ચૂંટણી કરવી જ પડે તો મહાયુતિનો ઉમેદવાર ઊભો રાખીશ : ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસ
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના અવસાન બાદ ખાલી પડેલી બારામતી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી અને રાહુરીની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણીપંચે બારામતી અને રાહુરી વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જોકે બન્ને ચૂંટણી બિનવિરોધ થાય એવી શક્યતા ઓછી છે. ૨૩ એપ્રિલે મતદાન થશે અને ૪ મેએ પરિણામો જાહેર કરવામાં આવશે. નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના પ્રદેશપ્રમુખ સુનીલ તટકરેએ માહિતી આપી હતી કે ‘નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર જ બારામતી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. NCP (SP)એ બારામતીમાં વિધાનસભા બેઠકની પેટાચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે.’
બારામતીની પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોળકર મેડિકલ કૉલેજની સાથે સંકળાયેલી હૉસ્પિટલને અજિત પવારનું નામ આપવામાં આવતાં ધનગર સમાજ નારાજ થયો છે. એથી નારાજ ઘનગર સમાજમાંથી કોઈ ઉમેદવારી નોંધાવે એવી શક્યતા છે. રાહુરી વિધાનસભાની પેટાચૂંટણીમાં NCP (SP) તરફથી પ્રજાક્ત તનપુરે ચૂંટણી લડવા ઇચ્છુક છે. એથી ત્યાંની ચૂંટણી પણ બિનવિરોધ થાય એવા આસાર નથી.
ADVERTISEMENT
દરમ્યાન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘અમે પૂરા પ્રયાસ કરી રહ્યા છીએ કે બારામતી અને રાહુરીની પેટાચૂંટણીઓ બિનવિરોધ થાય. જોકે એમ છતાં જો ચૂંટણી કરવી જ પડે એવી પરિસ્થિતિ સર્જાશે તો મહાયુતિ પણ પોતાનો ઉમેદવાર ઊભો રાખશે.’
