VIP કલ્ચર અને સામાન્ય ભક્તો સાથે થતા અમાનવીય વ્યવહાર વિશે ફરી એક વાર ચર્ચા ઊપડી છે. પક્ષપાતી અભિગમ અને ભારે અવ્યવસ્થાને કારણે મિડ-ડેને એવા પણ કેટલાક લોકો મળ્યા જે કહે છે કે...
લાલબાગચા રાજાનાં VIP દર્શનની ભીડ પણ કેવી ભયંકર હોય છે જોઈ લો.
VIP માટે રેડ કાર્પેટ અને સામાન્ય શ્રદ્ધાળુઓ સાથે ધક્કામુક્કી અને અમાનવીય વ્યવહાર, આ તે ભેદભાવની કેવી પરાકાષ્ઠા: આવો આક્રોશ ઠાલવ્યો છે મુંબઈના કેટલાક ગણેશભક્તોએ જેઓ અન્ય ગણેશ પંડાલોમાં જાય છે પણ લાલબાગચા રાજાને ત્યાં નહીં
૨૪ કલાકના ગાળામાં જ લાલબાગચા રાજાના પંડાલમાં ચરણસ્પર્શની લાઇનમાં ઊભેલા ગુજરાતના દહેગામના કપડાંના વેપારી જયેશ ભાવસાર અને પુણેના પચીસ વર્ષના એન્જિનિયર જયદીપ નેમાડેનું હાર્ટ-અટૅકના કારણે અવસાન થતાં આખું મુંબઈ સ્તબ્ધ છે. ફરી એક વાર મંડળની બેદરકારી, સુરક્ષા-કર્મચારીઓની દાદાગીરી અને VIP માટે કલાકો સુધી સામાન્ય લાઇન રોકી રાખવાની નીતિના મુદ્દાઓ ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે ત્યારે ‘મિડ-ડે’એ વાત કરી બાપ્પાના કેટલાક એવા શ્રદ્ધાળુઓ સાથે જેઓ લાલબાગચા રાજા પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવે છે પણ ત્યાંની અવ્યવસ્થાને કારણે ત્યાં જવાનું ટાળે છે
ADVERTISEMENT
લાલબાગચા રાજાનાં દર્શનની લાઇનમાં બે યુવાનોને બુધવારે અને ગુરુવારે જીવલેણ હાર્ટ-અટૅક આવી ગયો એ પછી ત્યાંના VIP કલ્ચર અને સામાન્ય ભક્તો સાથે થતા અમાનવીય વ્યવહાર વિશે ફરી એક વાર ચર્ચા ઊપડી છે. પક્ષપાતી અભિગમ અને ભારે અવ્યવસ્થાને કારણે મિડ-ડેને એવા પણ કેટલાક લોકો મળ્યા જે કહે છે કે...
ગણેશોત્સવ આસ્થાનું પર્વ છે અને એમાં પણ લાલબાગચા રાજાનો મહિમા હવે દેશ-વિદેશમાં એવો વ્યાપક બન્યો છે કે દુનિયાભરમાંથી લોકો અહીં દર્શન કરવા આવે છે. જોકે છેલ્લાં થોડાંક વર્ષોથી લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળના કાર્યકરો દ્વારા સેલિબ્રિટીઝ સાથે થતા વ્યવહારમાં અને સામાન્ય માણસો સાથે થતા વ્યવહારમાં ભેદભાવ ચર્ચાનું કેન્દ્ર બનતો રહ્યો છે. ક્યાંક એવી પણ ડિબેટ શરૂ થઈ છે કે હવે લાલબાગચા રાજાના પંડાલમાં શ્રદ્ધા પર સોશ્યલ મીડિયાને કારણે વ્યાપેલો ક્રેઝ અને જાણીજોઈને સેલિબ્રિટીઝની ઉપસ્થિતિ દ્વારા ઊભો કરાયેલો હાઇપ હાવી કરવામાં આવ્યો છે જેનો ભોગ સામાન્ય ભક્તો બની રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં બાપ્પાના ચરણસ્પર્શની લાઇનમાં ઊભેલા બે શ્રદ્ધાળુઓના હાર્ટ-અટૅકને કારણે થયેલાં મૃત્યુએ પણ વિવાદ સર્જ્યો છે. એક તરફ સાંકડી ગલીમાં બિરાજતા બાપ્પાનાં દર્શનાર્થે આવતા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓને મૅનેજ કરવાનું કામ પોતાનામાં એક બહુ જ મોટો પડકાર છે તો બીજી બાજુ શ્રદ્ધાળુઓ દ્વારા કલાકો લાઇનમાં ઊભા રહ્યા પછી પણ થતાં દર્શન અને વ્યવહારની ફરિયાદો અને એ વાતની પુષ્ટિ કરતા વિડિયોને કારણે જાગતી લોકલાગણી પણ મહત્ત્વની છે. બન્ને પડકારોની વચ્ચે મુંબઈમાં હજારો લોકો એવા પણ છે જેઓ દેશ-વિદેશમાં શ્રદ્ધાનું કેન્દ્ર બનેલા લાલબાગચા રાજાને ત્યાં દર્શન કરવા જવાનું ટાળી રહ્યા છે કારણ કે તેમને આ અવ્યવસ્થા કે ધક્કામુક્કીનો ભોગ નથી બનવું, તેમને વધુ મહત્ત્વના લોકોને મળતી મહત્તા સામે પોતાની કોઈ વૅલ્યુ જ નથી એવી લાગણીઓ કોઈ આપી જાય એ નથી જોઈતું. એવા જ કેટલાક મુંબઈકરો સાથે વાત કરીએ.
અમે લાલબાગ સિવાય ઘણા ગણેશ પંડાલોમાં દર્શન કરવા જઈએ છીએ

અરવિંદ ભાનુશાલી, રિયલ એસ્ટેટના વેપારી, ઘાટકોપર
અમે હરિઓમ પરિવારના સભ્યો દર વર્ષે ગણેશોત્સવમાં અલગ-અલગ વિસ્તારોમાં ગણેશ દર્શન માટે જઈએ છીએ. મારી પંચાવન વર્ષની ઉંમર થઈ ગઈ છતાં હું ક્યારેય લાલબાગના રાજાનાં દર્શન કરવા નથી જતો. ત્યાંની સિસ્ટમ, નકામો હાઇપ અને VIP કલ્ચર જોઈને ક્યારેય ઇચ્છા જ નથી થઈ. પાંચ-દસ કલાક લાઇનમાં ઊભા રહેવું, ધક્કામુક્કી સહન કરવી, પાણી માટે હેરાન થવું અને છેવટે માણસનો સંયમ તૂટી જાય એના કરતાં તો વિડિયો કે ફોટોમાં જ બાપ્પાનાં દર્શન કરી લેવા સારાં! દર્શન માટે ધક્કા મારવા એ દર્શન નથી. લાલબાગના આયોજકોએ GSB મંડળ પાસેથી શીખવું જોઈએ. GSB ગણેશ મંડળમાં પણ સેલિબ્રિટીઝ આવે છે અને હજારોની ભીડ હોય છે છતાં વ્યવસ્થા એવી છે કે લાઇનમાં ખુરસી પર શાંતિથી બેસવા મળે, પ્રેમથી મુખદર્શન થાય અને કોઈ ધક્કા મારવાવાળું ન હોય. આ સિવાય ફોર્ટના ઇચ્છાપૂર્તિ ગણેશ, ખેતવાડીની ગલીઓ, દાદર શિવાજી પાર્ક, ચેમ્બુરનું સહ્યાદ્રિ ક્રીડા મંડળ કે મુલુંડનાં મંડળોમાં જઈએ તો બે લાઇન હોય તો પણ સરસ દર્શન થાય છે. લાલબાગચા રાજા પ્રત્યે લોકોને શ્રદ્ધા છે ત્યારે ત્યાંની વ્યવસ્થામાં સુધારો લાવવાની ખૂબ જ જરૂર છે.
લાલબાગચા રાજાના પંડાલમાં ભક્તિ ઓછી અને શો-ઑફ વધારે

દિનેશ કોઠારી, ફૅબ્રિક એજન્સીના માલિક, ભાઈંદર
વર્ષોથી મુંબઈમાં રહું છું, પરંતુ લાલબાગચા રાજાનાં દર્શન કરવા જવાની હિંમત નથી થઈ. બે-ત્રણ વર્ષ પહેલાં ત્યાં જવાનું વિચારેલું, પણ ત્યાંની ભીડના વિડિયો જોયા પછી માંડી વાળ્યું. અત્યારે આસ્થા અને શ્રદ્ધા કરતાં દેખાડો અને દુનિયાને કહેવા માટે અહીં દોડી આવતા લોકોની સંખ્યા વધી હોય એવું વધુ લાગે છે. બીજી બાજુ વધતા શ્રદ્ધાળુઓ સાથે કીડી-મંકોડા સાથે થતો હોય એવો વ્યવહાર ત્યાંના કાર્યકરો દ્વારા થાય છે એ જોઈને તો મન સાવ ઊઠી ગયું છે. કેવું કહેવાય કે ઘેટાં-બકરાંની જેમ સામાન્ય માણસને ધક્કા મારીને બહાર ફેંકી દેવામાં આવે છે અને VIP, પૉલિટિશ્યન્સ તથા ફિલ્મસ્ટાર્સ માટે રેડ કાર્પેટ પાથરવામાં આવે છે. સામાન્ય ભક્તો કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા લાઇનમાં ઊભા રહીને ઇન્ફિરિયોરિટી અનુભવે. હું તો એનો હિસ્સો ન બની શકું. એમાંય અત્યારે જે સાંભળવા મળ્યું કે બાપ્પાનાં ચરણોમાં દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓનાં મોત થયાં, એ તો વ્યવસ્થાપકોના સંચાલન પર બહુ મોટું કલંક છે. જે સામાન્ય પબ્લિકના કારણે લાલબાગચા રાજાને આખા વિશ્વમાં ખ્યાતિ મળી તે જ સામાન્ય ભક્તને આજે ત્યાં ચોટલા પકડીને બહાર ધકેલવામાં આવે એ કઈ રીતે યોગ્ય કહેવાય? નવાઈની વાત તો એ છે કે સેલિબ્રિટીઝને આ અમાનવીય સ્થિતિ અજુગતી નથી લાગતી. હકીકતમાં દર્શનમાં VIP કલ્ચર ખતમ થવું જ જોઈએ અથવા તો સામાન્ય માણસને તકલીફ ન પડે એવી વ્યવસ્થા થવી જોઈએ. હું તો કહીશ કે આવા કમર્શિયલ બની રહેલા પંડાલોમાં દર્શન કરવા કરતાં તમારા ઘરના ગણપતિ કે તમારા વિસ્તારના ગણપતિનાં દર્શન કરવા જાઓ તો બાપ્પા વધુ ખુશ થશે. હું પોતે માટુંગા દર્શન કરવા જાઉં છું, ચીરાબજાર જાઉં છું, ગણેશ ગલી અને ભુલેશ્વર પણ જાઉં છું; પણ લાલબાગ તો નહીં જ.
ક્યારેય લાલબાગચા રાજાનાં દર્શન કરવા ગયો નથી અને જઈશ નહીં

રાજેશ બક્ષી, રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા વેપારી, વિરાર
હું બહુ જ પરમ ગણેશભક્ત છું. બાપ્પાની સેવા કરું છું અને આરતીથી માંડીને ઉપવાસ પણ કરું છું, પરંતુ ૬૨ વર્ષમાં હું લાલબાગચા રાજાનાં દર્શન કરવા ગયો નથી અને આગળ પણ ત્યાં દર્શન માટે જે રેસ લાગી છે એનો હિસ્સો ક્યારેય નહીં બનું. જે રીતે શ્રદ્ધાળુઓ સાથે ત્યાંના કાર્યકરો દ્વારા થતા વ્યવહારના વિડિયો મેં જોયા છે એ પછી તો મને ખરેખર સવાલ થાય છે કે લોકો શું જોઈને અહીં દર્શન કરવા આવતા હશે? હવે આ બાપ્પા શ્રદ્ધાળુઓના છે જ નહીં પણ જાણે કે માલિકીના ભગવાન બની ગયા છે. હું તો દરેકને કહીશ કે બાપ્પા માટે શ્રદ્ધા હોય તો બીજે દર્શન કરી લો, મનમાં દર્શન કરો પણ આવી ભીડનો હિસ્સો બનીને અપમાન કરાવવા નહીં જાઓ. કોઈનો ચોટલો પકડીને ખેંચીને બહાર કાઢતા અને કોઈને લાફા મારતા વિડિયો જોયા પછી પણ કોઈનું મન કેવી રીતે થાય ત્યાં જવાનું? ભક્તો ભક્તોમાં ભેદ છે અહીં. તમે બચ્ચન પરિવારના છો કે કોઈ ફિલ્મસ્ટાર છો તો જરૂર જાઓ, પણ સામાન્ય માણસ તરીકે તો તમારા ગણેશજીનાં તમારા ઘરની આસપાસ જ્યાં હોય ત્યાં જ દર્શન કરી લે, ટીવી પર લાલબાગચા રાજાનાં દર્શન કરી લો.
વિડિયોમાં સામાન્ય માણસ સાથે થતો વ્યવહાર જોઈને જીવ બળે છે

અલકા કાણકિયા, ગૃહિણી, સાઉથ મુંબઈ
હું ૬૧ વર્ષની છું અને ગણપતિબાપ્પા પર અપરંપાર શ્રદ્ધા હોવા છતાં આજ સુધી ક્યારેય લાલબાગચા રાજાનાં દર્શન કરવા નથી ગઈ. ભગવાન તો સૌના હૃદયમાં અને દિલમાં છે. અમારા બિલ્ડિંગમાં ૩૮ વર્ષથી ગણપતિ આવે છે. અમે સવાર-સાંજ આરતી કરીએ છીએ, ભોગ ચડાવીએ છીએ અને લાલબાગચા રાજાની મૂર્તિ જ્યારે વિસર્જન વખતે અમારી દુકાન પાસેથી નીકળે ત્યારે શાંતિથી દર્શન કરી લઈએ છીએ. વિડિયોમાં સામાન્ય માણસ સાથે થતો વ્યવહાર જોઈને જીવ બળે છે. આખરે ભગવાને જ માણસને બનાવ્યો છે અને માણસે બનાવેલી મૂર્તિ માટે ભગવાને બનાવેલા માણસ સાથે આવો વ્યવહાર? આ જોઈને જ મારા પગ ત્યાં જતાં અટકી જાય છે. જોકે આપણે જ એને પ્રોત્સાહન આપીએ છીએ. જો સામાન્ય માણસ જ લાલબાગ જવાનું સાવ બંધ કરી દે તો પછી VIPની કોઈ વૅલ્યુ જ નહીં રહે અને એ પણ સામાન્ય થઈ જશે! રામ મંદિરમાં થયેલી દાનચોરી પછી પણ લોકો સમજતા નથી કે અને મંદિરોમાં કરોડોનો ચડાવો ચડાવે છે. એને બદલે એ પૈસા કોઈ ગરીબના શિક્ષણ અને સારી જગ્યાએ વાપરો.
મહેમાનોને કહી દઉં કે મારા ઘરે નહીં આવો તો ચાલશે, પણ હું લાલબાગચા રાજાનાં દર્શને નહીં આવું

સંજય ગોહિલ, કાંદિવલી, સિનિયર ફોટોગ્રાફર
હું ૪૫ વર્ષ પહેલાં પગે ચાલીને લાલબાગચા રાજાનાં દર્શન કરવા ગયો હતો. એ દિવસ અને આજનો દિવસ એ પછી ક્યારેય ગયો નથી. ઘણા ત્યાંના મિત્રો છે તેમની પાસેથી જાણેલી વાતો અને ત્યાં સતત વધી રહેલું કમર્શિયલાઇઝેશન જોઈને ક્યારેય જવાનું મન પણ નથી. ઘણી વાર બહારગામના મહેમાનો લાલબાગચા રાજાનો મહિમા સાંભળીને મને પૂછે કે અમે આવીએ જો તમે અમારી સાથે લાલબાગનાં દર્શને આવવાના હો તો અને હું ના પાડી દઉં કે તમે ભલે મારા ઘરે નહીં આવો, પણ હું તો ત્યાં લાલબાગ નહીં જ આવું. આજે ત્યાં ભક્તિ ઓછી અને એન્ટરટેઇનમેન્ટ તેમ જ દેખાદેખીનો ખેલ વધારે બની ગયું છે. હીરો-હિરોઇન જાય, શાહરુખ ખાન જાય એટલે લોકો પણ આંધળી દોટ મૂકે છે. લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને, જિંદગી દાવ પર લગાવીને લાલબાગચા રાજાનાં દર્શન કરવા જાય છે. અરે, કરોડો-લાખો રૂપિયા પંડાલમાં દાન કરવાને બદલે કોઈ ગરીબને આપો તો તેનું જીવન સુધરી જાય! આવી રીતે શરીરને પીડા આપીને અને જાન જોખમમાં મૂકીને દર્શન કરવા જવાનો કોઈ મતલબ નથી. ભગવાન તો દિલમાં વસેલા છે. હું આંખ બંધ કરું એટલે સિદ્ધિવિનાયકનાં દર્શન થઈ જાય છે. મારી લોકોને એ જ અપીલ છે કે શ્રદ્ધાને સર આંખો પર રાખો, પણ દેખાદેખીમાં ન પડો.
સોશ્યલ મીડિયાને લીધે લાલબાગચા રાજાનો ક્રેઝ ખૂબ વધ્યો છે અને ગાડરિયો પ્રવાહ ચાલી રહ્યો છે

હું લાલબાગમાં જ જન્મ્યો છું અને છેલ્લાં ૪૦ વર્ષથી ગણેશ ગલીમાં રહું છું છતાં મેં લાલબાગચા રાજાનાં દર્શન
માટે એક પણ વાર લાઇનમાં જવાનું મુનાસિબ નથી માન્યું. આટલી ભયાનક ભીડ જોઈને જ જવાનું મન ન થાય. છેલ્લાં દસ-બાર વર્ષમાં સોશ્યલ મીડિયાને લીધે લાલબાગચા રાજાનો ક્રેઝ ખૂબ વધ્યો છે અને ગાડરિયો પ્રવાહ ચાલી રહ્યો છે. બેશક, મને પણ લાલબાગચા રાજા માટે શ્રદ્ધા છે. હું પોતે જૈન છું છતાં અમારા ઘરે પણ ગણપતિની પધરામણી થાય છે અને અમે માટુંગાના ઓપન પંડાલોમાં જઈને દર્શન પણ કરીએ છીએ. વિસર્જનના દિવસે લાલબાગચા રાજાની મૂર્તિ
જ્યારે ગણેશ ગલીમાંથી પસાર થાય ત્યારે ઘરની બારીમાંથી દર્શન કરી લઈએ છીએ. અત્યારની લાલબાગચા રાજાની સ્થિતિ જોતાં ક્યારેય પણ સ્ટૅમ્પડ થઈ શકે એવી હાલત છે. VIP કલ્ચર તો છે, પરંતુ એને બંધ કરવું આસાન નથી. હા, એવું જરૂર કરી શકાય કે VIP માટે પણ ફિક્સ સમય નિશ્ચિત થાય
અને એમાં જ તેમને દર્શન અપાય. થોડીક વ્યવસ્થા બહેતર થાય અને ક્રાઉડ મૅનેજમેન્ટ થાય એ અત્યારની ભીડને જોતાં ખૂબ જરૂરી લાગે છે. આઇ ઍમ શ્યૉર કે એ લોકો કરતા જ હશે, પરંતુ એ પૂરતું નથી.
લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળના સભ્ય શું કહે છે?
લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળમાં માત્ર ૭ વર્ષની નાની વયથી બાળસેવક તરીકે જોડાયેલા અને હાલ ૫૭ વર્ષની વયે સક્રિય સભાસદ તરીકે સેવા આપતા પપ્પુ જાની મંડળનો પક્ષ રજૂ કરતાં કહે છે, ‘લાલબાગ વિસ્તારની સાંકડી ગલીઓ અને જગ્યાના ભારે અભાવ વચ્ચે માત્ર ૬ જ દિવસમાં ૭૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવી ચૂક્યા છે. તમે જ વિચારો કે આ સ્તર પર જનમેદનીને સાચવવી એ ખાવાનું કામ નથી. આજે આમાંનો એકેય પ્રશ્ન ન હોત જો આઝાદ મેદાન જેવું વિશાળ ગ્રાઉન્ડ હોત તો, પરંતુ નાના પંડાલમાં દરેક ભક્તને જલદી દર્શન કરવાની અધીરાઈ હોય છે. અમારી સામે લાઇનમાં ઊભેલી છેલ્લામાં છેલ્લી વ્યક્તિને દર્શન કરાવવાની ઇચ્છા હોય છે. એવામાં ઉતાવળ કર્યા વગર છૂટકો જ નથી. બીજી બાજુ VIP કલ્ચરના નામે જે હોબાળો મચાવ્યો છે એ પણ પૂર્ણ સત્ય નથી. શાહરુખ ખાન, બચ્ચન પરિવાર, રણવીર સિંહ જેવા ભક્તો આવે છે ત્યારે પણ તેમને ડાયરેક્ટ એન્ટ્રી નથી મળતી. તેમને પણ એકથી દોઢ કલાકે બહુ ફરીને દર્શન કરવા મળે છે. ફોટો માટે પણ બહુ સમય તેમની પાસે નથી હોતો, પરંતુ સોશ્યલ મીડિયા પર એ થોડીક સેકન્ડને પણ મિનિટોમાં કન્વર્ટ કરીને વાઇરલ કરવામાં આવે છે. બીજી વાત મુખદર્શન કે ચરણસ્પર્શની લાઇન દસ-પંદર મિનિટ માટે અટકે છે, પરંતુ મન્નતની લાઇન નથી અટકતી. વાત રહી પ્રોટોકૉલવાળા અમિત શાહ જેવા VIP ભક્તોની તો એમાં મંડળના હાથમાં કંઈ જ નથી હોતું. એમાં સુરક્ષાનાં કારણોસર પોલીસ-પ્રોટોકૉલ મુજબ અમારે આગળ વધવું પડે છે. જોકે એમાં પણ પંદરથી ૨૦ મિનિટ માટે સામાન્ય લાઇન રોકવી પડે છે. એ વાત સાચી છે કે અમારા પક્ષે પણ દૂર-દૂરથી આવતા શ્રદ્ધાળુઓ અસહ્ય ગરમી અને થાકને કારણે અકળાઈ જાય ત્યારે મંડળના કાર્યકરોએ પણ ધીરજ રાખીને લોકોને સમજાવવાની આવડત કેળવવી પડશે. મંડળ દ્વારા ગેરરીતિ કરનારા કાર્યકરો સામે ઍક્શન પણ લેવાય છે. જોકે એ સમજવું પડશે કે સાંકડી જગ્યાએ જ્યાં લોકપ્રિયતા હોય ત્યાં થોડી અસુવિધા અનિવાર્ય સહજ છે એટલે વાતાવરણ બગાડવાને બદલે શ્રદ્ધાળુઓએ, પોલીસે અને મંડળના સેવકોએ પરસ્પર સંયમ, શ્રદ્ધા અને સબૂરી દાખવવાની અત્યંત જરૂર છે.’
બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના પ્રમુખ શું કહે છે?
મુંબઈનાં તમામ ગણેશ મંડળોની એક સંયુક્ત સંસ્થા ગણાતી બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિએ લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળના ઘણા પ્રશ્નોમાં મધ્યસ્થી કરીને સમાધાન લાવવાના પ્રયાસો કર્યા છે. આ સંસ્થાના અધ્યક્ષ નરેશ દહિબાવકર કહે છે, ‘તેમને ફાયર-બ્રિગેડનો એક પ્રશ્ન હતો તો એમાં પણ અમે વચ્ચે પડીને તેમને સહાય કરી હતી. હું પોતે લાલબાગચા રાજાનાં દર્શને નથી જતો કારણ કે તેમના દ્વારા એવું કોઈ ખાસ આમંત્રણ જ નથી હોતું. હવે તો મારી ઉંમર થઈ છે એટલે શારીરિક રીતે પણ આવી ભીડમાં જવું શક્ય નથી. બેશક, લોકોને થઈ રહેલી હાલાકી પર જો અમારી પાસે કોઈ લેખિત ફરિયાદ શ્રદ્ધાળુઓ દ્વારા આવે તો એમાં અમે વચ્ચે પડી શકીએ. એ સિવાય એ સ્વતંત્ર મંડળને કોઈ પણ સલાહસૂચન અમે કેવી રીતે આપી શકીએ? બેશક, તમે જેમ કહ્યું કે બે વ્યક્તિનાં મૃત્યુ થયાં તો એ વિશે ઊંડી તપાસ કરીને એવું ભવિષ્યમાં ન થાય એ માટે શું કરી શકાય એ વિશે અમે આ ગણેશોત્સવ મંડળ સાથે લેખિતમાં વાત કરીશું.’
