ગાયમુખથી ફાઉન્ટન હોટેલ સુધીના રોડની દુર્દશાના મુદ્દે BJP અને શિવસેના સામસામે : મીરા-ભાઈંદરના વિધાનસભ્યે રાજ્યના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરના વલણ સામે ૧૦ ઑગસ્ટે ‘રસ્તા રોકો’ આંદોલનની કરી જાહેરાત
વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાએ યોજેલી પત્રકાર પરિષદ.
ઘોડબંદર રોડના ગાયમુખથી ફાઉન્ટન હોટેલ સુધીના રસ્તાની ખરાબ હાલતને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના વચ્ચે રાજકીય ધમાચકડી તેજ બની છે. શિવસેનાના પ્રવક્તા દીપ કાકડેના વિવાદિત નિવેદનને કારણે BJPના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ દરમ્યાન મીરા-ભાઈંદરના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાએ પત્રકાર પરિષદ આયોજિત કરીને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈક પર ગઈ કાલે આકરા પ્રહારો કર્યા છે. તેમણે ૧૦ ઑગસ્ટે રસ્તા રોકો આંદોલનની જાહેરાત કરીને સરકાર પાસે તાત્કાલિક ઉકેલની માગણી કરી છે. જોકે આ રાજકીય વિવાદ વચ્ચે સકારાત્મક વાત એ છે કે રસ્તાના સમારકામ અને ફન્ડ મંજૂર કરવાનો મુદ્દો હવે જાહેર સક્ષમ ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.
નરેન્દ્ર મહેતાએ ગંભીર આરોપ લગાવતાં જણાવ્યું હતું કે ‘પ્રધાન પ્રતાપ સરનાઈક જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC) પર ખોટા આરોપો લગાવી રહ્યા છે. ૨૦૨૪માં આયોજનબદ્ધ રીતે ૪ કિલોમીટરનો ફાઉન્ટન-ગાયમુખ સુધીનો નૅશનલ રસ્તો MBMCને સોંપી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ MBMCએ અેના સમારકામ પાછળ ૮ કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા હતા. મીરા-ભાઈંદરના આંતરિક રસ્તાઓના સિમેન્ટીકરણ માટે ૨૦૨૨ની ૧૭ નવેમ્બરે શાસને મંજૂરી આપી હતી અને ઇન્ડિયન બૅન્કે ૫૦૦ કરોડની લોન પણ મંજૂર કરી છે, પરંતુ શિવસેનાના પ્રધાનના દબાણના કારણે રાજ્ય સરકાર અંતિમ મંજૂરી આપી રહી નથી. ફાઉન્ટનથી ગાયમુખ સુધીનો રસ્તો નૅશનલ હાઇવે હોવાથી અેની જવાબદારી રાજ્ય સરકારની છે. MBMC પાસે પોતાના આંતરિક રસ્તાઓ માટે ભંડોળ ઓછું હોય ત્યારે રાજ્યના રસ્તાઓનો બોજ MBMC પર કેમ નાખવામાં આવે? MBMCને મંજૂર થયેલી લોન તાત્કાલિક પાસ કરવામાં આવે અે માટે અમે રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. જો અે સોમવારની સવારના ૧૧ વાગ્યા સુધી મંજૂર નહીં કરવામાં આવે તો અમે ફાઉન્ટન હોટેલ નજીક રસ્તા રોકો કરીશું.’
