સ્મિતના બિલ્ડિંગના પાડોશીઓ અને મિત્રોએ તે આવે ત્યારે તેને ગ્રૅન્ડ વેલકમ આપવાનું નક્કી કર્યું છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે મુંબઈમાં flydubaiના કૅપ્ટન સ્મિત મચ્છરનાં કાકા-કાકી સાથે મુલાકાત કરી હતી અને તેના વિશે ખબરઅંતર પૂછ્યા હતા તેમ જ સ્મિતની હિંમત અને સૂઝબૂઝ માટે તેની પ્રશંસા કરી હતી.
flydubaiની દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઇટના પાઇલટ સ્મિત મચ્છરે કો-પાઇલટ દ્વારા કરાયેલા ચાકુના હુમલામાં ઘાયલ થવા છતાં હિંમતથી તેનો સામનો કરીને પૅસેન્જરોને પ્લેન-ક્રૅશથી બચાવી લીધા હતા. સ્મિત મચ્છરની એ બહાદુરીને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બિરદાવી છે. તેમણે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એ વિશેની પોસ્ટમાં કહ્યું છે...સૅલ્યુટ
મુંબઈના સપૂત અને સાચા હીરો કૅપ્ટન સ્મિત મચ્છર પર અમને ખૂબ ગર્વ છે જેણે અત્યંત અસાધારણ અને પ્રશંસનીય રીતે લોકોના જીવ બચાવ્યા.
ADVERTISEMENT
ગંભીર રીતે ઘાયલ હોવા છતાં દુબઈથી તેલ અવીવની ફ્લાઇટ દરમ્યાન સ્મિતે જે સૂઝબૂઝ અને હિંમત દાખવી એ ખરેખર અનુકરણીય છે.
હું એ તમામ મુસાફરોને પણ સલામ કરું છું જેમણે આ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા અને સુરક્ષિત રીતે બહાર આવવા માટે એક ટીમ તરીકે ત્વરિત કામગીરી કરી.
સ્મિત જલદી સાજો થાય અને તેનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છા.
તમે એક પ્રેરણારૂપ વ્યક્તિ છો. મહારાષ્ટ્ર અને ભારતને તમારા પર ગર્વ છે.
સ્મિતની આ બાહોશીને તેના પાડોશીઓ અને ફ્રેન્ડ્સે પણ બિરદાવી રહ્યા છે. ચેમ્બુરના તિલકનગરમાં સ્મિત જ્યાં રહેતો હતો એ સ્વસ્તિક વૅલ્યુ હાઇટ્સ બિલ્ડિંગમાં રહેતા અને તેની સાથે ક્રિકેટ રમેલા ફ્રેન્ડ પ્રતીક ગાંધીએ સ્મિતની પ્રેઝન્સ ઑઇ માઇન્ડ બાબતે કહ્યું હતું કે ‘સ્મિત બાળપણથી જ શાંત અને કમ્પોઝ્ડ હતો અને એથી તે સોસાયટીમાં નોખો તરી આવતો હતો. અમે પહેલી વાર સમાચાર જોયા ત્યારે અમને નહોતી ખબર કે flydubaiની એ ફ્લાઇટનો પાઇલટ અમારો જ સ્મિત હતો. અમને ખબર પડી ત્યારે અમને આંચકો લાગ્યો હતો. અમને હવે જાણવા મળ્યું છે કે તેનું ઑપરેશન પણ થયું છે અને તેની તબિયત સુધારા પર છે.’
સ્મિતના અન્ય એક પાડોશી યુરોલૉજિસ્ટ જતીન શાહે કહ્યું હતું કે ‘તે ઘાયલ થયો હોવા છતાં તેની મસલ મેમરીને કારણે એ પરિસ્થિતિનો દૃઢતાપૂર્વક સામનો કરી શક્યો. સ્મિત એકદમ નાઇસ પર્સન છે, દયાળુ અને મૅચ્યોર છે. સ્મિત ઝડપથી ડિસિઝન લેવામાં પાવરધો છે. તે પાઇલટને ટ્રેઇનિંગ આપે છે અને તેની પોતાની ઍકૅડેમી પણ છે. એથી શક્ય છે કે તેની એ મસલ મેમરીએ તેને ઘાયલ હોવા છતાં યોગ્ય અને ઝડપી નિર્ણય લેવામાં મદદ કરી હોય.’
સ્મિતના બિલ્ડિંગના પાડોશીઓ અને મિત્રોએ તે આવે ત્યારે તેને ગ્રૅન્ડ વેલકમ આપવાનું નક્કી કર્યું છે.
સ્મિત મચ્છરે ૨૦૦૭-’૦૮માં વેલિંગકર ઇન્સ્ટિટ્યૂટમાંથી ઑનલાઇન મૅનેજમેન્ટની ડિગ્રી મેળવી હતી. સંસ્થાના ડિરેક્ટર ડૉ. પંકજ નાટુએ તેને સાચા હીરો તરીકે બિરદાવ્યો હતો.
કૅપ્ટન સ્મિત મચ્છરના ઘરની બહાર તિરંગા સાથે લોકો ઊમટ્યા

યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)થી ઇઝરાયલના તેલ અવીવ જઈ રહેલા પ્લેનમાં સવાર ૧૭૪ પ્રવાસીઓનો જીવ પોતાના સાહસથી બચાવનાર સ્મિત મચ્છરના સન્માનમાં ગુરુવારે ચેમ્બુરના તિલકનગરસ્થિત તેમના બિલ્ડિંગ નીચે સેંકડો નાગરિકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને એકઠા થયા હતા.
તિલકનગરના ખાતે આવેલા સ્વસ્તિક હાઇટ્સ રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સની બહાર એકઠા થયેલા લોકોએ હાથમાં કૅપ્ટન સ્મિતનો ફોટોગ્રાફ રાખીને તેમના ઝડપી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. ‘ભારત માતા કી જય’ના નારા વચ્ચે લોકોએ કૅપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીને બિરદાવતાં તેમને શૌર્ય ચક્ર જેવા વીરતા પુરસ્કારથી અથવા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવાની માગણી કરી હતી.
