આના સંદર્ભમાં EOWના એક અધિકારીએ કહ્યું હતું કે ‘અમે હિતેશ મહેતાની બ્રેઇન મૅપિંગ ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો છે
પ્રતીકાત્મક તસવીર
ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કના ૧૨૨ કરોડ રૂપિયાના કૌભાંડના મુખ્ય આરોપી હિતેશ મહેતાની લાઇ ડિટેક્શન ટેસ્ટથી કંઈ હાથ ન લાગ્યું હોવાથી મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW) હવે તેમની બ્રેઇન મૅપિંગ ટેસ્ટ કરાવવાની છે.
આ મહિનાની શરૂઆતમાં કરવામાં આવેલી લાઇ ડિટેક્શન ટેસ્ટમાં પૈસા કોને-કોને આપવામાં આવ્યા હતા અને એ ક્યાં વાપરવામાં આવ્યા છે તેમ જ આ કેસમાં બીજા કોણ સામેલ છે એની માહિતી પોલીસ મેળવવા માગતી હતી, પણ એમાં કોઈ નક્કર માહિતી મળવાને બદલે ભ્રામક વાતો જ હિતેશ મહેતાએ કરી હતી.
ADVERTISEMENT
આ જ કારણસર આ કેસના બધા છેડા એકબીજા સાથે જોડવા માટે પોલીસ હવે તેમની બ્રેઇન મૅપિંગ ટેસ્ટ કરાવવા માગે છે. આના સંદર્ભમાં EOWના એક અધિકારીએ કહ્યું હતું કે ‘અમે હિતેશ મહેતાની બ્રેઇન મૅપિંગ ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો છે, પણ હજી તારીખ નક્કી નથી કરી. આ ટેસ્ટ કાલિનામાં આવેલી ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી (FSL)માં કરવામાં આવશે.’
આ કેસમાં પોલીસે અત્યાર સુધી સાત જણની ધરપકડ કરી છે. બૅન્કના ભૂતપૂર્વ ચૅરમેન હિરેન ભાનુ અને વાઇસ ચૅરપર્સન ગૌરી ભાનુ વિદેશમાં હોવાથી તેમની ખિલાફ બિનજામીનપાત્ર વૉરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે. જોકે હિરેન ભાનુ અને ગૌરી ભાનુએ એક મેસેજ દ્વારા કહ્યું હતું કે તેઓ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા તૈયાર છે અને પોલીસ કહેશે તો વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા પોતાનું સ્ટેટમેન્ટ આપવા તૈયાર છે.

