ફન્ડની વહેંચણીના મુદ્દે મહાયુતિમાં મહાભારત : શિવસેનાને ફાળવાયા ૧૫૪.૩૦ કરોડ રૂપિયા, BJPને ફાળવાયા માત્ર ૩.૦૫ કરોડ રૂપિયા
સોમવારે BJPના મહારાષ્ટ્રના પ્રમુખ રવીન્દ્ર ચવાણે થાણેના BJPના નગરસેવકોની બેઠક કરી હતી.
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)માં સત્તાધારી મહાયુતિમાં આંતરિક વિખવાદ અને નારાજગી સપાટી પર આવી ગયાં છે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ભલે એવો દાવો કરી રહ્યા હોય કે મહાયુતિમાં બધું બરાબર છે અને નાના-મોટા મતભેદો ઉકેલી લેવાશે, પરંતુ છેલ્લા ૩ મહિનામાં થયેલી ફન્ડની વહેંચણીના આંકડા કંઈક જુદી જ વાર્તા કહી રહ્યા છે. આ સમયગાળા દરમ્યાન શિંદે જૂથની શિવસેનાને અધધધ ૧૫૪.૩૦ કરોડ રૂપિયાનું ફન્ડ મળ્યું છે, જ્યારે સત્તામાં ભાગીદાર હોવા છતાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ફાળે માત્ર ૩.૦૫ કરોડ રૂપિયા આવ્યા છે. આ આશ્ચર્યજનક આંકડાઓ સામે આવ્યા બાદ ડેપ્યુટી મેયર કૃષ્ણા પાટીલે શિવસેના પર પક્ષપાતનો ખુલ્લો આક્ષેપ કરતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આ વિવાદને કારણે આગામી દિવસોમાં થાણેમાં શિવસેના અને BJP વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બનવાના સંકેતો દેખાઈ રહ્યા છે.
વૉર્ડ પ્રમાણે ફન્ડની વહેંચણીના જાહેર થયેલા આંકડા દર્શાવે છે કે સત્તામાં હોવા છતાં BJPની સ્થિતિ વિપક્ષ કરતાં પણ દયનીય બની છે. TMCની છેલ્લી ૩ સામાન્ય સભાઓમાં મંજૂર થયેલા પ્રસ્તાવો મુજબ શિવસેનાના કૉર્પોરેટરોના વૉર્ડ માટે ૧૫૪.૩૦ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં વૉર્ડ-નંબર ૧૫ને સૌથી વધુ ૧૫.૩૨ કરોડ મળ્યા છે. એની સામે BJPના પાંચ વૉર્ડને કુલ માંડ ૩.૦૫ કરોડ રૂપિયા ફાળવાયા છે, જેમાં વૉર્ડ-નંબર બેને સૌથી વધુ ૧.૫ કરોડ મળ્યા છે. આ આંકડાકીય અસમાનતાએ BJPના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં ભારે અસંતોષ જગાવ્યો છે. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે સત્તામાં બેઠેલી BJP કરતાં વિપક્ષમાં રહેલી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (બન્ને જૂથ) અને AIMIMને વધુ એટલે કે કુલ ૪.૪૫ કરોડ રૂપિયાનું ફન્ડ મળ્યું છે. અજિત પવાર જૂથના નજીબ મુલ્લાના વૉર્ડ-નંબર ૧૦ને બે કરોડ અને શરદ પવાર જૂથના વિરોધ પક્ષના નેતા શાનુ પઠાણના વૉર્ડ-નંબર ૩૨ને ૧.૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
થાણેના ડેપ્યુટી મેયર કૃષ્ણા પાટીલે આક્રોશ વ્યક્ત કરતાં પત્રકાર-પરિષદમાં જણાવ્યું હતું કે શિવસેના અમારા પર ગઠબંધન ધર્મ ન નિભાવવાનો આરોપ લગાવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે સત્તામાં હોવા છતાં અમને બાકાત રાખવામાં આવ્યા છે અને વિપક્ષને અમારા કરતાં વધુ ફન્ડ અપાયું છે.
ADVERTISEMENT
નવી મુંબઈ ઍરપોર્ટ પર, ફ્લાઇટમાં મરાઠીમાં અનાઉન્સમેન્ટ કરવાની MNSની ચેતવણી
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ મંગળવારે ચેતવણી આપી હતી કે જો નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર કાર્યરત ઍરલાઇન્સની ફ્લાઇટમાં અને ટર્મિનલમાં મરાઠીમાં જાહેરાત નહીં થાય તો તેઓ વિરોધ-પ્રદર્શન કરશે. રાજ ઠાકરેની આગેવાની હેઠળની MNSએ ઍરલાઇન્સને ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. પાર્ટીના નવી મુંબઈ શહેર એકમના પ્રમુખ ગજાનન કાળેએ ઍરલાઇન્સ દ્વારા અંગ્રેજી અને હિન્દીમાં જાહેરાત કરતી વખતે મહારાષ્ટ્રની સત્તાવાર ભાષાને બાકાત રાખવા પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘તાત્કાલિક ધોરણે અનાઉન્સમેન્ટ મરાઠીમાં કરવું જોઈએ, નહીં તો ઍરલાઇન્સે અમારા પક્ષના કાર્યકરોના રોષનો સામનો કરવો પડશે. આને અંતિમ ચેતવણી અથવા સીધી ધમકી ગણો.’
