Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આખા રાજ્યમાં શમી જશે DJનો ઘોંઘાટ?

આખા રાજ્યમાં શમી જશે DJનો ઘોંઘાટ?

Published : 05 September, 2026 08:50 AM | Modified : 05 September, 2026 09:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હોબાળા વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે કરી તહેવારોની પરંપરાગત ઉજવણીની હિમાયત, કહ્યું કે ચર્ચા પૂરી થઈ જાય પછી નીતિ ઘડી કાઢવામાં આ‍વશે

દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ


તહેવારો દરમ્યાન મોટો અવાજ અને કંપન પેદા કરતી હાઈ-ડેસિબલ ડિસ્ક જૉકી (DJ) સિસ્ટમના ઉપયોગ પર નિયંત્રણ લાવવા માટે મહારાષ્ટ્ર સરકાર તમામ હિતધારકો સાથે ચર્ચા કરીને સર્વસંમતિ સાધવા પ્રયાસ કરી રહી હોવાનું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે જણાવ્યું હતું. આ સાથે તેમણે તહેવારોને પરંપરાગત રીતે ઊજવવાની હિમાયત કરી હતી.
પુણેમાં એક કાર્યક્રમ દરમ્યાન પત્રકારો સાથે વાતચીતમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે લોકો માટે અસહ્ય બનતી અને ધ્વનિપ્રદૂષણ ફેલાવતી DJ સિસ્ટમ પર લગામ લગાવવા વિશે મોટા ભાગનાં લોકો અને મંડળો સહમત છે.
DJથી થતા કંપનની સરખામણી ભૂકંપ સાથે કરતાં મુખ્ય પ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે ‘રાજ્યવ્યાપી પૉલિસી તાત્કાલિક લાગુ કરવામાં નહીં આવે, કારણ કે સરકાર પહેલાં સંબંધિત પક્ષકારો સાથે વાતચીત કરી રહી છે. અમારો અનુભવ છે કે જ્યાં પણ ચર્ચા કરવામાં આવી છે ત્યાં ૯૦થી ૯૫ ટકા લોકો DJના ઉપયોગ પર નિયંત્રણ મૂકવા સંમત થયા છે. તેથી આ નિર્ણય સર્વસંમતિ અને ચર્ચાથી જ લેવાવો જોઈએ. એક વાર ચર્ચા પૂરી થઈ જાય પછી નીતિ ઘડીને સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવશે.’

DJને બદલે પરંપરાગત ઢોલ-તાશા વગાડો : મુંબઈ પોલીસ



પુણેમાં ગણેશોત્સવમાં DJ અને લેઝર લાઇટ વાપરવાના મુદ્દે મામલો ગંભીર બની જતાં મુંબઈ પોલીસે પણ સાવચેતીનાં પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. મુંબઈ પોલીસે સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિ સાથે પણ બેઠક કરી છે અને મુંબઈગરાને ત્રાસ થાય એવું કૃત્ય ન કરવા સમિતિને જણાવ્યું છે. સામા પક્ષે સમિતિએ પણ કાયદાનું પાલન કરીને તહેવારની ઉજવણી કરવામાં આવશે એવું આશ્વાસન આપ્યું છે. 
એ બેઠકમાં મુખ્યત્વે ગણપતિના આગમન અને વિસર્જન વખતે ટ્રાફિક, નૉઇસ-પૉલ્યુશન અને સેફ્ટીના મુદ્દે ચર્ચા થઈ હતી તથા DJને બદલે પરંપરાગત વાદ્યો ઢોલ-તાશા વગેરે વગાડવાને પ્રેફરન્સ આપવા જણાવાયું હતું. સાથે જ નૉઇસ પૉલ્યુશનના નિયમોનું ચુસ્ત પાલન કરવા જણાવાયું છે. 


નવી મુંબઈ, પનવેલ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ગણેશ મંડળોએ DJ પર બંધીના નિર્ણયને વધાવ્યો

ગણેશોત્સવને લઈને સોલાપુર જિલ્લા અને પોલીસ-પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. આ વર્ષે ગણપતિ આગમન અને વિસર્જન વખતે ડૉલ્બી સિસ્ટમ અને જોખમી ‘લેઝર લાઇટ’ના વપરાશ પર ટોટલ બંધી મૂકી દીધી છે. ગણેશ મંડળોના સેન્ટ્રલાઇઝ મંડળે પણ પોલીસના આ નિર્ણયને વધાવ્યો છે. તેણે સ્પષ્ટ કહ્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરી જે મંડળો DJ વગાડશે તેમને તેઓ સપોર્ટ નહીં કરે. જિલ્લા અધિકારી એસ. કાર્તિકેયને નાગરિકોને સુરક્ષા માટે ૧૩થી ૨૬ સપ્ટેમ્બર માટે આ આદેશ લાગુ કર્યો છે. 
આ જ પ્રમાણે નવી મુંબઈ, પનવેલ, નાગપુર, ધુળે, ભંડારા, છત્રપતિસંભાજી નગર જેવા જિલ્લાઓમાં પણ DJ પર બૅન મુકાયો છે.


લેઝર અને DJ સાથે નાગપુરમાં દહીહંડીની ઉજવણી

પોલીસના આદેશ છતાં લેઝર અને DJ સાથે ગઈ કાલે રાતે નાગપુરના બડકસ ચોકમાં દહીહંડીની ઉજવણી કરવામાં આવી હતી. જોકે મોડી રાત સુધી આ વિશે પોલીસે કાર્યવાહી કરી હોવાનું જણાયું નહોતું.

Whatsapp-channel Whatsapp-channel

05 September, 2026 09:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK