દિલ્હીમાં બદનામ થયેલી પોલીસે મુંબઈમાં તો હદ જ વટાવી દીધી, આંદોલનકારી યુવાનોને તાબામાં લઈને ડ્રગ્સના ખોટા કેસમાં સંડોવી દેવાની ખુલ્લી ધમકી આપી
ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો પોલીસ-ડ્રાઇવર અને તેનો છૂપી રીતે વિડિયો પાડનાર આંદોલનકારી યુવાન.
દિલ્હીના જંતરમંતર ખાતે ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં મુંબઈમાં પણ આંદોલન થઈ રહ્યું છે. આંદોલન કરી રહેલા અનેક યુવાનોને પોલીસે તાબામાં લીધા હતા ત્યારે એક વૅનમાં લઈ જવાઈ રહેલા યુવાનોને પોલીસે ધમકાવીને ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવી દેશે એવા ઇરાદાથી કહ્યું હતું કે ‘વાપસ દિખે તો ૫૦ ગ્રામ પાઉડર ડાલ દેગા તુમ્હારી જેબ મેં, બાદ મેં ગયા ઝિંદગીભર કે લિએ, નો જામીન.’
એ વખતે વૅનમાં બેસેલા એક યુવાને તેની જણ બહાર તેનો વિડિયો લઈ લીધો હતો જે જોરદાર વાઇરલ થયો હતો. એ વિડિયોને કારણે
પોલીસ-ડિપાર્ટમેન્ટની ઇમેજને ધક્કો લાગતાં તરત જ પગલાં લેવાયાં હતાં. ધમકી આપનાર પોલીસ સાયન પોલીસ સાથે સંકળાયેલો હતો. તેને ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી પૂરી ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ
કરી દેવામાં આવ્યો છે. આ પ્રકરણની ઝીણવટભરી તપાસ કરવાનો આદેશ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો છે.
પોલીસ ડ્રગ-સપ્લાયર છે કે શું? : રાજ ઠાકરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ પણ પોલીસની આવી કામગીરીની ટીકા કરતાં કહ્યું હતું કે ‘યુવકોનાં ખિસ્સાંમાં પાઉડર નાખવાની વાતનો વિડિયો મારી પાસે પણ આવ્યો છે. એ જોઈને પ્રશ્ન થાય છે કે પોલીસ પાસે હવે પાઉડર પણ મળવા લાગ્યો? પોલીસ ડ્રગ-સપ્લાયર છે કે શું?’
ADVERTISEMENT
વિડિયોમાં શું છે?
વિડિયોમાં જોવા મળે છે એમ તે પોલીસ-ડ્રાઇવરે યુવાનોને ધમકાવતાં કહ્યું હતું કે ‘ઇધર વાપિસ કિધર મિલા તો ફિર મેરે જૈસા બેકાર આદમી કોઈ નહીં. મૈં ડાયરેક્ટ ૫૦-૫૦ ગ્રામ પાઉડર ડાલ દેગા આપકી જેબ મેં. બાદ મેં ગયા ઝિંદગીભર કે લિએ. નો જામીન. તુમ લોગો કી વજહ સે હમ લોગ કો તકલીફ હૈ અભી, નહીં તો માલૂમ પડા કે ફિર ઘૂમકે આ ગએ.’ એ વખતે છુપાઈને વિડિયો પાડી રહેલો યુવાન નહીં સર, નહીં સર કહેતો હોય છે અને છેલ્લે વળી તે વિડિયો પાડી રહેલા યુવાનની બાજુમાં બેસેલો તેનો મિત્ર પણ કોણી મારીને તેને ચીડવે છે અને એ વિડિયો પાડનાર યુવાન પણ જીભડો બહાર કાઢીને કેવો વિડિયો પાડ્યો એવું ઇશારાથી જ જણાવે છે.
