વસઈ-વિરાર જ્વેલર્સ અસોસિએશને જ્વેલર્સને કરી અપીલ : ગયા અઠવાડિયે મીરા રોડના એક ઝવેરી પાસેથી ૫૧,૦૦૦ રૂપિયાની વીંટી લીધા બાદ UPIથી પેમેન્ટ કર્યું હોવાનો સ્ક્રીન-શૉટ બતાવીને કરવામાં આવી છેતરપિંડી
સાંઈ રિદ્ધિ જ્વેલર્સમાં ખોટો સ્ક્રીન-શૉટ બતાવાને વીંટી લઈ ગયેલો યુવાન
મીરા રોડ-ઈસ્ટમાં આવેલી સાંઈ રિદ્ધિ જ્વેલર્સમાં ગયા અઠવાડિયે એક યુવાન ૫૧,૦૦૦ રૂપિયાની વીંટી લીધા બાદ એની સામે UPI માધ્યમથી પૈસા મોકલ્યા હોવાનો સ્ક્રીન-શૉટ બતાવીને દુકાનમાંથી નીકળી ગયો હતો. જોકે પાછળથી પેમેન્ટ ન મળ્યું હોવાની જાણકારી મળતાં ગુરુવારે સાંઈ રિદ્ધિ જ્વેલર્સના મૅનેજર નીતુસિંહ ચુડાવતે મીરા રોડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બાદ વસઈ-વિરાર જ્વેલર્સ અસોસિએશન દ્વારા તમામ જ્વેલર્સને આવા ગઠિયાઓથી સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. એની સાથે આવા ફ્રૉડથી કઈ રીતે બચવું એની પણ જાણકારી આપવામાં આવી છે.
ટિપટૉપ કપડાંમાં દાગીના ખરીદવા આવેલા યુવાન પર શંકા જવાનું કોઈ કારણ જ નહોતું એમ જણાવીને સાંઈ રિદ્ધિ જ્વેલર્સના મૅનેજર નીતુસિંહ ચુડાવતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ દાગીના ખરીદવા આવેલો યુવાન વેપારી જેવો લાગતો હતો. ઉપરાંત તેનો વાત કરવાનો ઢંગ પણ મોટા વેપારીઓ જેવો જ હતો. તેણે દુકાનમાં આવીને વીંટી લેવી છે એમ કહીને ૫૦,૦૦૦ રૂપિયા સુધીની વીંટીઓ જોઈ હતી. એમાં તેણે સાત ગ્રામની એક વીંટી પસંદ કરી હતી. ત્યાર બાદ તેણે બિલ બનાવવાનું કહીને ગૂગલપેના UPI પેમેન્ટ દ્વારા પેમેન્ટ કરવાનું કહેતાં અમે તેને અમારી દુકાનનું સ્કૅનર આપ્યું હતું. એમાં તેણે ૧૦ સેકન્ડમાં ૫૧,૨૦૦ રૂપિયા મોકલ્યા હોવાનો મેસેજ અમને દેખાડ્યો હતો. એ મેસેજમાં પેમેન્ટ સક્સેસફુલ થયું હોવાનું લખેલું હતું. ત્યાર બાદ તે યુવાન દુકાનમાંથી જલદી-જલદીમાં બહાર નીકળી ગયો હતો. થોડી વારમાં અમારા અકાઉન્ટન્ટને બૅન્ક તરફથી મેસેજ મળ્યો હતો જેમાં પેમેન્ટ ફેલ થયું હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. એટલે તાત્કાલિક અમે બહાર જઈને તે માણસને શોધ્યો હતો. જોકે તે મળી આવ્યો નહોતો. અંતે અમે આ ઘટનાની ફરિયાદ મીરા રોડ પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી.’