અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને બીજા ૨૧ જણને દિલ્હી લિકર પૉલિસી કેસમાં નિર્દોષ છોડીને કોર્ટે CBIને ઠપકો આપ્યો
ગઈ કાલે કોર્ટની ક્લીન ચિટ મળ્યા પછી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ઘરેથી પાર્ટીની ઑફિસે જતી વખતે સમર્થકોનું અભિવાદન ઝીલ્યું હતું.
દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને ગઈ કાલે દિલ્હી લિકર પૉલિસી કેસમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. એમાં કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને કડક ઠપકો આપ્યો હતો અને ચુકાદો આપ્યો હતો કે ફરિયાદ પક્ષ વિશ્વસનીય પુરાવા સાથે એના આરોપોને સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે.
રાઉઝ ઍવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા, ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ની કે. કવિતા સહિત ૨૩ આરોપીઓને આરોપોમાંથી મુક્ત કર્યા છે. એને બદલે કોર્ટે CBIને સખત ઠપકો આપ્યો છે.
ADVERTISEMENT
કોર્ટે કમેન્ટ કરી હતી કે CBIએ કોઈ પણ પુરાવા વિના આરોપો લગાવ્યા હતા. કોર્ટે CBI દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટની નોંધ લેવાનો ઇનકાર કરીને તમામ ૨૩ આરોપીઓને નિર્દોષ છોડી દીધા હતા અને કોઈની સામે આરોપો ઘડવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે તપાસમાં ખામીઓ માટે CBIને પણ ઠપકો આપ્યો હતો.
કોર્ટે નિષ્પક્ષ ટ્રાયલ સુનિશ્ચિત કરવા માટે નિષ્પક્ષ તપાસના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને સ્વીકાર્યું હતું કે ફરિયાદ પક્ષ અથવા CBI એના આરોપો સાબિત કરવામાં નિષ્ફળ ગયા હતા. સ્પેશ્યલ જજ જિતેન્દ્ર સિંહે કબૂલાતના નિવેદનની નકલ રજૂ કરવામાં CBIની નિષ્ફળતા પર નારાજગી વ્યક્ત કરી હતી. સુનાવણી દરમ્યાન ગઈ કાલે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા કોર્ટમાં હાજર થયા હતા. તેલંગણના નેતા કે. કવિતા, અમનદીપ ધલ અને અન્ય ઘણા આરોપીઓ વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા હાજર થયાં હતાં.
જજે ચુકાદામાં શું કહ્યું?
CBIની ચાર્જશીટમાં અસંખ્ય ખામીઓ તરફ ઇશારો કરતાં સ્પેશ્યલ જજ જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ‘CBIની ચાર્જશીટમાં પુરાવાઓનો અભાવ છે. CBIએ બન્ને નેતાઓને કોઈ પણ નોંધપાત્ર પુરાવા આપ્યા વિના કેસમાં ફસાવ્યા હતા. લગાવવામાં આવેલા આરોપોને કોઈ સાક્ષી કે નિવેદનો દ્વારા સમર્થન મળ્યું નથી. એક્સાઇઝ પૉલિસીમાં કોઈ મોટું કાવતરું કે ગુનાહિત ઇરાદો નહોતો. ફરિયાદ પક્ષનો કેસ ન્યાયિક તપાસમાં ટકી શકતો નથી, કારણ કે CBI એ માત્ર અનુમાનના આધારે કાવતરું ઘડવાનો પ્રયાસ કર્યો હતો.’
CBI હવે શું કરશે?
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દિલ્હી સરકારના ભૂતપૂર્વ એક્સાઇઝ પૉલિસી કૌભાંડમાં રાઉઝ ઍવન્યુ કોર્ટના નિર્ણય સામે દિલ્હી હાઈ કોર્ટમાં અપીલ કરે એવી શક્યતા છે. CBIના એક સૂત્રના જણાવ્યા અનુસાર CBI મુખ્યાલયના અધિકારીઓ આ મામલે કાનૂની સલાહ લઈ રહ્યા છે. CBI આગામી બે દિવસમાં હાઈ કોર્ટમાં અપીલ દાખલ કરે એવી અપેક્ષા છે.
સાઉથ ગ્રુપ સામે વાંધો ઉઠાવ્યો
કોર્ટે ફરિયાદ પક્ષ દ્વારા ‘સાઉથ ગ્રુપ’ શબ્દના ઉપયોગ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો, જે સૂચવે છે કે કેસના રેકૉર્ડમાં આ શબ્દપ્રયોગમાં સ્પષ્ટતા અને યોગ્ય પુરાવાનો અભાવ છે.
શું છે દિલ્હી શરાબ કેસ?
આ કેસ દિલ્હી સરકારની ૨૦૨૧-’૨૨ની શરાબ નીતિ સાથે સંબંધિત છે, જેમાં તત્કાલીન મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને તત્કાલીન એક્સાઇઝ પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા પર ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ્યા હતા. મનીષ સિસોદિયાને આ નીતિના મુખ્ય ઘડવૈયા તરીકે નામ આપવામાં આવ્યું હતું. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય સચિવ નરેશકુમારે જુલાઈ ૨૦૨૨માં અહેવાલ આપ્યા બાદ લેફ્ટનન્ટ ગવર્નર વી. કે. સક્સેનાએ CBI તપાસની ભલામણ કરી હતી. ત્યાર બાદ CBIએ કેસ નોંધ્યો હતો અને આમ આદમી પાર્ટી (AAP) સરકારની હવે રદ કરાયેલી એક્સાઇઝ નીતિના નિર્માણ અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરી હતી. CBI અને EDએ આરોપ લગાવ્યો છે કે ચોક્કસ ખાનગી દારૂ કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે આ નીતિ બનાવવામાં આવી હતી, જેમાં ‘સાઉથ ગ્રુપ’ તરીકે ઓળખાતી લૉબીએ અરવિંદ કેજરીવાલની પાર્ટી અને એના નેતાઓને કથિત રીતે ૧૦૦ કરોડ રૂપિયાની લાંચ ચૂકવી હતી. આ કથિત લાંચને સરળ બનાવવા માટે આ નીતિએ જાણી જોઈને ખાનગી નફાના માર્જિનને પાંચ ટકાથી વધારીને ૧૨ ટકા કર્યું હતું. ૨૦૨૩ની ૨૬ ફેબ્રુઆરીએ CBIએ આ કેસમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. આ કેસમાં CBIએ અરવિંદ કેજરીવાલને મુખ્ય કાવતરાખોર ગણાવ્યા હતા. ૨૦૨૪માં ૨૧ માર્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ લાંબી પૂછપરછ પછી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. ત્યાર બાદ ૨૬ જૂને CBIએ તેમને જેલમાંથી કસ્ટડીમાં લીધા હતા. ૧૭ મહિનાથી વધુ સમય જેલમાં રાખવામાં આવ્યા બાદ ૨૦૨૪ના ઑગસ્ટમાં મનીષ સિસોદિયાને જામીન આપવામાં આવ્યા હતા. ૨૦૨૪ના સપ્ટેમ્બરમાં અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા. આ કેસ રાષ્ટ્રીય રાજધાનીમાં BJPના ચૂંટણી-મેદાન માટે એક મુખ્ય શસ્ત્ર બની ગયો અને AAPની જાહેર ઇમેજને નુકસાન થવાથી ૨૦૨૫ની ફેબ્રુઆરીમાં થયેલી ચૂંટણીમાં AAPની શરમજનક હાર થઈ હતી અને પ્રચંડ જનાદેશ સાથે BJPએ સત્તા મેળવી હતી.
ક્લીન-ચિટ મળ્યા પછી કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપી ખુલ્લી ચૅલેન્જ… દિલ્હીમાં ચૂંટણી ફરી કરો, જો BJPને દસથી વધુ સીટ મળશે તો હું રાજકારણ છોડી દઈશ
લિકર સ્કૅમમાં નિર્દોષ જાહેર થયા પછી આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફરીથી નવી દિલ્હીમાં ચૂંટણી કરવાનો પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘હું મોદીજીને પડકાર આપું છું કે તેઓ દિલ્હીમાં ફરીથી ચૂંટણી કરે. હું પૂરા આત્મવિશ્વાસ સાથે કહું છું કે જો તેઓ ૧૦ સીટથી વધુ મેળવશે તો હું રાજકારણ છોડી દઈશ. બે વ્યક્તિ વડા પ્રધાન મોદી અને અમિત શાહે આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે આ ષડયંત્ર રચ્યું હતું. આજે તેમણે દેશની માફી માગવી જોઈએ.’
અરવિંદ કેજરીવાલ નિર્દોષ સાબિત થયા પછી અણ્ણા હઝારેએ પલટી મારી, કહ્યું... અમે બધા હવામાં બોલી રહ્યા હતા, એ ન્યાયવ્યવસ્થાનો નિર્ણય નહોતો
અરવિંદ કેજરીવાલને દિલ્હીની રાઉઝ ઍવન્યુ કોર્ટે નિર્દોષ જાહેર કરતાં અણ્ણા હઝારેએ કહ્યું હતું કે ‘મેં પહેલાં અરવિંદ કેજરીવાલ વિશે જે કંઈ પણ કહ્યું હતું એ ન્યાયવ્યવસ્થાનો નિર્ણય નહોતો. અમે બધા હવામાં બોલી રહ્યા હતા. હવે જ્યારે કોર્ટે નિર્ણય સંભળાવી દીધો છે કે અરવિંદ કેજરીવાલનો કોઈ દોષ નહોતો તો આપણે માનવું પડશે. આપણો દેશ ન્યાયિક અને સુરક્ષા-પ્રણાલીની તાકાત પર ચાલે છે. અરવિંદ અને મનીષ અમારા જૂના કાર્યકરો રહ્યા છે. અમે એ જ સલાહ આપીશું કે દેશની ભલાઈ માટે જે કંઈ પણ કરી શકો છો એ કરતા રહો.’
ચુકાદા પછી મીડિયા સામે રડી પડ્યા અરવિંદ કેજરીવાલ
સત્યનો હંમેશાં વિજય થાય છે, કેજરીવાલ અને AAP કટ્ટર ઈમાનદાર છે, કેજરીવાલથી છુટકારો મેળવવા માટે તમારે તેમની હત્યા કરાવવી પડશે
દિલ્હીની રાઉઝ ઍવન્યુ કોર્ટે ચુકાદો આપ્યા બાદ કોર્ટની બહાર ભાવનાત્મક દૃશ્યો સર્જાયાં હતાં, જ્યાં કેજરીવાલની આંખોમાં આંસુ આવી ગયાં હતાં અને તેમણે પોતાનો ચહેરો મનીષ સિસોદિયાની છાતીમાં છુપાવી દીધો હતો. પ્રતિક્રિયા આપતી વખતે અરવિંદ કેજરીવાલ ક્ષણભર માટે અવાચક રહી ગયા હતા અને શબ્દો શોધવામાં મુશ્કેલી પડતાં તેમણે પોતાનાં ચશ્માં કાઢી નાખ્યાં, આંખો ઢાંકી દીધી અને કૅમેરા સામે રડી પડ્યા હતા. એ સમયે સમર્થકો અને વકીલોએ તેમના ખભા થપથપાવીને તેમને મજબૂત રહેવાની વિનંતી કરી હતી.
અરવિંદ કેજરીવાલ આ કેસને સ્વતંત્ર ભારતનું સૌથી મોટું રાજકીય કાવતરું ગણાવીને કહ્યું હતું કે ‘ભારતીય જનતા પાર્ટી (BJP)એ દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ની સરકારને સત્તા પરથી દૂર કરવા માટે આ કાવતરું રચ્યું હતું. આ ચુકાદો સાબિત કરે છે કે કેજરીવાલ અને AAP કટ્ટર ઈમાનદાર છે.’
સત્યનો હંમેશાં વિજય થાય છે એમ કહીને અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે ‘જો BJP ખરેખર સત્તા ઇચ્છતી હોય તો એણે રાજકીય નેતાઓને જેલમાં મોકલવાને બદલે લોકોનો વિશ્વાસ જીતવો જોઈતો હતો. અમે હંમેશાં કહેતા હતા કે સત્યનો વિજય થાય છે. હું જજનો ખૂબ આભારી છું જેમણે અમને ન્યાય આપ્યો. સત્યનો વિજય થયો છે.’
અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે ‘આ કેસમાં AAPના સૌથી મોટા પાંચ નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તેમની કારકીર્દી ખતમ કરવાનો પ્રયાસ થયો હતો. પદ પર રહેલા મુખ્ય પ્રધાનને તેમના ઘરમાંથી ખેંચીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, જ્યાં તેઓ છ મહિના રહ્યા હતા. અમારા નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને લગભગ બે વર્ષ જેલમાં રાખવામાં આવ્યા હતા. આ સંપૂર્ણપણે નકલી કેસ હતો. અમારા પર કાદવ ફેંકવામાં આવ્યો હતો. ટીવી-ચૅનલો પર ૨૪ કલાક ચર્ચા ચાલતી હતી. સમાચારોમાં કેજરીવાલને નકારાત્મક રીતે દર્શાવતા બતાવવામાં આવ્યા હતા. હું વડા પ્રધાનને કહેવા માગું છું કે સત્તા ખાતર દેશ અને બંધારણ સાથે આ રીતે રમત ન રમો. જો તમને સત્તા જોઈતી હોય તો સારું કામ કરો. દેશભરમાં ઘણીબધી સમસ્યાઓ છે. એમને ઉકેલો અને પછી સત્તામાં આવો.’
