રાજ ઠાકરે આ માટેનો ખર્ચ ઉપાડવા તૈયાર- આ વર્ષે દહીહંડીમાં મુંબઈના જય જવાન પથકે બે વાર ૧૦ થરનો પિરામિડ બનાવીને વિક્રમ સરજ્યો હતો
જય જવાન પથક
આ વર્ષે દહીહંડીમાં મુંબઈના જય જવાન પથકે બે વાર ૧૦ થરનો પિરામિડ બનાવીને વિક્રમ સરજ્યો હતો. હવે આ પથકના ૪૧ સભ્યો આવતા વર્ષે સ્પેનમાં યોજાનારી કૅસ્ટલર્સ સ્પર્ધામાં ભાગ લેવા જશે એવી જાહેરાત કરવામાં આવી છે. આ માટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના નેતા રાજ ઠાકરેએ તમામ ખર્ચ ઉપાડવાની તૈયારી દર્શાવી છે.
સ્પેનમાં યોજાતી કૅસ્ટલર્સ કૉમ્પિટિશન હ્યુમન પિરામિડ માટે વિશ્વની પ્રતિષ્ઠિત સ્પર્ધા માનવામાં આવે છે. ૨૦૨૬ના ઑક્ટોબર મહિનામાં યોજાનારી આ સ્પર્ધામાં જય જવાન પથકના સભ્યો ભાગ લેશે. એ માટે સ્પેનના પ્રવાસનો ખર્ચ રાજ ઠાકરે ઉપાડશે. મંગળવારે રાજ ઠાકરેએ આ પથકના સભ્યોને મળીને જાહેરાત કરી હતી. રાજ ઠાકરેએ જય જવાન પથકની કામગીરીને બિરદાવતાં કહ્યું હતું કે જય જવાન પથક સ્પેન જશે તો દહીહંડીની ભારતીય પરંપરાને આંતરરાષ્ટ્રીય ઓળખ મળશે.

