Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કાંદિવલીના નાવિકનો મૃતદેહ મેળવવા પરિવારે માગી હાઈ કોર્ટની મદદ

કાંદિવલીના નાવિકનો મૃતદેહ મેળવવા પરિવારે માગી હાઈ કોર્ટની મદદ

Published : 04 April, 2026 01:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક મહિના પહેલાં ઓમાનમાં ઑઇલના જહાજ પર થયેલા હુમલામાં જીવ ગુમાવનાર દીક્ષિત સોલંકીનો મૃતદેહ હજી પરિવારને મળ્યો નથી

યુદ્ધ દરમ્યાન ઓમાનના દરિયાકાંઠે લાંગરેલા એક માલવાહક જહાજ પર થયેલા હુમલામાં જીવ ગુમાવનાર ભારતીય નાવિક દીક્ષિત સોલંકી

યુદ્ધ દરમ્યાન ઓમાનના દરિયાકાંઠે લાંગરેલા એક માલવાહક જહાજ પર થયેલા હુમલામાં જીવ ગુમાવનાર ભારતીય નાવિક દીક્ષિત સોલંકી


મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ દરમ્યાન ઓમાનના દરિયાકાંઠે લાંગરેલા એક માલવાહક જહાજ પર થયેલા હુમલામાં જીવ ગુમાવનાર ભારતીય નાવિક દીક્ષિત સોલંકીના પરિવારે તેના મૃતદેહને પાછો લાવવા માટે બૉમ્બે હાઈ કોર્ટમાં ધા નાખી છે. ગયા મહિને બનેલી આ ઘટનામાં દીક્ષિત સોલંકી પ્રથમ ભારતીય શહીદ બન્યો હતો, પરંતુ એક મહિના જેટલો સમયગાળો વીતી જવા છતાં તેનો મૃતદેહ વતન ન આવતાં પરિવારે કાયદાકીય માર્ગ અપનાવ્યો છે.

દીક્ષિત સોલંકીના પપ્પા અમૃતલાલ સોલંકી અને બહેન મિતાલી વતી ઍડ્વોકેટ એસ. બી. તલેકર અને માધવી અય્યપ્પન મારફત દાખલ કરવામાં આવેલી અરજીમાં કેન્દ્ર સરકારને મૃતદેહ લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવવાનો આદેશ આપવાની માગણી કરવામાં આવી છે. અરજીમાં આક્ષેપ કરાયો છે કે પ્રશાસન તરફથી આ મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી રહી નથી. મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખરની આગેવાની હેઠળની બેન્ચ ૬ એપ્રિલે આ અરજી પર સુનાવણી હાથ ધરશે.



૪ માર્ચે ઓમાનના દરિયાકાંઠે MT MKD વ્યોમ નામના ઑઇલ વેસલ પર વિસ્ફોટકોથી ભરેલી ડ્રોન બોટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એમાં વેસલ પર હાજર પચીસ વર્ષના દીક્ષિત સોલંકીએ જીવ ગુમાવ્યો હતો. તેના પરિવારે અરજીમાં મૃતદેહની સાથે તપાસના તમામ દસ્તાવેજો અને ફૉરેન્સિક રિપોર્ટ સોંપવાની માગણી પણ કરી છે.


UAEમાં ઔપચારિકતાઓ પૂરી કરવાની બાકી છે એમ કહીને હજી સુધી કોઈ અપડેટ આપ્યું ન હોવાનો પરિવારનો દાવો

સોલંકી પરિવાર દ્વારા કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે મર્ચન્ટ નેવી ઍક્ટ 2025 મુજબ મરનારના મૃતદેહ અથવા અવશેષો તેના પરિવારને સોંપવાની કાનૂની જવાબદારી છે. આ ઘટનાના લગભગ એક મહિના પછી પણ પરિવારનો દાવો છે કે તેમને હજી સુધી અવશેષો મળ્યા નથી. શિપિંગ કંપની પાસેથી માહિતી મેળવવાના તેમના પ્રયાસો નિષ્ફળ રહ્યા હોવાનું પણ પરિવારે જણાવ્યું હતું. રિક્રૂટમેન્ટ અને પ્લેસમેન્ટ એજન્સીના અધિકારીઓએ પરિવારને જાણ કરી હતી કે તેઓ UAEમાં ઇન્ડિયન એમ્બેસી સાથે ફૉલોઅપ કરી રહ્યા છે, પરંતુ તેમને કોઈ જવાબ મળ્યો નથી. દુબઈમાં ભારતના કૉન્સ્યુલેટ જનરલે ૧૭ માર્ચે જણાવ્યું હતું કે દીક્ષિત સોલંકીના હાડપિંજરના અવશેષો મળી આવ્યા છે અને ડેથ-સર્ટિફિકેટ સહિતની ઔપચારિકતાઓ માટે શારજાહ પોલીસને સોંપવામાં આવશે. જોકે પરિવારનું કહેવું છે કે આ બાબતે કોઈ જ અપડેટ હજી સુધી મળ્યું નથી.


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2026 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK