સંસદસભ્ય નારાયણ રાણેએ પ્રેસ-કૉન્ફરન્સમાં પહેલી વખત ખુલાસો કર્યો, ઉદ્ધવ ઠાકરેએ સામેથી ફોન કરીને મીડિયા સામે આદિત્યનું નામ ન લેવાની વિનંતી કરી હતી એવો દાવો પણ કર્યો નારાયણ રાણેએ
મેં ઉદ્ધવ ઠાકરેને કહેલું કે આદિત્ય ખોટું કામ કરી રહ્યો છે, તેને સંભાળો
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મૅનેજર દિશા સાલિયનના મૃત્યુનો મામલો ફરી ચર્ચામાં છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય નારાયણ રાણેએ ગઈ કાલે મુંબઈમાં પ્રેસ-કૉન્ફરન્સમાં દાવો કર્યો હતો કે પોતે અગાઉ દિશા સાલિયનના મૃત્યુના પ્રકરણમાં આરોપ કર્યા હતા ત્યારે ઉદ્ધવ ઠાકરેએ પોતાને બે વખત ફોન કરીને આદિત્યનું નામ ન લેવાની વિનંતી કરી હતી. નારાયણ રાણેએ કહ્યું હતું કે ‘હું એક દિવસ જુહુના ઘર તરફ કારમાં જઈ રહ્યો હતો ત્યારે મિલિંદ નાર્વેકરનો કૉલ આવ્યો હતો. તેણે કહ્યું હતું કે સાહેબ તમારી સાથે વાત કરવા માગે છે. મેં પૂછ્યું કે કોણ સાહેબ? તો મિલિંદે કહ્યું કે ઉદ્ધવજી વાત કરશે. આટલું કહીને મિલિંદે ઉદ્ધવ ઠાકરેને ફોન આપ્યો હતો. મેં ઉદ્ધવ ઠાકરેને જય મહારાષ્ટ્ર કહ્યું. તેમણે મને હજી પણ જય મહારાષ્ટ્ર બોલો છો એવો સવાલ કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તમારે પણ પુત્રો છે, મને પણ છે, તમે પ્રેસ-કૉન્ફરન્સમાં આદિત્યનું નામ લો છો, તમે આદિત્યનો ઉલ્લેખ ન કરો એ વિનંતી કરવા માટે ફોન કર્યો છે. મેં ઉદ્ધવ ઠાકરેને કહ્યું હતું કે ઉદ્ધવજી એક વાત ધ્યાનમાં રાખો, મેં કોઈનું નામ લીધું નથી; એક યુવતી પર અત્યાચાર કરીને હત્યા કરનારાઓને સજા થવી જોઈએ એવું મારું માનવું છે, તમે તમારા પુત્રને સંભાળો, તે જે કંઈ કરી રહ્યો છે એ ખોટું છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તે હું જોઈ લઈશ, તમે સહયોગ કરો એવી ફરી વિનંતી છે. ત્યારે મેં ઠીક છે એવું કહ્યું હતું. એ પછી કોવિડના સમયમાં અમારી હૉસ્પિટલનું ઉદ્ઘાટન હતું, પણ રાજ્ય સરકારની એક મંજૂરી બાકી હતી એટલે મેં ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો હતો. તેમણે એ સમયે ફોન નહોતો લીધો. બાદમાં તેમનો ફોન આવ્યો હતો ત્યારે મેં તેમને મંજૂરી માટે ફોન કર્યો હોવાનું જણાવ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ ફરી એક વખત કહ્યું હતું કે પ્રેસ-કૉન્ફરન્સમાં આદિત્યનું નામ ન લો.’
પોલીસે કિશોરી પેડણેકરની ધરપકડ કેમ ન કરી?
આ હાઈ પ્રોફાઇલ મામલામાં દિશાના પિતા સતીશ સાલિયને પોતાના પર જબરદસ્ત દબાણ હોવાનું અને મુંબઈનાં ભૂતપૂર્વ મેયર અને ઉદ્ધવ ઠાકરેના નજીકનાં શિવસેનાનાં નેતા કિશોરી પેડણેકરે નજર રાખી હતી. તેઓ પોતાના ઘરે અનેક વખત તેમના માણસો સાથે આવ્યા હોવાનું કહ્યું છે. આ વિશે નારાયણ રાણેએ કહ્યું હતું કે ‘કોઈ મહિલા પર બળાત્કાર કર્યા બાદ હત્યા કરવાના મામલામાં પોલીસે તાત્કાલિક FIR નોંધીને તપાસ કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ છે. આમ છતાં પોલીસે કેમ કોઈ કાર્યવાહી ન કરી? આ પ્રકરણમાં આરોપીઓને બચાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું એ ભૂતપૂર્વ પોલીસ-ઇન્સ્પેક્ટર સચિન વાઝે જેલમાં છે. તેની પાસેથી માહિતી મેળવી શકાય છે. કિશોરી પેડણેકરની પોલીસે હજી સુધી ધરપકડ કેમ નથી કરી?’
ADVERTISEMENT
બૉમ્બે હાઈ કોર્ટમાં બીજી એપ્રિલે સુનાવણી
દિશાના પિતા સતીશ સાલિયને પુત્રીના મૃત્યુના મામલાની ફરીથી તપાસ કરવાની માગણી કરતી પિટિશન બૉમ્બે હાઈ કોર્ટમાં કરી છે. બૉમ્બે હાઈ કોર્ટે અરજી સ્વીકારી લીધી છે અને આ યાચિકાની સુનાવણી બીજી એપ્રિલે ચીફ જસ્ટિસ આલોક આરાધેની કોર્ટમાં હાથ ધરવામાં આવશે.

