Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મોરચો કાઢવાની પરમિશન ન હોવા છતાં મીરા રોડમાં મરાઠી પાવર છવાઈ ગયો રસ્તાઓ પર

મોરચો કાઢવાની પરમિશન ન હોવા છતાં મીરા રોડમાં મરાઠી પાવર છવાઈ ગયો રસ્તાઓ પર

Published : 09 July, 2025 07:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જો ૧૦૦-૨૦૦ લોકો મહારાષ્ટ્ર અને મરાઠી વિરુદ્ધ મોરચો કાઢી રહ્યા હોય તો એનો જવાબ પાંચ-પચીસ હજારની ભીડ સાથે આપવો જરૂરી હતો. હવેથી કોઈ આ રીતે મહારાષ્ટ્ર અને મરાઠી વિરુદ્ધ મોરચો કાઢવાની હિંમત નહીં કરે

ગઈ કાલે મીરા રોડના મોરચામાં જનમેદની અને મોરચામાં સહભાગી થનારી મહિલાઓને ચેતવતી પોલીસ. તસવીરો : નિમેશ દવે

ગઈ કાલે મીરા રોડના મોરચામાં જનમેદની અને મોરચામાં સહભાગી થનારી મહિલાઓને ચેતવતી પોલીસ. તસવીરો : નિમેશ દવે


મીરા રોડમાં MNSના મોરચામાં શિવસેના (UBT) અને મરાઠી એકીકરણ સમિતિના સભ્યોએ દેખાડ્યો મરાઠી પાવર


મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના થાણે-પાલઘરના અધ્યક્ષ અવિનાશ જાધવે મોરચાની સફળતા પછી કર્યો હુંકાર



મીરા રોડમાં મારવાડી સમુદાયના સભ્યોએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરો સામે કાઢેલા મોરચાના જવાબમાં ગઈ કાલે MNS અને મરાઠી એકીકરણ સમિતિએ મરાઠી ભાષાનું અપમાન થયું હોવાનો દાવો કરીને વિશાળ મોરચો કાઢ્યો હતો. જોકે પોલીસ-પરવાનગી મળી ન હોવાને કારણે પોલીસે મોરચામાં સહભાગી થનારા લોકોની ધરપકડ કરતાં વાતાવરણ વધુ ગરમાઈ જતાં મુંબઈ, નવી મુંબઈ અને થાણે જિલ્લાના MNS, ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (UBT)ની શિવસેનાના પદાધિકારીઓ મોટી સંખ્યામાં મોરચામાં જોડાવા મીરા રોડ આવી પહોંચ્યા હતા. બીજી તરફ મરાઠી એકીકરણ સમિતિના સભ્યોની ધરપકડ કરતાં તેમને છોડાવવા પહોંચેલા શિંદે સેનાના પ્રધાન પ્રતાપ સરનાઈક પણ મોરચામાં જોડાવા આવી પહોંચ્યા હતા. જોકે ત્યાં તેમની સામે ‘પન્નાસ ખોકે એકદમ ઓક્કે’ અને ‘જય ગુજરાત’ તથા ‘પ્રતાપ સરનાઈક ગો બૅક... ગો બૅક’નો સૂત્રોચ્ચાર શરૂ થયો હતો, એટલું જ નહીં તેમના પર પાણીની બૉટલ પણ ફેંકવામાં આવતાં તેઓ પાંચ જ મિનિટમાં મોરચામાંથી નીકળીને ચાલ્યા ગયા હતા.


પોલીસે મોરચાને પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હોવા છતાં પ્રદર્શન કરનારાઓ મીરા રોડની બાલાજી હોટેલ ચોકથી મીરા રોડ રેલવે-સ્ટેશન સુધી મોરચો લઈ ગયા હતા એથી મીરા-ભાઈંદરમાં મરાઠી મોરચો અમુક અંશે સફળ રહ્યો હોવાનું કહેવાય છે. જોકે આ મોરચો સફળ ન થાય એ માટે પોલીસે સોમવાર રાતથી જ MNS અને મરાઠી એકીકરણ સમિતિના કાર્યકરોને પ્રતિબંધક નોટિસ ફટકારી હતી. એ ઉપરાંત MNSના થાણે-પાલઘર જિલ્લાના અધ્યક્ષ અવિનાશ જાધવને મંગળવારે વહેલી સવારે ૩ વાગ્યે જ પોલીસે થાણેમાં તેમના ઘરેથી અટકાયતમાં લીધા હતા. તેમને શરૂઆતમાં કાશીમીરા અને પછી પાલઘર પોલીસ-સ્ટેશને લઈ જવાયા હતા. જોકે એ પછી બપોરે સાડાબાર વાગ્યે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.

મીરા-ભાઈંદરમાં મરાઠી લોકોએ બતાવેલી એકતા પર ખુશી વ્યક્ત કરતાં અવિનાશ જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે સવારે મારી ધરપકડ કરતાં ગઈ કાલનો મોરચો વધુ મહત્ત્વનો બન્યો હતો. ગઈ કાલે સવારે હું અને મારા અમુક કાર્યકરો ત્યાં નહોતા છતાં અસંખ્ય કાર્યકરો રસ્તા પર ઊતરી આવ્યા હતા. તેમણે બતાવી દીધું કે મરાઠીનો અર્થ શું છે. આ બધા માટેના જવાબદાર નેતાઓને અમે છોડીશું નહીં. જોકે મને એક વાતનો ખરેખર આનંદ છે કે આજે મરાઠી લોકો એકત્ર થયા. પોલીસે મારી અને મીરા-ભાઈંદર, વસઈ-વિરારમાં MNS અને શિવસેના-UBT જૂથના કાર્યકરોની ધરપકડ ન કરી હોત તો મોરચામાં સહભાગી થનારા લોકોની સંખ્યા ઘણી વધારે હોત. જો ૧૦૦-૨૦૦ લોકો મહારાષ્ટ્ર અને મરાઠી વિરુદ્ધ મોરચો કાઢી રહ્યા હોય તો એનો જવાબ પાંચ-પચીસ હજારની ભીડ સાથે આપવો જરૂરી હતો. હવેથી કોઈ આ રીતે મહારાષ્ટ્ર અને મરાઠી વિરુદ્ધ મોરચો કાઢવાની હિંમત નહીં કરે.’


થાણેમાં એકનાથ શિંદેના સમર્થનમાં અનોખું બૅનર

 મરાઠી ભાષાના વિવાદને કારણે મીરા-ભાઈંદરમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS), શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT) અને મરાઠી એકીકરણ સમિતિ દ્વારા મોરચો કાઢવામાં આવ્યો હતો ત્યારે બીજી તરફ ‘હું મરાઠી છું, હું હિન્દી છું, હું ગુજરાતી છું, હું મદ્રાસી છું, હું પંજાબી છું, હું સિંધી છું, અમે મહારાષ્ટ્ર સાથે છીએ, અમે હિન્દુત્વ સાથે છીએ, અમે એકનાથ શિંદે સાથે છીએ’ લખેલું એક અનોખું બૅનર થાણે-વેસ્ટના વૃંદાવન વિસ્તારમાં લગાડવામાં આવ્યું હતું. આ બૅનર નીચે ગઈ કાલે આ વિસ્તારમાં રહેતા તમામ ભાષાકીય નાગરિકોએ ભેગા થઈને એકતાનો સંદેશ આપ્યો હતો.

એકનાશ શિંદે જૂથના કાર્યકર અમિત જાયસવાલ દ્વારા થાણેના વૃંદાવન વિસ્તારમાં આ બૅનર લગાડવામાં આવ્યું હતું. આ સમયે વૃંદાવન સોસાયટી અને શ્રીરંગ વિસ્તારના તમામ ધર્મો અને તમામ ભાષાઓના નાગરિકોએ એકઠા થઈને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને ટેકો આપ્યો હતો. તેમણે બધી ભાષાઓને એકસાથે બતાવીને એકતાનો સંદેશ આપ્યો હતો.

મોરચાની પરવાનગી આપવામાં આવી એના જવાબમાં ફડણવીસે શું કહ્યું?

ગઈ કાલે સવારે વિધાનસભાના સત્ર પહેલાં પત્રકારો સાથે વાત કરતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘મેં મીરા-ભાઈંદર અને વસઈ-વિરારના પોલીસ-કમિશનર પાસેથી MNSના મોરચા વિશે માહિતી મેળવી હતી. પરવાનગી કેમ આપવામાં નથી આવી એનો જવાબ પૂછતાં કમિશનરે મને કહ્યું હતું કે MNSના નેતાઓને અમે બીજા રૂટ પરથી મોરચો લઈ જવાની પરવાગી આપી હતી, પણ તેમણે જ્યાં વિવાદ થયો હતો એ વિસ્તારમાંથી જ મોરચો લઈ જવાની પરવાનગી માગી હતી એટલે પરવાનગી રદ કરવામાં આવી હતી. જો કોઈ પક્ષ મોરચો કાઢવા માટે પરવાનગી માગે તો તેને પરવાનગી મળશે, પણ રાજ્યમાં કાયદો-વ્યવસ્થાને ખલેલ પહોંચે એવા વિસ્તારમાં મોરચાને પરવાનગી આપવામાં નહીં આવે.’

પ્રતાપ સરનાઈકને ચંપલથી મારવા જોઈએ : રાજન વિચારે

ગઈ કાલે મોરચામાં સહભાગી થવા આવી પહોંચેલા શિવસેના (UBT)ના સંસદસભ્ય રાજન વિચારેએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘આ મોરચામાં મરાઠીનો મુદ્દો લઈને પ્રતાપ સરનાઈક આવ્યા હતા. જોકે તેમને મોરચામાં સહભાગી થયેલા કાર્યકરોએ ભગાડી દીધા હતા. મારું કહેવું છે કે તેમને ચંપલથી મારવા જોઈતા હતા. મીરા-ભાઈંદરના બન્ને ધારાસભ્યોએ જાણીજોઈને સરકાર પર દબાણ લાવીને મોરચો અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. વિરોધીઓ સાથે જોડાઈને પ્રતાપ સરનાઈકે પોલીસ વિરુદ્ધ બિલ ફાડ્યું હતું. જો ખરેખર તેમને મરાઠી ભાષા પર પ્રેમ હોત તો તેમણે રાજીનામું આપીને અમારી સાથે જોડાવું જોઈતું હતું. રાજ્ય સરકારનો હવે હિન્દીભાષીઓ અને મરાઠીભાષીઓને વિભાજિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમે મહારાષ્ટ્રમાં આ અત્યાચાર નહીં ચલાવી લઈએ.’

પ્રતાપ સરનાઈક પર પાણીની બૉટલ ફેંકાતાં તેઓ મોરચામાંથી ચાલ્યા ગયા

મીરા રોડમાં મરાઠીભાષીઓ માટે મોરચો નીકળવાનો હતો એને પોલીસે મંજૂરી કેમ ન આપી? એવું પૂછીને પ્રતાપ સરનાઈક મીરા-ભાઈંદરના પોલીસ-કમિશનર પર ગુસ્સે ભરાયા હતા. તેમણે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ‘મેં ડેપ્યુટી પોલીસ કમિશનર (DCP) પ્રકાશ ગાયકવાડ વિરુદ્ધ મુખ્ય પ્રધાનને ફરિયાદ કરી છે. પોલીસે જે રીતે કાર્યવાહી કરી એ યોગ્ય નથી. જો કાયદા મુજબ મોરચા માટે પરવાનગી માગવામાં આવી હતી તો તેમણે એ આપવી જોઈતી હતી. પોલીસે મોરચા વખતે મરાઠી લોકો સાથે કરેલી ગુંડાગીરી હું પ્રતાપ સરનાઈક, આ વિસ્તારના વિધાનસભ્ય તરીકે ક્યારેય સહન નહીં કરું. એ ઉપરાંત પોલીસે મંગળવાર સવારથી જે લોકોની ધરપકડ કરી હતી એની હું ટીકા કરું છું.’

જ્યારે પ્રતાપ સરનાઈક આ મોરચામાં પહોંચ્યા ત્યારે તેમણે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ગુસ્સે ભરાયેલા MNS અને UBTના કાર્યકરોએ તેમને ત્યાંથી ચાલ્યા જવાનું કહીને ‘પન્નાસ ખોકે એમદમ ઓકે’ અને ‘ગો બૅક... ગો બૅક’ના સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમના પર પાણીની બૉટલનો ઘા કર્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

09 July, 2025 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK