Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઇન્સ્ટાગ્રામ પર ભટકાયેલા ટપોરી સાથે ફ્રૅન્ડશિપ કરી એમાં ગુજરાતી યુવતીનાં લગ્ન સંકટમાં

ઇન્સ્ટાગ્રામ પર ભટકાયેલા ટપોરી સાથે ફ્રૅન્ડશિપ કરી એમાં ગુજરાતી યુવતીનાં લગ્ન સંકટમાં

Published : 22 October, 2026 08:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું ઝેર પીને આત્મહત્યા કરી લઈશ એમ કહીને ધમકાવી : AIથી બનેલા ફોટો વાઇરલ કરીને, યુવતીને બદનામ કરીને તેના મંગેતરને જાનથી મારવાની ધમકી આપી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વરલી વિસ્તારમાં સોશ્યલ મીડિયા અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નૉલૉજીના દુરુપયોગથી એક ગુજરાતી યુવતીનું જીવન છિન્નભિન્ન થઈ જવાની આંચકાજનક ઘટના સામે આવી છે. વરલીની BDD ચાલ નજીક રહેતી ૩૧ વર્ષની ગુજરાતી યુવતી સાથે સોશ્યલ મીડિયા પર મિત્રતા કરીને, લગ્ન માટે દબાણ કરીને, AI ટેક્નૉલૉજીના ઉપયોગ દ્વારા તેના ફેક ફોટો વાઇરલ કરીને તેના મંગેતરને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપમાં વરલી પોલીસે રોહિત ચૌહાણ સામે ફરિયાદ નોંધી છે. આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કર્યા બાદ લગ્ન માટે દબાણ કરતાં, જાનથી મારી નાખવાની ધમકી આપતાં અને AI દ્વારા બનાવેલો ફોટો વાઇરલ કરતાં યુવતીનાં લગ્ન સંકટમાં મુકાયાં હોવાની માહિતી પોલીસે આપી છે. 

પોલીસે જણાવ્યો ઘટનાક્રમ વરલી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ



‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જાન્યુઆરી મહિનાના અંતમાં યુવતીને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર રોહિત ચૌહાણે ફૉલો-રિક્વેસ્ટ મોકલી હતી. યુવતીએ રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ બન્ને વચ્ચે મેસેજ પર વાતચીત શરૂ થઈ હતી, પરંતુ ટૂંક સમયમાં જ રોહિતે પસંદગી વ્યક્ત કરીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. યુવતીએ પોતાનાં લગ્ન અન્ય જગ્યાએ નક્કી થઈ ગયાં હોવાનું સ્પષ્ટ કહીને તેને ઇન્સ્ટાગ્રામ પર બ્લૉક કરી દીધો હતો. એમ છતાં આરોપીએ વૉટ્સઍપ પર કૉલ અને મેસેજ કરીને ‘જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું ઝેર પીને આત્મહત્યા કરી લઈશ’ જેવી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. યુવતી તેની ધમકીઓ સામે ન ઝૂકતાં આ સરફિરા આશિકે પોતાની તમામ હદો વટાવી દીધી હતી. ૯ ઑગસ્ટે યુવતીના મંગેતરને ફોન કરીને ‘મારે અને યુવતીને પ્રેમસંબંધ છે અને અમારાં લગ્ન થઈ ગયાં છે’ એવું જૂઠું બોલીને યુવતીથી દૂર રહેવાની અને ન માનવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર યુવતીના નામે બે ફેક અકાઉન્ટ્સ બનાવીને તેનાં સગાં-સંબંધીને રિક્વેસ્ટ મોકલી હતી અને યુવતી તેમ જ તેના પરિવારના ફોટો AI ટેક્નૉલૉજીની મદદથી એડિટ કરી, પોતે તેનો પતિ હોય એવું દર્શાવીને સોશ્યલ મીડિયા પર વાઇરલ કરી દીધા હતા. આ ગંભીર બદનામી અને ધમકીઓને કારણે આખરે યુવતીનાં નક્કી થયેલાં લગ્ન સંકટમાં મુકાતાં તેણે અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2026 08:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK