ક્વોટાના નિયમનું ઉલ્લંઘન થાય તો ચૂંટણી મોકૂફ રાખવાની ચેતવણી આપીને રાજ્ય સરકારને સર્વોચ્ચ અદાલતે કહ્યું...
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર
ટૂંક સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં ૫૦ ટકાથી વધુ અનામત ન આપવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. જો ક્વોટા-મર્યાદાનું ઉલ્લંઘન થાય તો ચૂંટણી મોકૂફ રાખવાની ચેતવણી સુપ્રીમ કોર્ટે ઉચ્ચારી છે. કોર્ટે જણાવ્યું હતું કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી ૨૦૨૨ના જે. કે. બાંઠિયા કમિશનના અહેવાલ મુજબ જ યોજાઈ શકે છે જેમાં અધર બૅકવર્ડ ક્લાસ (OBC) શ્રેણીમાં ૨૭ ટકા અનામતની ભલામણ કરવામાં આવી હતી.
કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે કોર્ટ ચૂંટણીનું ટાઇમટેબલ ખોરવાય એવું ઇચ્છતી નથી, પરંતુ બંધારણ દ્વારા નક્કી કરાયેલી ૫૦ ટકાની મર્યાદાને અવગણી ન શકાય. બાંઠિયા કમિશનના રિપોર્ટની સમીક્ષા કરવા માટે સુપ્રીમ કોર્ટે સમય માગ્યો હતો, પરંતુ નૉમિનેશન પ્રક્રિયાની સમયમર્યાદા પૂરી થતી હોવાથી કોર્ટ આગામી સુનાવણી ૨૧ નવેમ્બરને બદલે ૧૯ નવેમ્બરે હાથ ધરશે અને ત્યાં સુધી ચૂંટણીપ્રક્રિયા માટે સુપ્રીમ કોર્ટનો ઉપરોક્ત આદેશ વચગાળાના આદેશ તરીકે માન્ય રાખવાનું અદાલતે જણાવ્યું છે.


