પોતાના ખિસ્સામાંથી મોબાઇલ તફડાવીને ભાગેલા ચોરને હાર્દિક શાહે પીછો કરીને પકડ્યો અને પોલીસને સોંપ્યો
આરોપી રાહુલ ગુપ્તા
ઘાટકોપર રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર એક પર ૩૦ વર્ષના હાર્દિક શાહની સતર્કતા અને સમયસર લીધેલા પગલાને કારણે મોબાઇલચોરીમાં વૉન્ટેડ આરોપી રાહુલ ગુપ્તાની કુર્લા ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ શુક્રવારે ધરપકડ કરી હતી. ડોમ્બિવલીમાં રહેતા અને અંધેરીની જાણીતી કંપનીમાં નોકરી કરતા હાર્દિકના ખિસ્સામાંથી મોબાઇલ છીનવીને આરોપીએ નાસી જવાની કોશિશ કરી હતી. એ સમયે હાર્દિકે ચોરનો પીછો કરી તેને પકડીને પોલીસને સોંપી દીધો હતો. ધરપકડ કરેલા આરોપી સામે મુંબઈનાં અનેક રેલવે-સ્ટેશનોમાં આ પ્રકારની ચોરીના ૨૫ કેસ નોંધાયા માહિતી જાણવા મળી છે.
કુર્લા GRPના સિનિયર ઇન્સ્પેક્ટર સંભાજી યાદવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે સવારે હાર્દિક ટ્રેનમાંથી ઊતરીને મેટ્રો તરફ જવા આગળ વધી રહ્યો હતો ત્યારે તેના ઉપરના ખિસ્સામાં રાખેલો મોબાઇલ અજાણી વ્યક્તિએ ભીડનો ફાયદો ઉઠાવીને તડફાવી લીધો હતો. જોકે પોતાનો મોબાઇલ ન હોવાનું ધ્યાનમાં આવતાં તાત્કાલિક હાર્દિકે આસપાસ નજર ફેરવી હતી. એ સમયે એક માણસ ભાગતો દેખાતાં તેણે તેની પાછળ જઈ તેને પકડીને ત્યાં હાજર અમારા સ્ટાફને સોંપ્યો હતો. આરોપી પાસેથી હાર્દિકનો મોબાઇલ મળી આવ્યો હતો. ધરપકડ કરેલા આરોપી સામે અન્ય રેલવે પોલીસ-સ્ટેશનોમાં સમાન ગુનાઓ નોંધાયા હોવાની માહિતી જાણવા મળી છે.’
