દીનદયાલ ઘાટ પર વૉક કરતી વખતે પગ લપસી જવાથી ગંગામાં પડી ગયાં હોવાની આશંકા
ગ્રાન્ટ રોડમાં રહેતાં હિનાબહેન મજીઠિયા અને હૃષીકેશમાં તેમને શોધવા માટે ચલાવવામાં આવતું સર્ચ-ઑપરેશન.
ગ્રાન્ટ રોડમાં રહેતાં ૬૦ વર્ષનાં હિના મજીઠિયા ૧૮ ઑગસ્ટની વહેલી સવારે હૃષીકેશથી ત્રણ કિલોમીટર દૂર આવેલા મુની કી રેતી નજીકના દીનદયાલ ઘાટ પર વૉક કરતી વખતે પગ લપસી જવાથી વહેતા પાણીમાં પડ્યાં હતાં. આ ઘટના બાદ તેહરી ગઢવાલ જિલ્લાની કૈલાસ ગેટ પોલીસે હિનાબહેનને શોધવા વિવિધ પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે ગઈ કાલ મોડી સાંજ સુધીમાં તેમનો કોઈ પત્તો લાગ્યો નહોતો. ચોમાસાને કારણે ગંગા નદી ફોર્સમાં હોવાથી હિનાબહેન કઈ દિશામાં ગયાં હોઈ શકે એ માટેની માહિતી લેવામાં આવી રહી છે
કૈલાસ ગેટ પોલીસ સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ રાવતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૮ ઑગસ્ટની બપોરે અમને મુની કી રેતી વિસ્તારમાં આવેલી પ્રસન્ના ઇન હોટેલ દ્વારા હિનાબહેન ચેકઆઉટ કર્યા વગર નીકળી ગયાં હોવાની જાણકારી આપવામાં આવી હતી. એ મુજબ તપાસ હાથ ધરવામાં આવતાં હોટેલ નજીકના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફુટેજમાં હિનાબહેન સવારે સાડાત્રણ વાગ્યાની આસપાસ હોટેલથી નીકળી દીનદયાલ ઘાટ તરફ જતાં જોવા મળ્યાં હતાં. ત્યાર બાદ દીનદયાલ ઘાટ નજીકનું ફુટેજ તપાસવામાં આવતાં તેઓ વૉકિંગ કરતાં જોવા મળ્યાં હતાં. જોકે ત્યાર બાદ તેઓ ફુટેજમાં દેખાયાં નહોતાં, કારણ કે દીનદયાલ ઘાટની નીચેની તરફ CCTV કૅમેરા લાગેલા નથી. અંતે ભાડા પર રાખેલી રૂમ ખોલીને અંદરથી મળેલા તેમના દસ્તાવેજોના આધારે તેમના પતિ સુકેતુ મજીઠિયાને ઘટનાની જાણ કરી હતી.’
ADVERTISEMENT
પોલીસ-ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ રાવતે વધુ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુકેતુ મજીઠિયાએ અમને જણાવ્યું હતું કે હિનાબહેન એકલાં યોગ અને મેડિટેશન માટે ૨૧ જુલાઈની આસપાસ મુંબઈથી હૃષીકેશ આવ્યાં હતાં. તેઓ રોજ પરિવાર સાથે ફોન પર વાત કરી શું કર્યું એ બધી વાતો શૅર કરતાં હતાં. સુકેતુ મજીઠિયા પણ અમારી સાથે હિનાબહેનને શોધવાના અભિયાનમાં જોડાયા હતા. જોકે ૨૦ ઑગસ્ટે તેમનાં માતાનું મૃત્યુ થતાં તેઓ પાછા મુંબઈ રવાના થઈ ગયા હતા. હાલમાં તેમનો એક પુત્ર અહીં મમ્મીને શોધવા માટે અમારા સર્ચ-ઑપરેશનમાં જોડાયો છે. હિનાબહેનને શોધવા માટે સ્વિમર દ્વારા ઘાટના અંદરના ભાગોમાં તપાસ કરાવવામાં આવી હતી. એ ઉપરાંત બોટની મદદથી આશરે પચીસથી ૩૦ કિલોમીટર વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. એ સાથે ડ્રોનની મદદથી પણ વિવિધ વિસ્તારોમાં શોધ કરી રહ્યા છીએ.’
આ મામલે ‘મિડ-ડે’એ હિનાબહેનના પતિ સુકેતુ મજીઠિયાનો સંપર્ક કર્યો હતો. જોકે તેમનાં મમ્મીના મૃત્યુ અને પત્ની ગુમ થયાં હોવાના કારણે તેઓ હાલ વાત કરવાની હાલતમાં ન હોવાનું તેમણે જણાવ્યું હતું.

