યુદ્ધની સ્થિતિમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોલીસને કહ્યું...
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે વર્ષા બંગલામાં પોલીસ અને પ્રશાસકીય યંત્રણાની માહિતી માટે મહત્ત્વની બેઠક બોલાવી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ છે એને પગલે મહારાષ્ટ્રમાં હાઈ અલર્ટ જાહેર કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે પોલીસ અને પ્રશાસકીય યંત્રણાની માહિતી મેળવવા માટે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, પોલીસ અને પ્રશાસકીય અધિકારીઓ હાજર રહ્યા હતા. મૉક ડ્રિલ, બ્લૅકઆઉટની તૈયારી, સાઇબર સિક્યૉરિટી અને જનજાગૃતિ પર આ બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘યુદ્ધની સ્થિતિ વચ્ચે દેશદ્રોહી વ્યક્તિઓ સક્રિય થવાની શક્યતા છે એટલે આવા લોકોને શોધી કાઢવા માટે પોલીસે વધુ કૉમ્બિંગ ઑપરેશન કરવાં જોઈએ. કટોકટીની સ્થિતિ સામાન્ય કરતાં અલગ હોય છે એટલે પોલીસ અને પ્રશાસને વધુ સજાગ રહેવું પડશે.’
ADVERTISEMENT
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોલીસ અને પ્રશાસનને બેઠકમાં બીજા પણ મહત્ત્વના નિર્દેશ આપ્યા હતા.
દરેક જિલ્લામાં મૉક ડ્રિલ કરો અને જિલ્લાસ્તરે વૉરરૂમ ઊભી કરો.
બ્લૅકઆઉટના સમયે હૉસ્પિટલ સાથે સમન્વય યંત્રણા ઊભી કરો. ટાર્ગેટ ન બનીએ એ માટે બ્લૅકઆઉટ કરવામાં આવે છે એટલે પર્યાયી વિદ્યુત વ્યવસ્થા દ્વારા યંત્રણા ચાલુ રાખો. જોકે અજવાળું બહાર ન દેખાય એ માટે જાડા પડદા બારીમાં લગાવવાની સાથે કાળા રંગના કાચનો ઉપયોગ કરો.
બ્લૅકઆઉટની માહિતી વિદ્યાર્થી અને લોકો સુધી પહોંચાડવા વિડિયો બનાવીને જનજાગૃતિ કરો.
કેન્દ્ર સરકારની યુનિયન વૉર બુકનો અભ્યાસ કરીને બધાને એની માહિતી આપો.
દરેક જિલ્લામાં પોલીસનો સાઇબર સેલ સોશ્યલ મીડિયા પર નજર રાખીને પાકિસ્તાનને મદદ કરનારા હૅન્ડલ શોધીને કાર્યવાહી કરે. શત્રુને મદદ કરનારા અથવા ખોટી માહિતી પ્રસારિત કરનારાઓ સામે પગલાં લો.
દરેક જિલ્લાના કલેક્ટરને તાત્કાલિક ઇમર્જન્સી ફન્ડ આપવામાં આવશે, જેમાંથી તેઓ જરૂરી વસ્તુઓ ખરીદી શકશે.
મુંબઈ મેટ્રોપૉલિટન રીજનની તમામ મહાનગરપાલિકાની બેઠક બોલાવો. એમને પણ બ્લૅકઆઉટ વિશે જનજાગૃતિ કરવાનું કહો. આવી જનજાગૃતિમાં હાઉસિંગ સોસાયટીઓને સામેલ કરો.
સેનાની તૈયારી સંબંધિત ગતિવિધિનું શૂટિંગ કરવું અને આવા વિડિયો સોશ્યલ મીડિયામાં પ્રસારિત કરવા ગુનો છે. આથી આવું કરનારાઓ સામે પોલીસ તાત્કાલિક ફરિયાદ નોંધે.
સમુદ્રની સિક્યૉરિટી વધારવા માટે જરૂરિયાત મુજબ ફિશિંગ ટ્રૉલર્સ ભાડે લો.
નાગરિકોને પરિસ્થિતિની સાચી માહિતી પહોંચાડવા માટે વ્યવસ્થા ઊભી કરો.
ઇલેક્ટ્રિક પાવર જનરેશન અને સપ્લાય જેવી મૂળભૂત સુવિધા ખોરવવા માટે સાઇબર હુમલો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે સાઇબર ઑડિટ કરો.
સરકાર અને સુરક્ષાની યંત્રણામાં વધુ સમન્વય કરવા માટે મુંબઈની સેનાની ત્રણેય પાંખના તથા કોસ્ટગાર્ડના ઇન્ચાર્જને આગામી બેઠકમાં વિડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી નિમંત્રિત કરો.
૩૬ જિલ્લા માટે ૨૨.૫૦ કરોડ રૂપિયા ફાળવાયા
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અત્યારની સ્થિતિમાં ઇમર્જન્સીની જનજાગૃતિ કરવા માટે વિશેષ ફન્ડ આપવાની જાહેરાત કર્યા બાદ ગઈ કાલે ૨૨.૫૦ કરોડ રૂપિયા ફાળવ્યા હતા. મુંબઈ, મુંબઈ સબર્બ્સ, થાણે, પાલઘર, પુણે, રાયગડ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ વગેરે સંવેદનશીલ પ્રત્યેક જિલ્લાને એક-એક કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. રકમ કલેક્ટરના અકાઉન્ટમાં જમા કરવામાં આવી છે.

