Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સવારે ધુમ્મસ, બપોરે બફારો, રાતે ફટાકડાનો ધુમાડો : મુંબઈગરા વિચિત્ર વાતાવરણ અને પ્રદૂષણથી પરેશાન

સવારે ધુમ્મસ, બપોરે બફારો, રાતે ફટાકડાનો ધુમાડો : મુંબઈગરા વિચિત્ર વાતાવરણ અને પ્રદૂષણથી પરેશાન

Published : 20 October, 2025 09:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સપ્તાહમાં ગરમી યથાવત્ રહેવાની અને વાવાઝોડાની સાથે વરસાદની શક્યતા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રવિવારે મુંબઈગરાની સવાર ધુમ્મસભર્યા વાતાવરણ સાથે થઈ હતી. ખાસ કરીને હાઇવે અને કોસ્ટલ ઝોન વિસ્તારોમાં ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘણી ઓછી હતી. ધુમ્મસની ચાદરથી છવાયેલા મુંબઈના ઘણા ભાગોમાં હવાની ગુણવત્તા સતત ઊતરતી જાય છે. એમાં પણ દિવાળી શરૂ થતાં ફટાકડાને કારણે આ સ્થિતિ વધુ ખરાબ બનતી જાય છે. રવિવારે નોંધાયેલા ડેટા મુજબ મુંબઈમાં સરેરાશ ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ૧૪૯ રહ્યો હતો, જેને કારણે મુંબઈ મધ્યમ પ્રદૂષિત શ્રેણીમાં મુકાયું હતું. સવારે ધુમ્મસ અને બપોરે ભયંકર ગરમી અને બફારાને કારણે મુંબઈગરાઓ હેરાન થયા હતા. બપોરે ગરમીનો પારો ૩૪ ડિગ્રીને પાર થયો હતો. 

મુંબઈનાં બધાં જ મૉનિટરિંગ સ્ટેશનોમાં ૨૨૭ AQI સાથે કોલાબાની હવા સૌથી પ્રદૂષિત જણાઈ હતી. હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવવા મુજબ જેમ-જેમ શિયાળો નજીક આવે છે અને પવનની ગતિ ઓછી થાય છે એમ પ્રદૂષકો જમીનની સપાટીની નજીક રહે છે જેને કારણે હવાની ગુણવત્તાનું સ્તર નીચું ઊતરે છે.



હવામાન ખાતાની આગાહી પ્રમાણે મુંબઈમાં આ સપ્તાહમાં મોટા ભાગે વાતાવરણ સૂકું રહેશે અને આકાશ પણ સ્વચ્છ રહેશે. વાતાવરણમાં પલટો આવવાની સંભાવનાને લીધે બુધવારે વાવાઝોડા સાથે વરસાદની ૫૦ ટકા શક્યતા હોવાનું હવામાન ખાતાએ દર્શાવ્યું છે, જ્યારે શુક્રવારે વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. પ્રદૂષિત હવાને લીધે ગળા અને આંખોમાં બળતરાની ફરિયાદો વધી છે. નિષ્ણાતોના મત મુજબ સવારે અને સાંજના સમયે હવામાં પ્રદૂષકો નીચે રહે છે એટલે આ સમયે જૉગિંગ કરવાનું કે ચાલવા જવાનું ટાળવું જોઈએ.


હવાની ગુણવત્તા સુધારવા ડસ્ટ સક્શન વ્હીકલ ખરીદવાનો પ્લાન પડતો મુકાયો
મુંબઈમાં હવાની ગુણવત્તા સુધારવા માટે રસ્તા પર ઊડતા ઝીણા ડસ્ટ પાર્ટિકલ્સ દૂર કરવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ બૅટરી ઑપરેટેડ ડસ્ટ સક્શન વ્હીકલ્સ ખરીદવાનો નિર્ણય લીધો હતો. પ્રાયોગિક ધોરણે આ મશીનો નિષ્ફળ નીવડ્યાં હતાં અને મશીનો યોગ્ય રીતે ઉપયોગમાં ન લેવાતાં શ્વાસ સંબંધિત ફરિયાદો ઊભી થઈ હતી એટલે બૅટરી ઑપરેટેડ ડસ્ટ સક્શન વ્હીકલ્સ ખરીદવાનો પ્રસ્તાવ પડતો મુકાયો છે. એને બદલે BMC હવે પાણીનો ઉપયોગ કરી રસ્તા ધોઈને સ્ક્રબિંગ કરવાની પદ્ધતિ અમલમાં મૂકશે. મુંબઈમાં કુલ ૬૭૭ કિલોમીટરને આવરી લેતા ૩૭૭ મુખ્ય રસ્તાઓને ૩ મહિનાના સમયગાળા દરમ્યાન પાણીનાં ટૅન્કરોનો ઉપયોગ કરીને નિયમિત સાફ કરવામાં આવશે. 

કેવા AQIની કેવી અસર?
૦-૫૦ સારી. ભાગ્યે જ કોઈ વિપરીત અસર થાય.
૫૧થી ૧૦૦ સંતોષકારક. સંવેદનશીલ વ્યક્તિને શ્વાસ
લેવામાં નજીવી તકલીફ થઈ શકે.
૧૦૧થી ૨૦૦ થોડી ખરાબ. અસ્થમા, હાર્ટની અને ફેફસાંની તકલીફ ધરાવતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે.
૨૦૧થી ૩૦૦ ખરાબ. ઘણા સમય સુધી આવા વાતાવરણમાં રહેવાથી મોટા ભાગના લોકોને શ્વાસની તકલીફ થઈ શકે.
૩૦૧થી ૪૦૦ બહુ ખરાબ. લાંબા સમય સુધી આવા વાતાવરણમાં રહેવાથી શ્વસનને લગતી બીમારી થઈ શકે.
૪૦૧થી ૫૦૦ ગંભીર. સ્વસ્થ લોકોને પણ અસર કરે અને જેને કોઈ બીમારી હોય એવી વ્યક્તિ પર તો આવા વાતાવરણની ગંભીર અસર થઈ શકે છે


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2025 09:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK