મંદિરનું રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે એમાં મૂર્તિને નુકસાન થયું હોવાની શક્યતા
ધારાશિવ જિલ્લામાં આવેલું વિખ્યાત તુળજાભવાની મંદિર.
મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં આવેલા વિખ્યાત તુળજાભવાની મંદિરમાં આવેલી બ્રહ્માની મૂર્તિમાં તિરાડ પડી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. મંદિરનું રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે એમાં મૂર્તિને નુકસાન થયું હોવાનો આરોપ મંદિરના પૂજારીઓએ કર્યો છે અને તેમણે પુરાતત્ત્વ વિભાગ, તુળજાભવાની મંદિરના ટ્રસ્ટી અને મહંતના વિરોધમાં ફરિયાદ નોંધવાની માગણી કરી છે. બ્રહ્માની મૂર્તિને સ્થળાંતરિત કરતી વખતે તિરાડ પડી જવાની શક્યતા છે. મૂર્તિની સંભાળ રાખીને બીજી જગ્યાએ લઈ જવામાં બેદરકારી કરવામાં આવવાથી મૂર્તિમાં તિરાડ પડી છે એટલે એના માટે જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે તુળજાપુર મંદિર સંસ્થાનની ઑફિસમાં દારૂ પીને તોડફોડ કરનારા પૂજારી સામે તુળજાપુર પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હોવાની ઘટનાના બીજા જ દિવસે મંદિરની બ્રહ્માની મૂર્તિમાં તિરાડ પડવાની ઘટના બનવાથી ભાવિકોમાં નારાજગી જોવા મળી રહી છે.

