મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે બૅન્ગલોર જઈને ૫૭ વર્ષના આરોપીની ધરપકડ કરી
બૅન્ગલોરમાંથી ધરપકડ કરવામાં આવેલા આરોપી વિનોદ બાવળે સાથે સાઇબર પોલીસના અધિકારીઓ.
મહારાષ્ટ્રમાં ૨૦૧૯ની ૧ એપ્રિલ પહેલા ખરીદવામાં આવેલા વાહનની નંબર-પ્લેટ બદલવા માટે રાજ્ય સરકારે ૩૦ જૂન સુધીનો સમય આપ્યો છે. જૂની નંબર-પ્લેટને બદલે હાઈ સિક્યૉરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) બનાવવા માટે https://transport.maharashtra.gov.in વેબસાઇટ લૉન્ચ કરવામાં આવી છે. જોકે કેટલાક લોકો સરકારની વેબસાઇટ https://indnumberplate.comના નામની ડુપ્લિકેટ વેબસાઇટ બનાવીને છેતરપિંડી કરી રહ્યા હોવાની ફરિયાદ મળ્યા બાદ રાજ્યના અસિસ્ટન્ટ ટ્રાન્સપોર્ટ કમિશનર ગજાનન ઠોંબરેએ મુંબઈની ક્રાઇમ બ્રાન્ચના સાઉથ ડિવિઝનના સાઇબર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ કરતાં જણાઈ આવ્યું હતું કે ડુપ્લિકેટ વેબસાઇટ કર્ણાટક રાજ્યના બૅન્ગલોરમાં રહેતા ૫૭ વર્ષના વિનોદ બાવળેએ બનાવી છે. આથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બૅન્ગલોર જઈને મંગળવારે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ ડુપ્લિકેટ વેબસાઇટ બનાવીને કેટલા લોકોને છેતર્યા છે એ જાણવાનો પોલીસ હવે પ્રયાસ કરશે.

