Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વૉટ્સઍપ પરના DPમાં માલિકનો ફોટો જોઈને અકાઉન્ટન્ટ ભરમાઈ ગયા, દોઢ કરોડ ટ્રાન્સફર કરી દીધા ગઠિયાઓને

વૉટ્સઍપ પરના DPમાં માલિકનો ફોટો જોઈને અકાઉન્ટન્ટ ભરમાઈ ગયા, દોઢ કરોડ ટ્રાન્સફર કરી દીધા ગઠિયાઓને

Published : 01 July, 2026 07:47 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વૉટ્સઍપ પરના DPમાં માલિકનો ફોટો જોઈને અકાઉન્ટન્ટ ભરમાઈ ગયા, દોઢ કરોડ ટ્રાન્સફર કરી દીધા ગઠિયાઓને: ચારકોપના જ્વેલર સાથે થઈ ગજબ છેતરપિંડી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગોરેગામના ઓશિવરા ડેપો નજીક રહેતા અને કાંદિવલીના ચારકોપમાં જ્વેલરી મેકિંગ કંપની ધરાવતા ૪૯ વર્ષના વેપારી સાથે ૧૨ જૂનથી ૧૬ જૂન દરમ્યાન સાઇબર ગઠિયાઓએ વૉટ્સઍપ પર તેમનો બોગસ ફોટો (DP) વાપરીને ૧.૫૦ કરોડ રૂપિયાની ઑનલાઇન છેતરપિંડી કરી હતી. આ મામલે ઉત્તર વિભાગના સાઇબર સેલે શુક્રવારે સાંજે વેપારીની ફરિયાદના આધારે અજાણ્યા આરોપી સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. સાઇબર ગઠિયાઓએ કંપનીના જુનિયર અકાઉન્ટન્ટના મોબાઇલ પર એક શંકાસ્પદ ઝિપ ફાઇલ મોકલીને ફોનનો ગેરકાયદે ઍક્સેસ મેળવી લીધો હતો અને ત્યાર બાદ ડિરેક્ટર હોવાનો સ્વાંગ રચીને અકાઉન્ટન્ટને વિશ્વાસમાં લઈને ગાઝિયાબાદની એક બૅન્કના ખાતામાં રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) મારફત પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હતા. બૅન્કની કથિત બેદરકારીને કારણે ડિરેક્ટરની મનાઈ હોવા છતાં આ રકમ ટ્રાન્સફર થઈ જતાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

અકાઉન્ટન્ટ કેવી રીતે છેતરાયા?
ઉત્તર વિભાગના સાઇબર સેલના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૨ જૂને વેપારીની કંપનીના ઑફિશ્યલ નંબર પર અજ્ઞાત નંબર પરથી વૉટ્સઍપ પર ઝિપ ફાઇલ આવી હતી. એ ફાઇલ જુનિયર અકાઉન્ટન્ટે ઓપન કરતાંની સાથે જ સાઇબર ગઠિયાઓએ કંપનીના ઑફિશ્યલ ફોનનો ગેરકાયદે ઍક્સેસ મેળવી લીધો હતો અને કંપનીના ડિરેક્ટરનો અસલી મોબાઇલ નંબર બ્લૉક કરી દીધો હતો. ત્યાર બાદ ઠગોએ કાવતરું રચીને કંપનીની આર્થિક વિગતો મેળવી લીધી હતી. ૧૬ જૂને સાઇબર ગઠિયાઓએ વેપારીના ફોટો (DP)વાળા એક નવા વૉટ્સઍપ નંબરથી કંપનીના ઑફિશ્યલ મોબાઇલ નંબર પર મેસેજ કરીને બૅન્ક-બૅલૅન્સની પૂછપરછ કરી હતી. ત્યારે એ મેસેજ કંપનીના માલિકનો હોવાનું માનીને જુનિયર અકાઉન્ટન્ટે કંપનીના ખાતામાં અંદાજે બે કરોડ રૂપિયાથી વધુની રકમ હોવાની માહિતી આપી હતી. ત્યાર બાદ સાઇબર ઠગે પોતે ડિરેક્ટર હોવાનો ઢોંગ કરીને તાત્કાલિક ગાઝિયાબાદની એક બૅન્કના ખાતામાં ૧.૫૦ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. અકાઉન્ટન્ટે ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સાઇબર ઠગે પોતે મીટિંગમાં વ્યસ્ત હોવાનું કહીને ફોન કાપી નાખ્યો હતો. વિશ્વાસમાં આવીને જુનિયર અને સિનિયર અકાઉન્ટન્ટે ડિરેક્ટરની ડિજિટલ સાઇનનો ઉપયોગ કરીને પોતાની બૅન્કને ઈ-મેઇલ મારફત RTGS પત્ર મોકલી આપ્યો હતો.’



બૅન્કની બેદરકારી
ઉત્તર વિભાગ સાઇબર સેલના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘બીજી તરફ બૅન્કના કસ્ટમર કૅરમાંથી કંપનીના માલિક પર વેરિફિકેશન માટે ફોન આવ્યો ત્યારે તેમણે આ ટ્રાન્ઝૅક્શન રોકવાની સ્પષ્ટ સૂચના આપી હતી. આમ છતાં બૅન્કની બેદરકારી અથવા ટેક્નિકલ ખામીને કારણે થોડી જ મિનિટોમાં કંપનીના ખાતામાંથી ૧.૫૦ કરોડ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હોવાનો મેસેજ ફરિયાદી વેપારીને મળ્યો હતો. તેમણે તાત્કાલિક બૅન્કના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો, પરંતુ રકમ પાછી મળી શકી નહોતી. અંતે આ મામલે પહેલાં ચારકોપ પોલીસ-સ્ટેશનમાં અને સાઇબર હેલ્પલાઇન 1930 પર ઑનલાઇન ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસમાં અમે ફરિયાદ નોંધીને કંપનીના માલિકના નામે બોગસ પ્રોફાઇલ બનાવનાર અને છેતરપિંડીની રકમ વિવિધ ખાતાંમાં ટ્રાન્સફર કરનાર ટોળકીને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.’


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2026 07:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK