સ્થાનિક રહેવાસીઓએ પોતાની પાસેના એકમાત્ર ગ્રીન સ્પેસના વિનાશ સામે રૅલીનું આયોજન કર્યું

ગ્રીન સ્પેસના વિનાશ સામે રૅલીનું આયોજન કરાયું હતું (તસવીર : ઐશ્વર્યા દેવધર)
મેટ્રો ૨બી કૉરિડોરના નૅશનલ કૉલેજ સ્ટેશન સામે એસ. વી. રોડના રહેવાસીઓ, તાતા બ્લૉક્સ, પારસી કૉલોની અને વંદે માર્ગ રેસિડન્ટ્સ અસોસિએશને તેમની પાસેના એકમાત્ર ગ્રીન સ્પેસના વિનાશ સામે પોતાના વિરોધને વધુ ઉગ્ર બનાવતાં ગઈ કાલે સાંજે રૅલીનું આયોજન કર્યું હતું. એમાં ૧૩૦ રહેવાસીઓ અને આ ઝુંબેશના સમર્થકો અસરગ્રસ્ત જગ્યા સાધુ વાસવાની ગાર્ડન પર એકઠા થયા હતા.
રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે તેમણે અમૂલ્ય સમય વિધાનસભ્ય અને કૉર્પોરેટર પર વિશ્વાસ કરવામાં વેડફી નાખ્યો હતો, જેઓ સ્ટેશનને ફરી એના જૂના સ્થળે ખસેડીને ગાર્ડનને બચાવવાનાં ખાલી વચનો આપતા અને મોટા વાયદાઓ કરતા રહ્યા.
રહેવાસીઓની ચિંતા વધવાનું કારણ એ છે કે બાંદરાના એસ. વી. રોડ પર આવેલું સાધુ વાસવાની ગાર્ડન લગભગ ૨૯૦ ચોરસ મીટર કપાઈ જશે. એમએમઆરડીએએ ‘મિડ-ડે’ને આપેલા જવાબ મુજબ મેટ્રો ૨બી કૉરિડોરના નૅશનલ કૉલેજ સ્ટેશનના પ્રવેશ અને એક્ઝિટ પૉઇન્ટને સમાવવા માટે આ જગ્યા જરૂરી છે.
સ્ટેશન રીલોકેટ કરવામાં પડતી તકલીફ તેમ જ વધતા ખર્ચને આગળ કરીને એમએમઆરડીએ દ્વારા લેવાયેલા નિર્ણય સામે રહેવાસીઓએ નારાજગી વ્યક્ત કરી છે. એમએમઆરડીએના આ નિર્ણયને પગલે રહેવાસીઓએ ગઈ કાલે સાંજે છ વાગ્યે સાધુ વાસવાની ગાર્ડન ખાતે રૅલીનું આયોજન કર્યું હતું. રૅલીના આયોજનનો હેતુ મેટ્રો સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝિટ પૉઇન્ટના બાંધકામના નામે ગાર્ડનનો હિસ્સો આંચકી લેવા સામે છે. તેમણે કહ્યું હતું કે આ પગલાથી અસંખ્ય વૃક્ષોનું નિકંદન નીકળશે, જેમાંનાં કેટલાંક સદીઓ જૂનાં છે તો કેટલાંક દુર્લભ પ્રજાતિનાં છે.
રહેવાસીઓએ પરિસ્થિતિને સંભાળવાની એમએમઆરડીએની રીત પ્રત્યે નારાજગી વ્યક્ત કરીને આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓએ જાણી જોઈને જાહેર જનતાને જાણ કર્યા વિના કે તેમની પાસેથી સ્ટેશનને રીલોકેટ કરવા સામે સૂચનો મગાવ્યા વિના જ સ્ટેશન ખસેડ્યું છે. રહેવાસીઓનું માનવું છે કે ઑથોરિટીએ પ્રોજેક્ટના મહત્ત્વના સ્ટેકહોલ્ડર્સ એવા બાંદરાના રહેવાસીઓને તેમનાં માન્ય વાંધાઓ કે સૂચનો આપવાથી પણ વંચિત રાખ્યા છે.
ગયા અઠવાડિયે જાહેર કરાયેલા જાહેર નિવેદનમાં રહેવાસીઓએ ગાર્ડનને બચાવવાના મુદ્દા પર બાંદરાના રહેવાસીઓના પડખે રહેવાનું વચન આપનારા બીજેપીના વિધાનસભ્ય આશિષ શેલારની અને સ્થાનિક કૉર્પોરેટર સ્વપ્ના મ્હાત્રેની એક નિવેદન દ્વારા જાહેર ટીકા કરી હતી.
આ સ્ટેટમેન્ટમાં જણાવાયું હતું કે સાધુ વાસવાની ગાર્ડનમાં યોજાયેલી છેલ્લી મીટિંગમાં તેમણે છાતી ઠોકીને ભારપૂર્વક તેમના મતદારક્ષેત્રના રહેવાસીઓને ખાતરી આપીને કહ્યું હતું કે મેટ્રો સ્ટેશન તાતા બ્લૉક્સની બહાર એસ. વી. રોડ, લિન્કિંગ રોડ અને ટર્નર રોડના અતિવ્યસ્ત જંક્શન પર બાંધવામાં નહીં આવે. તેમણે એમએમઆરડીએ દ્વારા કરવામાં આવી રહેલા ખોટા કાર્ય પ્રત્યે તેમનું ધ્યાન દોરવા બદલ રહેવાસીઓનો આભાર પણ માન્યો હતો. તેઓ આ મુદ્દાનો ઉકેલ લાવવા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પણ મળ્યા હતા.