Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં 2026નું ભારતનું પહેલું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ

કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં 2026નું ભારતનું પહેલું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ

Published : 31 January, 2026 07:51 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દસ વર્ષની અનન્યા (નામ બદલ્યું છે) 2025ના અંતમાં જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહી હતી. થોડા દિવસો પહેલાં સુધી તે સ્વસ્થ અને સક્રિય હતી, પરંતુ અચાનક તેની તબિયત બગડી ગઈ. તે ચાલી શકતી નહોતી અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી.

કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ

કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ


મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં 2026નું ભારતનું પહેલું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. આ ટ્રાન્સપ્લાન્ટને કારણે 10 વર્ષના એક બાળકને નવું જીવન મળ્યું છે. દસ વર્ષની અનન્યા (નામ બદલ્યું છે) 2025ના અંતમાં જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહી હતી. થોડા દિવસો પહેલાં સુધી તે સ્વસ્થ અને સક્રિય હતી, પરંતુ અચાનક તેની તબિયત બગડી ગઈ. તે ચાલી શકતી નહોતી અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. તપાસમાં જાણવા મળ્યું કે તેનું હૃદય માત્ર 10 ટકા કામ કરી રહ્યું હતું, જ્યારે સામાન્ય રીતે હૃદયનું કાર્યક્ષમતા સ્તર લગભગ 60 ટકા હોવું જરૂરી હોય છે.

ગંભીર હાલતમાં અનન્યાને ગોવાથી એરલિફ્ટ કરીને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં લાવવામાં આવી. વિગતવાર તપાસ બાદ ડોક્ટરોને ખબર પડી કે તેને કાર્ડિયોમાયોપથીનું આનુવંશિક સ્વરૂપ છે, જે અચાનક અને ગંભીર હાર્ટ ફેલ્યોરનું કારણ બની શકે છે. ચિલ્ડ્રન્સ હાર્ટ સેન્ટરમાં ડોક્ટરોએ શરૂઆતમાં cardiac supportive medicines (inotropes) દ્વારા તેની હાલત સ્થિર કરવાનો પ્રયાસ કર્યો. જોકે, તેની સ્થિતિ સતત ખરાબ થતી ગઈ. આ પછી તેને ECMO (extracorporeal membrane oxygenation) પર મૂકવામાં આવી, જે એક તાત્કાલિક લાઇફ સપોર્ટ સિસ્ટમ છે અને થોડા સમય માટે કૃત્રિમ હૃદય અને ફેફસાં તરીકે કામ કરે છે. અનન્યાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ડોક્ટરોએ તાત્કાલિક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય લીધો અને યોગ્ય દાતા માટે શોધ શરૂ કરી.



ભારતમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે પ્રગતિ


છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે પ્રગતિ થઈ છે, પરંતુ બાળકો માટે હૃદય દાનના કિસ્સા હજુ પણ ખૂબ જ ઓછા છે. બાળકોને એવા દાતાની જરૂર પડે છે જેની ઉંમર અને શરીરનું કદ નજીકનું હોય. સામાન્ય રીતે, બાળકોના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં દાતાનું વજન બાળકના વજન કરતાં 1.5 ગણાથી વધુ ન હોવું જોઈએ, જેના કારણે દાતા મળવો મુશ્કેલ બની જાય છે. દાતા ન મળતા અને લાંબા સમય સુધી ECMO પર રાખવામાં જોખમ હોવાથી ડોક્ટરોએ Left Ventricular Assist Device (LVAD) ઇમ્પ્લાન્ટ કરવાનો નિર્ણય લીધો. LVAD એક મિકેનિકલ ડિવાઇસ છે, જે હૃદયના ડાબા ભાગને મદદ કરીને ઓક્સિજનયુક્ત લોહીને શરીરના અન્ય અંગોમાં પહોંચાડે છે.

ભારતમાં બાળકોમાં LVAD નો ઉપયોગ ખૂબ જ ઓછો થાય છે. આ અંગે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ ડૉ. તનુજા કરંડેએ જણાવ્યું હતું કે બાળકોમાં LVAD મેનેજ કરવા માટે અનુભવી સર્જિકલ ટીમ, અદ્યતન ICU અને હાર્ટ ફેલ્યોર તથા ટ્રાન્સપ્લાન્ટનો અનુભવ ધરાવતા પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ જરૂરી હોય છે. આ નિર્ણય ચિલ્ડ્રન્સ હાર્ટ સેન્ટરના ડિરેક્ટર ડૉ. સુરેશ રાવની આગેવાની હેઠળ લેવામાં આવ્યો હતો.


હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સફળ

LVAD ઇમ્પ્લાન્ટ કર્યા પછી અનન્યાના નિષ્ફળ થઈ રહેલા અંગોમાં રક્ત પરિભ્રમણ સુધર્યું. માત્ર એક અઠવાડિયા પછી દાતાનું હૃદય ઉપલબ્ધ બન્યું. દાતા 56 વર્ષના એક વ્યક્તિ હતા, જેઓ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા હતા. સરકારી સત્તાવાળાઓના સારા સંકલનના કારણે દાતાનું હૃદય ઔરંગાબાદથી હવાઈ માર્ગે મુંબઈ લાવવામાં આવ્યું. દાતાનું વજન અનન્યાના વજન કરતાં લગભગ બમણું હતું. જોખમ હોવા છતાં મેડિકલ ટીમ અને પરિવારજનોએ વિલંબ કર્યા વિના ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય લીધો. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યું. અનન્યાને ત્રણ દિવસમાં વેન્ટિલેટર પરથી ઉતારી લેવામાં આવી. તેની તબિયતમાં ઝડપી સુધારો થયો અને બે અઠવાડિયામાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.

કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના CEO અને Executive Director ડૉ. સંતોષ શેટ્ટીએ જણાવ્યું હતું કે દાતા અને બાળકની ઉંમર તથા વજનમાં મોટા ફરકને કારણે આ ટ્રાન્સપ્લાન્ટ ખૂબ પડકારજનક હતો. તેમ છતાં, સફળ પરિણામ મળવાથી સમગ્ર ટીમ ખુશ છે. આ ઘટના ભારતમાં અંગદાતાઓની અછત તરફ ધ્યાન દોરે છે. હાર્ટ ફેલ્યોરથી પીડાતા ઘણા બાળકો અને પુખ્ત વયના દર્દીઓ યોગ્ય અંગની રાહ જોતા પોતાનું જીવન ગુમાવે છે. દેશમાં અંગદાન અંગે વધુ જાગૃતિ લાવવાની તાતી જરૂર છે.

Whatsapp-channel Whatsapp-channel

31 January, 2026 07:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK