SIR કેસમાં સુપ્રીમ કોર્ટમાં મમતા બૅનરજી દલીલ કરવા પોતે હાજર રહ્યાં, આવું કરનારાં પ્રથમ વર્તમાન મુખ્ય પ્રધાન બન્યાં
મમતા બૅનરજી
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી સુપ્રીમ કોર્ટમાં પોતાની અરજી પર વ્યક્તિગત રીતે દલીલ કરનારાં પ્રથમ વર્તમાન મુખ્ય પ્રધાન બન્યાં હતાં અને તેમણે સુપ્રીમ કોર્ટને લોકશાહી અને લોકોના જીવનનું રક્ષણ કરવાની વિનંતી કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમ્યાન નાની જોડણી અને બોલી-આધારિત વિસંગતતાઓને કારણે લાખો મતદારોનાં નામ મતદારયાદીમાંથી કાઢી નાખવાનું જોખમ છે.
ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળ જસ્ટિસ જૉયમલ્યા બાગચી અને વિપુલ એમ. પંચોલીની બેન્ચે ચૂંટણીપંચ પાસેથી આવી નાની વિસંગતતાઓ પર જાહેર કરાયેલી નોટિસ પાછી ખેંચી લેવી જોઈએ કે નહીં એ અંગે જવાબ માગ્યો હતો અને ચૂંટણીપંચને સાવધાનીપૂર્વક કાર્ય કરવાની ચેતવણી આપી હતી. આ મામલાની વધુ સુનાવણી ૯ ફેબ્રુઆરીએ થશે. કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને સ્થાનિક બોલીઓથી વાકેફ અધિકારીઓની યાદી સૂચવવાનો નિર્દેશ આપ્યો હતો જે સાચા મતદારોને બાકાત રાખ્યા વિના ભૂલો ઉકેલવામાં ચૂંટણીપંચને મદદ કરી શકે.
ADVERTISEMENT
આ સુનાવણી અસાધારણ રીતે અલગ રીતે શરૂ થઈ હતી, જેમાં મમતા બૅનરજી પોતે વરિષ્ઠ વકીલ શ્યામ દીવાન સાથે બેન્ચને સંબોધવા માટે ઊભાં થયાં હતાં, જેમણે તેમના વતી દલીલોનું નેતૃત્વ કર્યું હતું. મુખ્ય પ્રધાને વારંવાર એ વાત પર ભાર મૂક્યો હતો કે તેઓ તેમના પક્ષ માટે નહીં પરંતુ સામાન્ય મતદારો માટે લડી રહ્યાં છે, ઉતાવળમાં ચકાસણી-પ્રક્રિયા દ્વારા અન્યાયી રીતે મતદારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ‘હું એ રાજ્યમાંથી આવું છું જ્યાં ન્યાય બંધ દરવાજા પાછળ રડી રહ્યો છે. ત્યારે અમને લાગ્યું કે અમને ક્યાંય ન્યાય મળી રહ્યો નથી. હું મારા પક્ષ માટે લડી રહી નથી. કૃપા કરીને લોકશાહીનું રક્ષણ કરો, કૃપા કરીને લોકોના જીવનનું રક્ષણ કરો.’
તેમણે આરોપ લગાવ્યો હતો કે ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણી પહેલાં ચૂંટણીપંચે પશ્ચિમ બંગાળને લક્ષ્ય બનાવ્યું છે.
ચૂંટણીપંચ વતી વરિષ્ઠ વકીલો ડી. એસ. નાયડુ અને રાકેશ દ્વિવેદીએ જવાબ આપવા માટે સમય માગ્યો હતો. જોકે બેન્ચે SIRની ચુસ્ત સમયમર્યાદાને કારણે વિલંબ સામે ચેતવણી આપી હતી.
કોર્ટે ચૂંટણીપંચને નાની વિસંગતતાઓ પર જાહેર કરાયેલી નોટિસ પાછી ખેંચવાનો ખાસ જવાબ આપવાનો નિર્દેશ આપ્યો હતો અને રાજ્યને સહાયક અધિકારીઓની યાદી સુપરત કરવા કહ્યું હતું. કાર્યવાહી પૂરી થતાં મમતા બૅનરજીએ બેન્ચનો આભાર માન્યો હતો અને અંતિમ અરજ કરી હતી કે કૃપા કરીને લોકોના જીવનનું રક્ષણ કરો.


