મીરા-ભાઈંદર પોલીસે એક ટેમ્પોની ચોરીની ઝીણવટભરી તપાસ કરી એમાં ૫૧ ટેમ્પો અને બે કારની ચોરીનો પર્દાફાશ થયો. આરોપીઓ રાજસ્થાનના અલવરના હતા અને ત્યાં જેટલી વધુ ચોરી કરે તેને એટલી વધુ સારી છોકરી મળે એવું હોવાથી તેઓ આવા રવાડે ચડ્યા હતા
એક શોધતાં એકાવન મળ્યા
મુંબઈ: મીરા ભાઈંદર વસઈ વિરાર (એમબીવીવી) પોલીસે એક ટેમ્પો ચોરાયાની ફરિયાદની ઝીણવટભરી તપાસ કરતાં એને જૅકપૉટ લાગ્યો હતો અને એકને બદલે એકાવન ટેમ્પોની ચોરીનો પર્દાફાશ થયો હતો. લટકામાં બીજી બે કારની ચોરીના કેસ પણ સૉલ્વ થઈ ગયા હતા.
કાશીમીરા પોલીસ સ્ટેશનમાં ડિસેમ્બરમાં એક ટેમ્પો ચોરાયાની ફરિયાદ નોંધાઈ હતી, જે કેસની સમાંતર તપાસ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર અવિરાજ કુર્હાડેએ કહ્યું કે ‘એ કેસની તપાસ કરતાં અમે મહારાષ્ટ્રથી લઈને રાજસ્થાન સુધીના નૅશનલ હાઇવે પર ૧૨૦૦ કિલોમીટરના પટ્ટા પર અંદાજે ૫૦૦ જેટલા સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં હતાં, જેમાં અમે નોંધ્યું હતું કે ગુજરાત-રાજસ્થાનની બૉર્ડર પર વાહનો રોકવામાં આવતાં હતાં અને ત્યાં એની નંબર-પ્લેટ ચેન્જ કરી દેવાતી હતી. જોકે ટેમ્પો પર લગાડાયેલાં અન્ય સ્ટિકર એમ ને એમ રખાતાં હતાં એના આધારે જ અમે તપાસ ચાલુ રાખી હતી. દરમ્યાન એ ટેમ્પો ટોલનાકા પરથી પણ પસાર થતા હતા એથી તપાસ કરતાં ફાસ્ટેગમાંથી પૈસા કપાયા હોવાનું જાણવા મળ્યું હતું. એ ફાસ્ટેગ કોના નામે કઢાવવામાં આવ્યો છે એની તપાસ કરતાં આખરે ૩૬ વર્ષનો ફારુક તૈયબ ખાન એમાં સંડોવાયેલો હોવાનું જણાયું હતું અને ત્યાર બાદ તેનો નંબર ટ્રેસ કરાયો હતો. તે રાજસ્થાનના અલવરમાં હોવાનું જણાયું હતું. અમારી ટીમે અલવર જઈને તેને અને તેના સાગરીત મુબીન ખાનને ઝડપી લીધા હતા. અમને તેમની પાસેથી ચોરીના બીજા ૫૧ ટેમ્પો અને ચોરાયેલી બે કાર મળી આવી હતી. આમ કુલ ૪.૭૫ કરોડ રૂપિયાની મતા અમે જપ્ત કરી હતી. અલવર જિલ્લો ચોરી કરનારાઓ માટે જાણીતો છે. ત્યાંના યુવાનો ચોરી કરવામાં નાનપ નથી અનુભવતા. ઊલટાનું એમ કહેવાય છે કે જે વધારે ચોરી કરે તેને વધુ સારી છોકરી પરણે.’

