માહિમ પોલીસે યુવક અને વ્યંડળની કરી ધરપકડ
ઘટનામાં ઈજા પામેલો નિશાંત ગાલા. નિશાંત ગાલા પર હુમલો કરનાર બન્ને આરોપીઓ.
દાદર-વેસ્ટના શિવાજી પાર્કમાં રહેતા ૪૮ વર્ષના કૅમેરામૅન નિશાંત ગાલાને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું કહેવાનું ભારે પડ્યું છે. ટ્રાફિક-સિગ્નલ તોડીને જઈ રહેલા એક બાઇકરે અને તેની સાથેના વ્યંડળે સોમવારે સાંજે નિશાંત ગાલા પર હુમલો કરીને તેનું માથું ફોડી નાખ્યું હતું. આ મામલે માહિમ પોલીસે ૨૩ વર્ષના આદિત્ય ગવંડર અને ૨૩ વર્ષની સના હિરેમઠની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપી સામે આ પહેલાં પણ મારામારીના અન્ય કેસ નોંધાયા હોવાની માહિતી પ્રાથમિક પોલીસ-તપાસમાં મળી છે.
નિશાંત ગાલાએ ‘મિડ-ડે’ને આપવીતી જણાવતાં કહ્યું હતું કે ‘સોમવારે સાંજે માહિમ-વેસ્ટમાં આવેલા ગુડલક જનરલ સ્ટોરમાંથી મારે અમુક સામાન લેવાનો હોવાથી હું ત્યાં ગયો હતો. એ સમયે પાંડુરંગ નાઈક માર્ગ નજીકનું સિગ્નલ લાલ હોવાથી હું ઝીબ્રા ક્રૉસિંગ પરથી રોડ ક્રૉસ કરી રહ્યો હતો ત્યારે એક બાઇકસવાર યુવક અને વ્યંડળ ટ્રાફિક-સિગ્નલ તોડીને પૂરઝડપે આગળ વધ્યાં હતાં. એને લીધે મારો અકસ્માત થવાની શક્યતા હોવાથી મેં તેમને રોકવા માટે હાથ ઊંચો કર્યો હતો, પરંતુ તેઓ અટક્યા નહીં અને મને ધક્કો મારીને આગળ નીકળી ગયા હતા. ત્યાર બાદ રસ્તાની વચ્ચે પોતાની બાઇક ઊભી રાખીને મારી સાથે ઝઘડો કરી ધક્કામુક્કી કરી હતી. એ ઝઘડા બાદ હું ત્યાંથી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેમણે અચાનક પાછળથી આવીને હેલ્મેટ વડે મારા માથા અને પીઠ પર ઉપરાછાપરી ફટકા મારવાનું શરૂ કરી દીધું હતું. મારા માથામાંથી પુષ્કળ લોહી વહેવા છતાં હુમલાખોરો અટક્યા નહોતા અને આસપાસના લોકો જ્યારે મને બચાવવા આવ્યા ત્યારે આરોપીઓએ તેમને પણ ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપીને ત્યાંથી ભગાડી મૂક્યા હતા. અંતે હું લોહીલુહાણ હાલતમાં પહેલાં પોલીસ-સ્ટેશન અને ત્યાંથી ભાભા હૉસ્પિટલ ગયો હતો. હાલમાં મારી હાલત સ્થિર છે, પણ માથામાં હેલ્મેટ વાગવાને કારણે મને ગંભીર ઈજા થઈ છે.’
ADVERTISEMENT
માહિમ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મામલે અમે બન્ને આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં આગળ તપાસ હાથ ધરવામાં આવી છે.’
