Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અમે સામાન્ય લોકોની સ્થિતિમાં સુધારો કરવાના ઉદ્દેશથી સત્તામાં આવ્યા છીએ

અમે સામાન્ય લોકોની સ્થિતિમાં સુધારો કરવાના ઉદ્દેશથી સત્તામાં આવ્યા છીએ

10 July, 2022 10:23 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેન્દ્ર સાથે મળીને રાજ્યના સર્વાંગી વિકાસના આશીર્વાદ લેવા દિલ્હી આવ્યા એકનાથ શિંદે : અમિત શાહ, રાજનાથ સિંહ, જે. પી. નડ્ડા, રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને ખભેખભા મિલાવીને કામ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગઈ કાલે દિલ્હીમાં નરેન્દ્ર મોદીને મળ્યા હતા.  પી.ટી.આઇ.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગઈ કાલે દિલ્હીમાં નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પી.ટી.આઇ.


એકાદશી પછી પ્રધાનમંડળની રચના કરાશે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ છેલ્લા બે દિવસથી દિલ્હીમાં છે. તેમણે શુક્રવારે રાત્રે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ગઈ કાલે રક્ષાપ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા તેમ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. રાજ્યમાં સરકારની સ્થાપના થયા બાદ તેઓ દિલ્હીમાં વરિષ્ઠોના આશીર્વાદ લેવા માટે આવ્યા હોવાનું એકનાથ શિંદેએ કહ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય ખભેખભા મિલાવીને સામાન્ય જનતાનું કામ કરવાની સાથે રાજ્યનો વિકાસ કેવી રીતે કરી શકાય એ બાબતની ચર્ચા વરિષ્ઠો સાથે થઈ હોવાનું દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું. ૨૦૧૯માં બીજેપી-શિવસેના યુતિને જનતાએ આશીર્વાદ આપ્યા હોવાથી ફરી બંને પક્ષ રાજ્યના હિત માટે કામ કરશે એવું બંનેએ આ સમયે પત્રકારો સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું. આજે અષાઢી એકાદશી છે. ત્યાર બાદ રાજ્યના પ્રધાનમંડળની રચના કરવામાં આવશે એમ તેમણે કહ્યું હતું.



એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે રાત્રે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે ચારેક કલાક ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે રાજ્યની સ્થિતિ, પ્રધાનમંડળ અને ૧૧ જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાબતે વાતચીત કરી હોવાનું કહેવાય છે. ગઈ કાલે તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રક્ષાપ્રધાન રાજનાથ સિંહ, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. રાજ્યના ચૂંટણી પંચે કેટલાક જિલ્લા અને ગ્રામપંચાયતની ચૂંટણીઓ જાહેર કરી છે. આ ચૂંટણીઓ ઓબીસી આરક્ષણ વિના ન યોજાય એ માટેના પ્રયાસ સરકાર કરશે એમ એકનાથ શિંદેએ કહ્યું હતું.


સર્વાંગી વિકાસની રાહ
૨૦૧૪થી ૨૦૧૯ દરમ્યાન દેવેન્દ્ર ફડણવીસની સરકારે મેટ્રો, સમૃદ્ધિ માર્ગ અને જલયુક્ત શિવાર સહિતની રાજ્યના સર્વાંગી વિકાસની યોજના શરૂ કરી હતી એને મહાવિકાસ આઘાડી સરકારનાં અઢી વર્ષમાં બ્રેક લાગી હતી. આ વિશે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘રાજ્યનો સર્વાંગી વિકાસ થાય એ માટે સરકારની સ્થાપના થયા બાદ અમે વરિષ્ઠ નેતાઓના માર્ગદર્શન અને આશીર્વાદ મેળવવા માટે દિલ્હી આવ્યા છીએ. દેવેન્દ્ર ફડણવીસે શરૂ કરેલું કામ આગળ વધારવાની સાથે સામાન્યથી સામાન્ય લોકોની સામાજિકથી લઈને આર્થિક સ્થિતિમાં સુધારો કરવાની નેમથી અમે સત્તામાં આવ્યા છીએ. રાજ્યને કાયમ કેન્દ્રની મદદની જરૂર રહે છે. આથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તો અમને પહેલેથી જ સારું કામ કરીને રાજ્યના વિકાસને આગળ વધારવાના આશીર્વાદ આપ્યા છે. તેમનું માર્ગદર્શન મળે એ માટે અમે તેમને મળ્યા હતા.’

બળવો નહીં ક્રાન્તિ
શિવસેનાના મુખ્ય પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે ગઈ કાલે એકનાથ શિંદે જૂથને ૫૦ કરોડ રૂપિયા હજમ નહીં થાય એવો ટોણો માર્યો હતો. આ વિશે દિલ્હીમાં પત્રકારોએ પૂછતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મજાકમાં કહ્યું હતું કે ‘બસ, ૫૦ ખોખાં. શેનાં ખોખાં? મીઠાઈનાં?’ બાદમાં તેમણે સંજય રાઉતને જવાબ આપ્યો હતો કે ‘એકાદી ગ્રામપંચાયતનો સભ્ય અહીંતહીં જતાં પહેલાં ચાર વખત વિચાર કરે છે, જ્યારે ત્રણ-ચાર લાખ લોકોના મતદાનથી વિજયી બનેલા ૫૦ વિધાનસભ્યો સરકારમાંથી બહાર પડવાની ઘટના નાનીસૂની નથી.


વિધાનસભામાં વીર સાવરકર વિશે બોલી શકાતું નહોતું. અનેક મુદ્દે મોઢું સીવી લઈને અપમાન સહન કરવું પડતું હતું. બાળાસાહેબે અમને કહ્યું હતું કે અન્યાય સામે ઝૂકશો નહીં. અમે બળવો નથી કર્યો, આ ક્રાન્તિ છે. અમારામાંથી કોઈ રૂપિયાથી વેચાનારા નથી. તેમની પાસે અત્યારે બીજું કોઈ કામ નથી એટલે જાત-જાતના આરોપ કરી રહ્યા છે. લોકોને ગેરમાર્ગે દોરવાનો તેઓ પ્રયાસ કરે છે, પણ મુંબઈગરાઓ અને મહારાષ્ટ્રની જનતા સમજુ છે. તેઓ બધું સમજે છે. અમારું કામ ચાલુ રહેશે. કોઈ ગમે તે બોલે એનાથી અમને કોઈ ફરક નથી પડતો. અઢી વર્ષ પહેલાં જે સરકાર બનવાની હતી એ અમે અત્યારે બનાવી છે.’

એકાદશી બાદ પ્રધાનમંડળની રચના
નવી સરકારની સ્થાપનાને અઠવાડિયું થયું હોવા છતાં હજી સુધી પ્રધાનમંડળ નથી બનાવાયું તો ક્યારે બનશે? એવા સવાલના જવાબમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘આજે અષાઢી એકાદશી છે. પંઢરપુરમાં વિઠોબાનાં દર્શન કર્યા બાદ આવતી કાલે હું અને દેવેન્દ્ર ફડણવીસ મુંબઈમાં બેઠક યોજીશું અને પ્રધાનમંડળની રચના કરીશું. પ્રધાનોની નિયુક્તિ બાદ તેમને ખાતાંની ફાળવણી કરાયા બાદથી સરકાર પૂર્ણપણે કામે લાગશે. ટૂંક સમયમાં જ ચોમાસુ સત્ર શરૂ થશે. એ પહેલાં પ્રધાનમંડળની રચના કરી દેવામાં આવશે. રાષ્ટ્રપતિની ચૂંટણી ૧૮ જુલાઈએ છે એટલે અધિવેશન એક-બે દિવસ આગળ-પાછળ થઈ શકે છે.’

Whatsapp-channel Whatsapp-channel

10 July, 2022 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK