ધમકીભરી ઈ-મેઇલ મોકલનાર ખાલિસ્તાની સમર્થક ચળવળ સાથે જોડાયેલો હોઈ શકે છે, પરંતુ એના પર કંઈ પણ નક્કર કહેવું હજી વહેલું છે
ધમકી મળ્યા બાદ ગઈ કાલે વિધાનભવનમાં પોલીસ-બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો
રાજ્યનું બજેટસત્ર ચાલી રહ્યું છે ત્યારે મહારાષ્ટ્ર વિધાનભવન અને મુંબઈનાં અન્ય મુખ્ય સ્થળો પર મિસાઇલ અને બૉમ્બ-હુમલાની ધમકી આપતી ઈ-મેઇલ ગુરુવારે મળતાં સેફ્ટી-અલર્ટ ઇશ્યુ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે તપાસ બાદ કશું શંકાસ્પદ મળ્યું નથી. વિધાનપરિષદના અધ્યક્ષ રામ શિંદેએ જણાવ્યું હતું કે સવારે ૬.૫૭ વાગ્યે વિધાનસભાના સત્તાવાર ઈ-મેઇલ અકાઉન્ટ પર મળેલી ઈ-મેઇલમાં વિધાનસભા કૉમ્પ્લેક્સ, બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ, બૉમ્બે હાઈ કોર્ટ, મુંબઈ મેટ્રો અને એક બૅન્ક પર સંભવિત હુમલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ધમકીભરી ઈ-મેઇલ મોકલનાર ખાલિસ્તાની સમર્થક ચળવળ સાથે જોડાયેલો હોઈ શકે છે, પરંતુ એના પર કંઈ પણ નક્કર કહેવું હજી વહેલું છે. રામ શિંદેએ વિધાનભવન પરિસરમાં પત્રકારોને જણાવ્યું હતું કે ‘ઈ-મેઇલ મળ્યા બાદ પરિસરને લગભગ ૪૦ મિનિટ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને સમગ્ર કૉમ્પ્લેક્સને ફરીથી સ્કૅન અને સૅનિટાઇઝ કરવા માટે નવી બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડ (BDDS) ટીમ તહેનાત કરવામાં આવી હતી.’
સામાન્ય રીતે રોજ જ સુરક્ષાપ્રક્રિયાના ભાગ રૂપે સવારે છથી ૮ વાગ્યાની વચ્ચે કૉમ્પ્લેક્સની તપાસ અને સૅનિટાઇઝેશન કરવામાં આવે છે, જ્યારે બૉમ્બ ડિટેક્શન સ્ક્વૉડ તેમ જ ડૉગ સ્ક્વૉડ સાવચેતીના પગલા તરીકે સમગ્ર પરિસરનું રોજ જ સ્કૅન કરે છે. જોકે સવારે મોડેથી ઈ-મેઇલ મળી આવી હતી એટલે સમગ્ર વિસ્તારની ફરીથી તપાસ કરવા માટે કૉમ્પેલક્સને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. તપાસ પછી પોલીસે કહ્યું હતું કે વિધાનસભા કૉમ્પ્લેક્સમાં કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી અને પ્રારંભિક તપાસમાં સૂચવવામાં આવ્યું છે કે ધમકી એક ખોટી વાત હતી. ત્યાર બાદ BDDSએ કૉમ્પ્લેક્સને સુરક્ષિત જાહેર કર્યો હતો.
