પાંચ કલાક બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો, કોઈ જાનહાનિ નહીં
કોપરીના ડમ્પિંગ ગ્રાઉન્ડ ખાતે લાગેલી આગ.
થાણેના કોપરી વિસ્તારમાં કનૈયાનગરસ્થિત વૃક્ષ પ્રાધિકરણ વિભાગના ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ગઈ કાલે વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ડમ્પિંગ ગ્રાઉન્ડમાં આગ ભભૂકી ઊઠતાં આસપાસના વિસ્તારમાં ઘાટો ધુમાડો અને દુર્ગંધ ફેલાઈ હતી. સદ્નસીબે આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચી નહોતી. માહિતી મળતાં જ કોપરી અગ્નિશામક દળ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. લગભગ પાંચ કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. ત્યાર બાદ ગઈ કાલે સાંજે ઘટનાસ્થળે કૂલિંગ કામગીરી ચાલુ કરવામાં આવી હતી જેથી આગ ફરી પ્રજ્વલિત ન થાય.
થાણે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના યાસીન તડવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટનાસ્થળે બે ફાયર એન્જિન, ૩ હાઇરાઇઝ વાહન, ૧ રેસ્ક્યુ વાહન, ૮ વૉટર ટૅન્કર, ૧ જમ્બો વૉટર ટૅન્કર, ૨ JCB અને ૧ યુટિલિટી વાહન સહિતની સામગ્રીથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી અને સંબંધિત વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક રહેવાસીઓને ધુમાડા અને દુર્ગંધને કારણે થોડી અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો પરંતુ સાંજ સુધીમાં પરિસ્થિતિને સુધારવા માટે યોગ્ય પ્રયાસો કરવામાં આવ્યા હતા.’
