Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ખેડૂતોના નામે ટૅક્સ-ચોરીનું મોટું કૌભાંડ

ખેડૂતોના નામે ટૅક્સ-ચોરીનું મોટું કૌભાંડ

Published : 25 May, 2026 08:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક ઇંચ પણ જમીન ન ધરાવતા ૩૧૦ અમીરોએ ખેતીની આવક બતાવીને સરકારને લગાવ્યો ૨૦૩૮ કરોડનો ચૂનો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઇન્કમ-ટૅક્સ વિભાગે ડેટા ઍનૅલિસિસ અને સૅટેલાઇટ મૅપિંગ જેવી અત્યાધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને દેશમાં ટૅક્સ-ચોરીના એક બહુ મોટા રૅકેટનો પર્દાફાશ કર્યો છે. આ તપાસમાં સામે આવ્યું છે કે દેશના ૩૧૦થી વધુ એવા કહેવાતા ‘અમીર ખેડૂતો’એ કૃષિ આવકના નામે ૨૦૦૦ કરોડ રૂપિયાથી વધુના ટૅક્સ એક્ઝમ્પ્શનનો ખોટો ફાયદો ઉઠાવ્યો છે, જેમની પાસે પોતાના નામે એક ઇંચ પણ ખેતીલાયક જમીન નથી.

અંતરંગ સૂત્રોના જણાવ્યા અનુસાર આવકવેરા વિભાગે છેલ્લાં પાંચ વર્ષના ડેટાની તપાસ કરીને આવા ૩૧૦ નકલી ખેડૂતોની ઓળખ કરી છે. આ લોકોએ ૨૦૨૧-’૨૨થી લઈને ૨૦૨૫-’૨૬ દરમ્યાન આશરે ૨૦૩૮ કરોડ રૂપિયાની ટૅક્સ-છૂટ મેળવી હતી. આવકવેરા વિભાગે ઇન્કમ-ટૅક્સ રિટર્ન (ITR Filing 2026)ની ઝીણવટભરી તપાસ કરીને સૅટેલાઇટ દ્વારા જમીનની ચકાસણી કરી ત્યારે ખબર પડી કે આ લોકો પાસે કોઈ જમીન જ નથી અને તેઓ નકલી ખેડૂત બનીને ટૅક્સ-ચોરી કરી રહ્યા હતા.



તપાસમાં બહાર આવ્યું છે કે આ કૌભાંડીઓએ કૃષિ આવક કાયદા હેઠળ ૫૦ લાખથી લઈને ૪૦૦ કરોડ રૂપિયા સુધીના મોટા ટૅક્સ ક્લેમ કર્યા હતા. આ લોકોએ વાસ્તવમાં પોતાની અન્ય કમાણી અથવા પ્રૉપર્ટીના વેચાણથી થયેલા નફાને ‘કૅપિટલ ગેઇન્સ’ તરીકે દર્શાવવાને બદલે એને ખેતીમાંથી થયેલી આવક તરીકે બતાવી દીધી હતી જેથી એના પર ટૅક્સ ન ચૂકવવો પડે.


ભારતીય આવકવેરા કાયદાની કલમ ૧૦(૧) હેઠળ ખેતીમાંથી થતી આવકને સંપૂર્ણપણે ટૅક્સ-ફ્રી (કરમુક્ત) રાખવામાં આવી છે. આ નિયમનો મુખ્ય ઉદ્દેશ દેશના અસલી અને મહેનતુ ખેડૂતોને આર્થિક રાહત આપવાનો છે, પરંતુ આ કેસમાં અમીર ઉદ્યોગપતિઓ કે રોકાણકારોએ જમીન વેચીને થયેલા નફા પર કૅપિટલ ગેઇન ટૅક્સ બચાવવા માટે આ કાયદાનો દુરુપયોગ કર્યો છે.

આગામી દિવસોમાં નોટિસ ફટકારવામાં આવશે


આવકવેરા વિભાગ હવે આ સમગ્ર મામલાની વધુ ઊંડી તપાસ કરી રહ્યો છે. ડેટા ઍનૅલિટિક્સ દ્વારા આવકની વિસંગતતા (Income Mismatch)ની તપાસ પૂરી થયા બાદ આ તમામ ૩૧૦ નકલી ખેડૂતોને કાયદાકીય નોટિસ ફટકારવામાં આવશે અને તેમની પાસેથી વ્યાજ તથા પેનલ્ટી સાથે ટૅક્સની વસૂલાત કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

25 May, 2026 08:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK