Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ક્યાંક ઘરે જ ગિરગામ ચોપાટીનું વિસર્જન દૃશ્ય તો ક્યાંક ગામડામાં સરપંચ બન્યા બાપ્પા

ક્યાંક ઘરે જ ગિરગામ ચોપાટીનું વિસર્જન દૃશ્ય તો ક્યાંક ગામડામાં સરપંચ બન્યા બાપ્પા

Published : 25 September, 2026 03:31 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈમાં ગણપતિ શણગારમાં ઘરે જ ગિરગામ ચોપાટીનું વિસર્જન દૃશ્ય, ગામડામાં સરપંચ બાપ્પા અને રિન્યુએબલ એનર્જીની થીમ જોવા મળી. મલાડના શ્રોફ પરિવારે ૧૧૨ વર્ષ જૂની ગણેશોત્સવની પરંપરા જાળવી છે.

ગણેશોત્સવ

ગણેશોત્સવ


ગિરગામના આ પરિવારે ઘરે જ ચોપાટી પરનો ગણપતિ વિસર્જનનો માહોલ કર્યો જીવંત




મુંબઈની ગિરગામ ચોપાટી પરના વિસર્જનના દૃશ્યને ચીરાબજારમાં એક પરિવાર દ્વારા તેમના ઘરે લઘુચિત્ર (મિનિએચર) સ્વરૂપે અદ્ભુત રીતે જીવંત કરવામાં આવ્યું હતું. આ ટૅબ્લોમાં ઊમટેલી ભીડ, મુંબઈ પોલીસના જવાનો, મ્યુનિસિપલ કામદારો તેમ જ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે બાપ્પાને વિદાય આપવા માટે ભક્તો સાથે જોડાયેલા જોવા મળ્યા હતા. આ ટૅબ્લો VFX ક્રીએટર અને ડ્રોન ઑપરેટર મન રેલેની રચના છે. તેમણે ૩D પ્રિન્ટિંગ ટેક્નિકનો ઉપયોગ કરીને આ આકૃતિઓ બનાવી હતી અને ૩ મહિનાની મહેનત પછી આ દૃશ્યને ઝીણવટપૂર્વક ગોઠવ્યું હતું. આના માધ્યમથી પાણી બચાવો અને આપણી પ્રકૃતિને સ્વચ્છ રાખો એવો સંદેશો આપવામાં આવ્યો હતો. રેલે પરિવાર માટે આ ટૅબ્લો માત્ર એક ડેકોરેશન નહોતું. સદી જૂના મકાનમાં ૪ પેઢીથી રહેતા આ પરિવારની ગણેશોત્સવની પરંપરા ૧૯૬૪માં શરૂ થઈ હતી. વર્ષોથી તેમની થીમ ગિરગામના ઇતિહાસ, આસપાસના લૅન્ડમાર્ક અને સાંસ્કૃતિક જીવન પર આધારિત રહી છે. ગિરગામ મુંબઈના ઇતિહાસમાં એક વિશેષ સ્થાન ધરાવે છે, કારણ કે એ સ્વતંત્રતા ચળવળનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે. લોકમાન્ય ટિળક દ્વારા રાષ્ટ્રવાદી ચળવળ દરમ્યાન લોકોને એકસાથે લાવવાના સાધન તરીકે જાહેર ગણેશોત્સવની પરંપરા લોકપ્રિય બનાવવામાં આવી હતી. ૮ ફુટ લંબાઈ અને સાડાત્રણ ફુટ પહોળાઈ ધરાવતો આ ટૅબ્લો લાકડું, માટી, કાગળ અને PLA (આથો લાવેલા મકાઈના સ્ટાર્ચમાંથી બનેલું બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક) સહિતની રીસાઇકલ થઈ શકે એવી અને બાયોડિગ્રેડેબલ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો. બાપ્પાની મૂર્તિ પણ માટીની જ હતી.
તસવીર : આશિષ રાજે


સરપંચ બાપ્પા

મીરા રોડ-ઈસ્ટમાં દેવ પૅરેડાઇઝમાં રહેતા વલય શાહના ઘરે પાંચ દિવસ માટે ગણરાયાનું આગમન થયું હતું. એમાં તેમણે ગામડાનું દૃશ્ય ઊભું કરીને એમાં બાપ્પાને સરપંચ તરીકે બિરાજમાન કર્યા હતા.

ગોલ્ડન બાપ્પા

કાંદિવલી-વેસ્ટમાં ખજૂરિયા ટૅન્ક રોડ પર શ્રી જનકલ્યાણ મંડળ દ્વારા આ વખતે સિલ્વર વરખના સિંહાસન પર ગોલ્ડન વરખના વર્કવાળી સુંદર અને ભવ્ય બાપ્પાની મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે. આ મંડળનું ગણેશોત્સવની ઉજવણીનું ૫૬મું વર્ષ છે. 

રિન્યુએબલ એનર્જી યુઝ કરવાનો સંદેશો આપતા ગણપતિ

ઘાટકોપર-વેસ્ટમાં ગેલડાધામ સોસાયટીમાં રહેતાં રૂપા ઉદેશીના ઘરે પાંચ દિવસ માટે બાપ્પાનું આગમન થયું હતું. આ વખતે તેમણે રિન્યુએબલ એનર્જી થીમ પર ડેકોરેશન કર્યું હતું. આ વિશે માહિતી આપતાં તેઓ કહે છે, ‘અમે રનિંગ વિન્ડ-મિલ, રનિંગ વૉટર ટર્બાઇન તેમ જ સોલર પાવરથી ચાલતી ટ્રેન ભારતનાં ૪ ધાર્મિક સ્થળો જગન્નાથપુરી, દ્વારકા, કેદારનાથ અને રામેશ્વરમ લઈ જતી હોય એવું ડેકોરેશનના માધ્યમથી દેખાડવાનો પ્રયત્ન કર્યો હતો.’

શ્રોફ પરિવારમાં ગણેશોત્સવની ઉજવણીનું ૧૧૨મું વર્ષ

મલાડ-વેસ્ટમાં શ્રી નિવાસ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતાં સ્વાતિ શ્રોફના ઘરે છેલ્લાં ૧૧૨ વર્ષથી ગણેશોત્સવ ઊજવાય છે. આ વિશે વાત કરતાં સ્વાતિબહેન કહે છે, ‘મારા દાદાએ ઘરે બાપ્પાને બિરાજમાન કરવાની આ પરંપરા શરૂ કરી હતી. આટલાં વર્ષોમાં એક પણ વાર એવું નથી થયું કે ઘરે બાપ્પાની સ્થાપના ન થઈ હોય. દર વર્ષે બાપ્પાને અમે જે ચાંદીના આસન પર બેસાડીએ છીએ એ પણ ૧૦૦ વર્ષથી વધુ જૂનું છે. અમારા ઘરે પાંચ દિવસના ગણપતિ હોય છે. આ વખતે ડેકોરેશનમાં મેં મારા હાથેથી પેઇન્ટ કરેલું બૅકડ્રૉપ રાખ્યું હતું. સાથે જ રિયલ એમ્બ્રૉઇડરીવાળો ચાકડો યુઝ કર્યો હતો.’

પ્રકૃતિના ખોળે બિરાજમાન વિઘ્નહર્તા

કાંદિવલી-વેસ્ટમાં સદ્ગુરુ અપાર્ટમેન્ટમાં રહેતા કૌશલ જિનાદ્રાના ઘરે ૩ દિવસ માટે વિઘ્નહર્તાનું આગમન થયું હતું. તેમના ઘરે બાપ્પા તેમના પિતા શંકર ભગવાન સાથે પધાર્યા હતા. તેમણે લાઇવ વૉટરફૉલ અને પશુ-પક્ષીઓ સાથે જંગલ થીમનું સુંદર ડેકોરેશન કર્યું હતું. 

Whatsapp-channel Whatsapp-channel

25 September, 2026 03:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK