ડિજિટલ ટ્વિન ટેક્નૉલૉજીથી અધિકારી ઑફિસમાં બેઠાં-બેઠાં જ સાંકડા રસ્તા પર થયેલાં અતિક્રમણ અને પ્રૉપર્ટીનું ધ્યાન રાખશે
ફાઇલ તસવીર
BMCએ મુંબઈના થ્રી-ડાયમેન્શનલ (3D) ડિજિટલ મૉડલને તેની મુખ્ય સિસ્ટમ સાથે સાંકળવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ ડિજિટલ ટ્વિન ટેક્નૉલૉજી દ્વારા બિલ્ડિંગ પ્રપોઝલ, પ્રૉપર્ટી ટૅક્સ અને એસ્ટેટ વિભાગને એક પ્લૅટફૉર્મ પર લાવવામાં આવશે જેનાથી BMCની આવકમાં મોટો વધારો થવાની અપેક્ષા છે.
આ હાઈ-ટેક સિસ્ટમની મદદથી મુંબઈના રસ્તા, પુલ, ગટર, જળાશયો અને ઝૂંપડપટ્ટીઓનું સચોટ નિરીક્ષણ કરી શકાશે. અધિકારીઓ હવે પોતાની ઑફિસમાં બેઠાં-બેઠાં જ ૩૬૦ ડિગ્રી વ્યુ દ્વારા શહેરની સાંકડી ગલીઓ (જેમ કે ફોર્ટનો બોરાબઝાર વિસ્તાર)માં થયેલાં અતિક્રમણ કે ગેરકાયદે બાંધકામને પકડી શકશે. મંજૂર થયેલા પ્લાન અને સ્થળ પરના વાસ્તવિક બાંધકામની સરખામણી કરીને ટૅક્સચોરી અટકાવી શકાશે. એ ઉપરાંત ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ માટે પણ આ મૉડલ ગેમ-ચેન્જર સાબિત થશે. BMCના મતે આ ડિજિટલ પ્રક્રિયાને પગલે વહીવટી પ્રક્રિયા ઝડપી બનશે અને આવકમાં પડતી તૂટ સંપૂર્ણપણે બંધ થશે.
