ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં ધર્મેન્દ્રનું નામ સૌથી વધુ નારિયેળ ઓછામાં ઓછા સમયમાં ફોડવા માટે લખાઈ ગયું છે.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
હરિયાણાના રોહતકમાં ધર્મેન્દ્ર રાજભર નામના માણસનો હાથ સની દેઓલના ઢાઈ કિલોના હાથ કરતાંય ભારે છે. તેણે પોતાની હાથની શક્તિનો જબરજસ્ત પરચો આપતો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. રવિવારે ધર્માગતપુર ગામ પાસે આદર્શ ભારતીય ઇન્ટર કૉલેજ મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં ધર્મેન્દ્રએ લાઇનસર ગોઠવેલાં નારિયેળ માત્ર હાથના પ્રહારથી તોડ્યાં હતાં. આ કાર્યક્રમ દરમ્યાન તેણે ૭ મિનિટથી પણ ઓછા સમયમાં ૬૫૧ નારિયેળ ફોડ્યાં હતાં. તેની ઝડપ અને તાકાત બન્ને લાજવાબ હતાં. તેની સ્પીડ જોતાં એક મિનિટમાં તેણે ૧૦૦થી વધુ નારિયેળ ફોડ્યાં હતાં. મલતબ કે એક નારિયેળ ફોડવા માટે ૧ સેકન્ડથી પણ ઓછો સમય. આ સ્ટન્ટ પૂરો થયો ત્યાં સુધીમાં તેનો હાથ લોહીલુહાણ થઈ ચૂક્યો હતો, પરંતુ તેણે સ્ટન્ટ ચાલુ રાખ્યો હતો. મોટા ભાગનાં નારિયેળ તેણે માત્ર એક જમણા હાથે જ ફોડ્યાં હતાં. છેક છેલ્લે મૉમેન્ટમ જાળવી રાખવા માટે તેણે ત્રણેક વાર ડાબા હાથનો ઉપયોગ કર્યો હતો. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં ધર્મેન્દ્રનું નામ સૌથી વધુ નારિયેળ ઓછામાં ઓછા સમયમાં ફોડવા માટે લખાઈ ગયું છે.
