Mumbai Crime News: ગલૂડિયા પર જાતીય અત્યાચાર ગુજારનાર આરોપીને કુરાર પોલીસ ઉત્તર પ્રદેશથી પકડી લાવી; રિક્ષાભાડાના વિવાદમાં ડ્રાઇવરે મહિલાને એવો ધક્કો માર્યો કે હાથમાં ફ્રૅક્ચર થયું અને વધુ સમાચાર
હાલ મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યો છે
બોરીવલી-વેસ્ટની IC કૉલોનીના કૂવામાં અંદાજે ૨૦થી ૨૫ ફુટની ઊંડાઈથી ગઈ કાલે બપોરે એક યુવાનનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આજુબાજુમાં રહેતા લોકોને દુર્ગંધ આવતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતાં કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. ગણપત પાટીલનગરમાં રહેતો જનક નામનો યુવાન છેલ્લા બે દિવસથી મિસિંગ હતો એમ તેના પરિવારે તેની મિસિંગની ફરિયાદમાં જણાવ્યું હતું. પોલીસને શંકા છે કે જનક ભૂલથી કૂવામાં પડી ગયો હશે. હાલ મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસે હાલ ઍક્સિડેન્ટલ ડેથ-રિપોર્ટ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગલૂડિયા પર જાતીય અત્યાચાર ગુજારનાર આરોપીને કુરાર પોલીસ ઉત્તર પ્રદેશથી પકડી લાવી
ADVERTISEMENT
મલાડ-ઈસ્ટના કુરાર વિલેજની એક ચાલના શૌચાલયમાં ૧૮ જાન્યુઆરીએ માત્ર બે મહિનાના ગલૂડિયા પર જાતીય અત્યાચાર ગુજારનાર આરોપીને કુરાર પોલીસ ઉત્તર પ્રદેશના તેના વતનથી પકડી લાવી હતી. કુરારની ચાલમાં રહેતા ૨૦ વર્ષના આરોપી વિકાસ પાસવાનના આ ઘૃણાસ્પદ કૃત્યને ગલૂડિયાએ શોર મચાવી દેતાં જાહેર કરી દીધું હતું. સ્થાનિક રહેવાસીઓએ તેને ઝડપી લીધો હતો. જોકે એ લોકો ગલૂડિયાને સારવાર માટે લઈ ગયા ત્યારે તક જોઈને આરોપી વિકાસ નાસી છૂટ્યો હતો. ત્યાર બાદ આ બાબતે કુરાર પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધ ચાલુ કરી હતી. કુરાર પોલીસે ટેક્નિકલ ડિટેઇલ્સ કઢાવી હતી. ઉપરાતં તેના વિશે માહિતી કઢાવતા તે તેના ઉત્તર પ્રદેશના વતનમાં હોવાની જાણ થઈ હતી. આથી કુરાર પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશ જઈ તેને પકડી લાવી હતી.
થાણેમાં મમ્મીના મૃત્યુના આઘાતમાં દીકરીએ કલાકોમાં જ ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી
મમ્મીનું મૃત્યુ થતાં ૫૧ વર્ષની મહિલાએ આત્મહત્યા કરી હોવાની આઘાતજનક ઘટના થાણેમાં બની હતી. શ્રીનગર પોલીસે આપેલી માહિતી મુજબ કિશનનગરમાં વર્ષા મોરેએ તેના બિલ્ડિંગના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. તેની ૮૧ વર્ષની મમ્મીનું બીમારીને લીધે મૃત્યુ થયું હતું અને એનાથી વ્યથિત થઈને દીકરીએ અમુક કલાક બાદ ઘરની બારીમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. તેને પહેલાં પ્રાઇવેટ હૉસ્પિટલમાં અને ત્યાર બાદ તબિયત લથડતાં સિવિલ હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં સારવાર દરમ્યાન તે મૃત્યુ પામી હતી. શ્રીનગર પોલીસ-સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુની ફરિયાદ નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે.
રિક્ષાભાડાના વિવાદમાં ડ્રાઇવરે મહિલાને એવો ધક્કો માર્યો કે હાથમાં ફ્રૅક્ચર થયું
ડોમ્બિવલીમાં રિક્ષાભાડાની બાબતમાં ડ્રાઇવર અને મહિલા પૅસેન્જર વચ્ચે વિવાદ એવો વકર્યો કે મહિલાના હાથમાં ફ્રૅક્ચર થયું હતું. ૬૨ વર્ષનાં મહિલા તેમના પરિવાર સાથે ડોમ્બિવલીના કસ્તુરી પ્લાઝાથી દાવડીમાં આવેલા તેમના ઘરે જઈ રહ્યાં હતાં. ડ્રાઇવરે પહેલાં ભાડું ૧૨૦ રૂપિયા કહ્યું હતું અને પહોંચ્યા પછી ૧૬૦ રૂપિયા માગ્યા હતા. આ બાબતે વિવાદ થયો હતો અને મહિલાના કહેવા પ્રમાણે ડ્રાઇવરે ગાળો બોલવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે વિવાદ વકર્યો અને મારપીટ થઈ ગઈ. મારપીટ રોકવા વચ્ચે પડેલાં મહિલાને ડ્રાઇવરે એટલા જોરથી ધક્કો માર્યો કે તે ફુટપાથ પર પડી ગયાં હતાં અને તેમના ડાબા હાથમાં ફ્રૅક્ચર થયું હતું. માનપાડા પોલીસે રિક્ષા-ડ્રાઇવર વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
દિલ્હીની હોટેલમાં ચોથા માળેથી યુવતીએ કૂદકો માર્યો : લોકોએ નીચે ખાલી ખોખાં મૂકીને બચાવી લીધી
દિલ્હીમાં ફર્શબજાર વિસ્તારમાં ૨૦ વર્ષની એક યુવતી બુલંદશહરના એક યુવક સાથે હોટેલમાં રોકાઈ હતી. હોટેલની રૂમમાં બન્ને વચ્ચે જોરદાર ઝઘડો થતાં ગુસ્સામાં યુવતી બારી પર બેસી ગઈ હતી અને પછી અચાનક બહાર કૂદી પડી હતી. તેની રૂમ ચોથા માળે હતી અને તેણે બારીમાંથી છલાંગ લગાવી દીધી હતી. જોકે તેને બારીમાં બેઠેલી જોનારા કેટલાક લોકોએ હોટેલની નીચે આવેલી ઇલેક્ટ્રૉનિક્સની દુકાનનાં ખાલી ખોખાંઓ ગોઠવી દીધાં હતાં. એને કારણે જ્યારે તે નીચે પડી ત્યારે ખોખાં પણ પડી હોવાથી બચી ગઈ હતી. એ પછી તેને હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવી હતી જ્યાં તેની સ્થિતિ સ્થિર છે.


