વેપારીઓ પાસેથી મોંઘી વસ્તુઓ લઈને નાસી જતા વડોદરાના યુવકની કાંદિવલીમાં ધરપકડ
આરોપી વલય સોલંકી
મીરા રોડ-ઈસ્ટના પ્લેઝન્ટ પાર્ક વિસ્તારમાં વ્હીકલ્સની બૅટરીના વેપારી ખુશાલ સોનાર પાસેથી કારની બૅટરી ખરીદીને ફોનપે ઍપ્લિકેશનના માધ્મયથી ઑનલાઇન પેમેન્ટ કર્યું હોવાનો દાવો કરીને ૧૭,૩૦૦ રૂપિયાની છેતરપિંડી કરીને નાસી ગયેલા વલય સોલંકીની કાશીમીરા પોલીસે ધરપકડ કરી છે. વડોદરાના માંજલપુરમાં રહેતા વલય સામે આ પહેલાં પણ આ પ્રકારે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ બીજા પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હોવાની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે એટલું જ નહીં, વલયના મોબાઇલમાંથી ફેક પેમેન્ટ ઍપ્લિકેશન પણ મળી આવી છે. વલયે આ પહેલાં પણ આવી ફેક ઍપ્લિકેશનના માધ્યમથી બીજા વેપારીઓને છેતર્યા હોવાની શંકા સાથે પોલીસ આગળની તપાસ કરી રહી છે.
કાશીમીરા પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર યોગેશ કાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વ્હીકલ્સની બૅટરીના વેપારી ખુશાલ સોનાર પાસે છઠ્ઠી ઑગસ્ટે સાંજે એક યુવક મર્સિડીઝ કારની બૅટરી લેવા આવ્યો હતો. જોકે એ વખતે ખુશાલ પાસે બૅટરી ન હોવાથી તેણે બીજા વેપારી પાસેથી મગાવી આપી હતી. એની સામે યુવકે ફોનપેના માધ્યમથી ૧૭,૩૦૦ રૂપિયા પેમેન્ટ કર્યું હોવાનો સ્ક્રીન-શૉટ દેખાડ્યો હતો એટલું જ નહીં, બિલ બનાવવા માટે પોતાનો નંબર પણ આપ્યો હતો અને ત્યાંથી બૅટરી લઈને ચાલ્યો ગયો હતો. આશરે બે કલાક સુધી ખુશાલને પેમેન્ટ ન મળ્યું હોવાથી તેણે બૅટરી લેવા આવેલા યુવકને ફોન કર્યો હતો, પણ તેનો ફોન સતત સ્વિચ્ડ-ઑફ આવતો હતો. અંતે તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં ખુશાલે ૧૦ ઑગસ્ટે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે તપાસ કરતાં અમે આરોપી જે કારમાં બૅટરી લેવા આવ્યો હતો એની માહિતી કઢાવી હતી અને સાથે નજીકમાં લાગેલા CCTV કૅમેરાના ફુટેજના માધ્યમથી આરોપીની ઓળખ કરી લીધી હતી. ત્યાર બાદ ટેક્નિકલ માહિતી મળતાં આરોપી કાંદિવલી આવ્યો હોવાની માહિતી મળતાં અમે તેની ધરપકડ કરી હતી. આરોપી સામે વડોદરામાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી અમને મળી છે. શક્યતા છે કે તેણે આ પહેલાં પણ આવી છેતરપિંડી કરી હોય. આ મામલે અમે વધુ પૂછપરછ કરી રહ્યા છીએ. આરોપીના મોબાઇલમાં ઑનલાઇન પેમેન્ટની બોગસ ઍપ્લિકેશન મળી આવી છે.’

