મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે કેસને ૧૨ કલાકમાં જ ઉકેલીને ગૅન્ગના પંચાવન વર્ષના લીડર અબ્દુલ હકીમને ઝડપી લીધો હતો
પ્રતીકાત્મક તસવીર
લોઅર પરેલમાં કારખાનું ધરાવતા જ્વેલરને પાંચ લૂંટારાઓની ટોળકીએ ગુરુવારે સવારે લૂંટી લીધો હતો. મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે કેસને ૧૨ કલાકમાં જ ઉકેલીને ગૅન્ગના પંચાવન વર્ષના લીડર અબ્દુલ હકીમને ઝડપી લીધો હતો અને તેની પાસેથી લૂંટેલું ૨.૫૫ કરોડ રૂપિયાનું સોનું પાછું મેળવ્યું હતું.
લૂંટની આ ઘટના વિશે માહિતી આપતાં ક્રાઇમ બ્રાન્ચના એક ઑફિસરે કહ્યું હતું કે જ્વેલર અને તેનો ભત્રીજો બન્ને ગુરુવારે સવારે સ્કૂટર પર તેમની ફૅક્ટરીએ જઈ રહ્યા હતા ત્યારે જ્વેલર પાસે સોનાનાં બિસ્કિટ, ઘરેણાં અને સોનાના ટુકડા હતા. તેમને ચાર જણની ટોળકીએ આંતરીને તેમની મારઝૂડ કરી તેમની બૅગ ઝૂંટવીને નાસી ગયા હતા. ત્યાર બાદ જ્વેલરે નાગપાડા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કેસની સમાંતર તપાસ ક્રાઇમ બ્રાન્ચે પણ હાથ ધરી હતી. ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV ) કૅમેરાનાં ફુટેજના આધારે અને અન્ય માહિતીને આધારે પોલીસે ઘટના બન્યાના ૧૨ કલાકની અંદર જ લૂંટારુ ગૅન્ગના લીડર અબ્દુલ હકીમને ઝડપી લીધો હતો એટલું જ નહીં, તેની પાસેથી લૂંટની તમામ ૨.૫ કરોડ રૂપિયાની મતા પાછી મેળવવામાં પણ સફળતા મળી હતી. અબ્દુલ કાદીરે કહ્યું હતું કે અમે રેકી કરી જ્વેલર પર નજર રાખી હતી અને ત્યાર બાદ લૂંટનો પ્લાન અમલમાં મૂક્યો હતો. પોલીસ અધિકારીઓ હવે તેના બાકીના સાગરીતોને શોધી રહી છે.

