જો હું ગરમીને કારણે મરી ગયો તો મુખ્ય પ્રધાન અને સરકાર જવાબદાર રહેશે
મનોજ જરાંગે
મરાઠા અનામત માટે આંદોલન ચલાવી રહેલા મરાઠા નેતા મનોજ જરાંગેએ ગુરુવારે જણાવ્યું હતું કે જો મને અનિશ્ચિત ભૂખહડતાળ દરમ્યાન સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થાય તો મહારાષ્ટ્ર સરકાર જવાબદાર રહેશે. તેમણે ૩૦ મેએ ઉનાળાના તડકામાં બેસીને અનશન શરૂ કરવાની જાહેરાત કરી હતી. મનોજ જરાંગેએ અગાઉ કહ્યું હતું કે તેમના સમુદાય માટે કરેલી માગણીઓ પૂરી ન થતાં તે ઉપવાસ શરૂ કરશે. મહારાષ્ટ્ર સરકારને તેમણે મરાઠવાડામાં કુણબી જાતિ પ્રમાણપત્રો ડિસ્ટ્રિબ્યુટ કરવા માટે ૨૯ મેની સમયમર્યાદા આપી હતી.
મનોજ જરાંગેએ કહ્યું હતું કે ‘મેં ચર્ચા માટે પહેલેથી જ પૂરતો સમય આપ્યો હતો. હવે કડક વલણ અપનાવવાનો સમય આવી ગયો છે. જો હું ગરમીને કારણે મરી જઈશ તો મુખ્ય પ્રધાન અને સરકાર જવાબદાર રહેશે. અંતરવાલી સરાટી ગામનું આ આંદોલન દેશમાં જોવા મળતા કોઈ પણ વિરોધ-પ્રદર્શનથી અલગ હશે. આ વખતે હું કોઈ આશ્રય નીચે બેસવાનો નથી. ત્યાં કોઈ તંબુ નહીં હોય, કોઈ છાંયો નહીં હોય. હું વિરોધ દરમ્યાન પાણી, ખોરાક અને પગરખાં પણ છોડી દઈશ. કાં તો સરકાર કાર્યવાહી કરશે, નહીંતર હું મરી જઈશ.’
