કલકત્તા પોલીસે ઝીણવટભરી તપાસ કરતાં આરોપીઓ નાલાસોપારામાં હોવાની માહિતી મળી હતી
પ્રતીકાત્મક તસવીર
કલકત્તાના પાર્ક સ્ટ્રીટ પોલીસ-સ્ટેશનમાં નોંધાયેલી ૫૦ લાખ રૂપિયાની છેતરપિંડીના કેસમાં કલકત્તા પોલીસને આરોપીઓ મુંબઈ નજીકના નાલાસોપારાના હોવાનું જણાઈ આવતાં મીરા-ભાઈંદર, વસઈ-વિરાર (MBVV) પોલીસની ક્રાઇમ બ્રાન્ચ યુનિટ ૩ની મદદ લઈને આરોપીઓને ઝડપી લીધા હતા. પકડાયેલા ૩ આરોપીઓ ટૅક્સી-ડ્રાઇવર હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું.
MBVV પોલીસના જણાવ્યા અનુસાર કલકત્તાના ડૉ. અગ્રવાલને વૉટ્સઍપ કૉલ આવ્યો હતો. એ કૉલમાં તેમના જાણીતા અને સેન્ચુરી પ્લાયવુડના માલિક ભજનકા બોલતા હોય એવો ભ્રમ ઊભો કરવામાં આવ્યો હતો અને તેમની પાસેથી ૫૦ લાખ રૂપિયાની રકમ આંગડિયા દ્વારા મગાવવામાં આવી હતી. એ રકમ આંગડિયા દ્વારા મગાવ્યા બાદ આરોપીઓએ આંગડિયાને ઝડપીને તેને લૂંટી લીધો હતો. આંગડિયાએ આ બાબતે ડૉ. અગ્રવાલને જાણ કરી હતી અને ત્યાર બાદ કલકતાના પાર્ક સ્ટ્રીટ પોલીસ-સ્ટેશનમાં એની ફરિયાદ કરવામાં આવી હતી.
કલકત્તા પોલીસે ઝીણવટભરી તપાસ કરતાં આરોપીઓ નાલાસોપારામાં હોવાની માહિતી મળી હતી. એ પછી કલકત્તા પોલીસની એક ટીમ અહીં આવી હતી. MBVV પોલીસની ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરે પણ પૂરતી અને ઝડપી તપાસ કરીને નાલાસોપારામાંથી ત્રણ આરોપીઓ સૈયદ રિયાઝ કાઝી, વકાબ મોહમ્મદ જાવેદ ચાંદીવાલા અને સચિન મનોહરપ્રસાદ આર્યભટ્ટને પકડી લીધા હતા. આ ત્રણેય જણ વ્યવસાયે ડ્રાઇવર છે. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું હતું કે તેઓ અન્ય કોઈ ગૅન્ગ માટે પહેલાં નાનું-મોટું કામ કરી ચૂક્યા હતા અને તેમને એમાંથી થોડીઘણી રકમ મળી જતી હતી. કલકત્તા પોલીસ આરોપીઓને હવે કલકત્તા લઈ ગઈ છે. કલકત્તા પોલીસનો ઍન્ટિ-રાવડી સેક્શન ડિટેક્ટિવ ડિપાર્ટમેન્ટ, લાલબજાર હવે કેસની વધુ તપાસ ચલાવશે.

