૪૦ દિવસ મોત સામે ઝઝૂમ્યા બાદ ગુજરાતી મહિલાનું થયું કરુણ મોત
મૃત્યુ પામેલાં માલતી ગોહિલ.
ડોમ્બિવલીમાં એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ગૅસ ચાલુ રાખવાની માત્ર પાંચ સેકન્ડની ભૂલે એક ગુજરાતી મહિલાનો જીવ લઈ લીધો હતો. ડોમ્બિવલી-ઈસ્ટના નાઇન્ટી ફીટ રોડ પર આવેલા બાલાજીનગરમાં રહેતાં ૩૮ વર્ષનાં માલતી ગોહિલનું રવિવારે હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. છેલ્લા ૪૦ દિવસથી જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાધા બાદ આખરે માલતીબહેને દમ તોડી દેતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ઘરમાં ગૅસ વાપરતી વખતે તકેદારી રાખવા સંબંધિત આ કેસ લાલ બત્તી સમાન છે.
માલતીબહેનના પતિ સુભાષભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ દુર્ઘટના ૧૨ મેએ રાત્રે સાડાબાર વાગ્યે બની હતી. માલતી રાત્રે પાણી ગરમ કરવા રસોડામાં ગઈ હતી અને તેણે ગૅસનો નૉબ ઑન કર્યો હતો. ગૅસ પ્રગટાવવા માટે તેણે લાઇટર લીધું, પરંતુ પાંચ સેકન્ડ સુધી પ્રયત્ન કરવા છતાં લાઇટર ચાલુ થયું નહીં. આથી તેણે તરત જ માચીસ વડે ગૅસ સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે આ પાંચથી ૭ સેકન્ડના ટૂંકા ગાળા દરમ્યાન બટન ચાલુ હોવાથી ગૅસ હવામાં લીક થઈ ચૂક્યો હતો. જેવી માચીસ સળગાવી કે તરત જ રસોડામાં ભયાનક આગ ભભૂકી ઊઠી હતી. આ અકસ્માતમાં માલતીએ પહેરેલાં કપડાં આગની ઝપટમાં આવી ગયાં હતાં. ઘટના સમયે હું બેડરૂમમાં સૂતો હતો. તેનો અવાજ સાંભળીને હું તાત્કાલિક બહાર દોડી આવ્યો હતો. ત્યારે માલતીને આગની જ્વાળાઓમાં ઘેરાયેલી જોઈને મેં જીવની પરવા કર્યા વિના તેનાં સળગતાં કપડાં કાઢી નાખ્યાં હતાં. આ બચાવ-કામગીરી દરમ્યાન મારા હાથ પણ દાઝી ગયા હતા, પરંતુ હું હિંમત નહોતો હાર્યો. આસપાસના લોકોની મદદ લઈને તાત્કાલિક માલતીને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ ગયો હતો.’
માલતીબહેનના પતિ સુભાષભાઈએ ભારે હૈયે કહ્યું હતું કે ‘હૉસ્પિટલમાં માલતીની સારવાર ૧૩ મેથી ૨૦ જૂન સુધી સતત ચાલી હતી. શરૂઆતના પ્રથમ ૧૦ દિવસ તેને ICUમાં રાખવામાં આવી હતી. ત્યાર બાદ તેની તબિયતમાં સુધારો થતાં સામાન્ય વૉર્ડમાં ખસેડવામાં આવી હતી એટલે પરિવારમાં આશાનું કિરણ જાગ્યું હતું. છેલ્લા દિવસોમાં તે એકદમ સ્વસ્થ દેખાતી હતી, પરંતુ એકાએક તેના શરીરમાં ગંભીર ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું અને તબિયત ફરી લથડી હતી. રવિવારે સવારે સારવાર દરમ્યાન જ તેનું અવસાન થયું હતું. મારી ૩ વર્ષની દીકરી છે. માલતીના ગયા પછી અમે સાવ એકલાં પડી ગયાં છીએ. તેની સારવાર પાછળ ૨૭ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. જો તે સાજી થઈ જાત તો હું આનાથી પણ વધુ ખર્ચ કરત, પણ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું.’
