નસીબજોગે આ આગમાં કોઈ જાનહાનિ નહોતી થઈ
ઇલેક્ટ્રિક બાઇકમાં ચાર્જિંગ વખતે શૉર્ટ-સર્કિટ થતાં આગ ફાટી નીકળી હતી
મુલુંડ-વેસ્ટના નેતાજી સુભાષ રોડ પર આવેલી ધન્વંતરિ હૉસ્પિટલ પાસે આવેલા ગાલા મનોર નામના બિલ્ડિંગમાં ગુરુવારે મધરાત બાદ એક વાગ્યે ચાર્જિંગમાં મૂકેલી ઈ-બાઇકની બૅટરીમાં શૉર્ટ-સર્કિટ થતાં આગ ફાટી નીકળી હતી.
આરતી ડાયગ્નૉસ્ટિક્સ સેન્ટર ઍન્ડ સુશીલ પૅથ લૅબના માલિકે તેની ઈ-બાઇક ચાર્જિંગમાં મૂકી હતી જેમાં શૉર્ટ-સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. બાજુમાં આવેલી દુકાનના વૉચમૅનને આગ લાગ્યાની સૌપ્રથમ જાણ થઈ હતી. તેણે તરત જ આરતી લૅબના માલિકને ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ સંપર્ક થઈ શક્યો નહોતો. દરમ્યાન આગે ધીમે-ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બાજુમાં આવેલી સિલ્વર હાર્ડવેર અને સિલ્વર લૅમિનેટ્સની દુકાનો પણ આગની ઝપેટમાં આવી જતાં એને પણ મોટું નુકસાન થયું હતું. એટલું ઓછું હોય એમ ત્યાં પાર્ક કરેલી બીજી ચાર બાઇક અને બે કાર પણ આ આગમાં બળી ગઈ હતી. આગનો વ્યાપ વધી ગયો હોવાથી ફાયર-બ્રિગેડનાં ત્રણ ફાયર એન્જિન અને ત્રણ જમ્બો ટૅન્કર આગ ઓલવવા પહોંચી ગયાં હતાં.
ADVERTISEMENT
એક બાજુ પાર્યવરણને બચાવવા વધુ ને વધુ ઈ-વેહિકલ્સ વાપરવાની જાહેરાત કરવામાં આવે છે ત્યારે બીજી બાજુ ઈ-વેહિકલ્સમાં લાગતી આગ એ ચિંતાનો વિષય બની ગયો છે. નસીબજોગે આ આગમાં કોઈ જાનહાનિ નહોતી થઈ.