મરાઠીમાં બોર્ડ નહીં લગાવવામાં આવે તો આંદોલન કરવાની ધમકી આપી
દુકાનનું સાઇનબોર્ડ ગુજરાતીમાં લખ્યું હોવાથી MNSના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો.
મીરા રોડમાં સુરતી ગોટાળો વેચતી એક દુકાનમાં ગુજરાતીમાં બોર્ડ લગાડ્યું હોવાથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ એની સામે વિરોધ નોંધાવ્યો હતો અને એના પર કાળો સ્પ્રે છાંટ્યો હતો. આ બાબતનો વિડિયો પણ ઉતારવામાં આવ્યો હતો અને સોશ્યલ મીડિયા પર વાઇરલ કરાયો હતો. મીરા-ભાઈંદરમાં મરાઠી-અમરાઠી ભાષાના મુદ્દે છેલ્લાં કેટલાંક વર્ષોથી થોડા-થોડા સમયે વિવાદ ઊભો થતો રહે છે. એથી મીરા-ભાઈંદર પ્રશાસન દ્વારા શહેરમાં શાંતિ બની રહે એ માટે સતત પ્રયાસો કરવામાં આવે છે.
મીરા રોડમાં હાઇવે પર આવેલી અમર પૅલેસ હોટેલ પાસે ઈંડાંની આઇટમો વેચતી દુકાનના માલિકે દુકાનનું નામ ‘સુરતી ગોટાળો’ રાખ્યું હતું અને ગુજરાતીમાં લખેલું હતું. એથી MNS દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો અને મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં આ બાબતે ફરિયાદ કરવામાં આવી હોવાનું MNSના પદાધિકારીઓએ કહ્યું હતું. જોકે મ્યુનિસિપલ કૉર્પોરેશન એના પર કોઈ કાર્યવાહી કરતી નથી એવો આરોપ કરીને શનિવારે MNSના મીરા-ભાઈંદરના શહેરાધ્યક્ષ સંદીપ રાણેએ તેમના કાર્યકરો સાથે જઈને દુકાનના પાટિયા પર કાળો સ્પ્રે છાંટ્યો હતો. આ ઉપરાંત આવનારા સમયમાં દુકાનનું પાટિયું મરાઠીમાં લખવાની ચીમકી પણ તેમણે આપી હતી. રાજ્યની બધી જ દુકાનોનાં નામનાં પાટિયાં મરાઠી ભાષામાં હોવાં જોઈએ એવું બંધનકારક છે એવો રાજ્ય સરકારનો નિર્ણય હોવા છતાં એનો પ્રભાવી અમલ થતો નથી એવી ટીકા તેમણે એ વખતે કરી હતી. મરાઠીનું અપમાન કરનાર દરેક બાબત પર પ્રશાસને ગંભીરતાથી ધ્યાન આપવું, નહીં તો MNS દ્વારા આંદોલન કરાશે એવા ચીમકી સંદીપ રાણેએ આપી હતી.
ADVERTISEMENT
વિડિયોમાં શું છે?
વાઇરલ કરાયેલા એ વિડિયોમાં જણાઈ આવે છે કે સંદીપ રાણે તેમના પાંચ-છ કાર્યકરો સાથે હાથમાં કલર કેન પકડીને એ દુકાનની સામે આવે છે. જોકે વિડિયોમાં જણાઈ આવ્યા મુજબ એ દુકાન બંધ છે અને એની કૉલેપ્સિબલ ગ્રિલ પણ બંધ છે. એ લોકો ત્યાર બાદ ગુજરાતીમાં સુરતી ગોટાળોના બોર્ડ પર એ કલર કેનથી કાળો સ્પ્રે છાંટે છે અને ત્યાર બાદ બોર્ડ પર મરાઠી લખે છે.
