૨૪ કલાકમાં મુંબઈમાં શૉર્ટ-સર્કિટના કુલ ૭૦ બનાવો બન્યા હતા. ઝાડ પડવાના ૧૧૩ બનાવો નોંધાયા હતા. દીવાલ તૂટી પડવાના ૧૧ બનાવો નોંધાયા હતા.
(ડાબેથી) દાદરમાં પ્રીતમ હોટેલની બહાર વૃક્ષ નીચે ગાડી દબાઈ.કિંગ્સ સર્કલમાં પાણી. દાદરમાં ખોદાદાદ સર્કલ પર ખાડો. તસવીરોઃ અતુલ કાંબળે
મોડે-મોડે પધારેલો વરસાદ એવો ખાબક્યો કે BMCની તૈયારીની તમામ પોલ ખુલ્લી પડી ગઈ : ઠેર-ઠેર પાણી ભરાયાં, કેટલાંય વૃક્ષ પડ્યાં અને ગાડીઓ દબાઈ ગઈ : મંગળવારની સવારના ૮ વાગ્યાથી બુધવારની સવારના ૮ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં સૌથી વધુ ૩૪૦ મિલીમીટર વરસાદ માલવણીમાં, કોલાબામાં નોંધાયો ૨૪૭.૮ મિલીમીટર અને સાંતાક્રુઝમાં ૨૨૪.૮ મિલીમીટર. પહેલા જ વરસાદમાં રેલવે-ટ્રૅક અને રસ્તાઓ પર ભરાયાં પાણી, વૃક્ષો વાહનો પર પડ્યાં, મૉન્સૂનની તૈયારીઓનું શું થયું એ પ્રશ્ન ઊભો : આજે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ઑરેન્જ અલર્ટ : ત્રણથી ૪ દિવસ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી

ADVERTISEMENT
કાંજુરમાર્ગ-વેસ્ટમાં જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ પર શ્યામલાલ સોહનલાલ ગુપ્તા ચોક નજીક સનસિટી કૉમ્પ્લેક્સ પાસે રિટેનિંગ વૉલ પડી ગઈ હતી. ભારે વરસાદને કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ પર થયેલો ટ્રાફિક જૅમ.
વરસાદની ધમાકેદાર એન્ટ્રી પછી મુંબઈમાં મેઘરાજાની ધમાલ પણ જોરદાર રહી હતી. મંગળવારે રાતથી શરૂ થયેલા વરસાદે બુધવારે બપોર સુધીમાં મુંબઈને પાણી-પાણી કરી દીધું હતું. વરસાદ વગર કોરાકટ ગયેલા જૂન મહિનામાં એકસામટો એટલો વરસાદ પડ્યો હતો કે જૂન મહિનાના સરેરાશ વરસાદનો અડધોઅડધ વરસાદ ૨૪ કલાકમાં નોંધાઈ ગયો હતો. સાથે જ સીઝનનો સરેરાશ ૯ ટકા વરસાદ પડી ગયો હોવાનું BMCએ જણાવ્યું હતું.

બુધવારે સવારે ભારે વરસાદને કારણે ઘોડબંદર રોડ પર પાતલીપાડા-ડોંગરીપાડા નજીક અમોનિયા ગૅસ ભરેલા ટૅન્કરનો અકસ્માત થયો હતો. થાણે તરફ જઈ રહેલું ટૅન્કર વરસાદને કારણે લપસણા થયેલા રસ્તા પર સ્કિડ થઈને ડિવાઇડર સાથે અથડાયું હતું. એને કારણે એની પાછળથી આવતું એક વાહન પણ ટૅન્કર સાથે અથડાયું હતું. જોકે આ ઘટનામાં કોઈને ઇજા થઈ નહોતી.

વિલે પાર્લે-ઈસ્ટમાં રામ મંદિર રોડ પર તૂટી પડેલું ઝાડ.
અચાનક જ વરસેલા વરસાદ બાદ પ્રશાસને મૉન્સૂન માટે કરેલી તૈયારીઓના દાવા પણ પોકળ સાબિત થયા હતા. શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. હાર્બર લાઇનના ટ્રૅક પર પાણી ભરાઈ જવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વેસ્ટર્ન અને ઈસ્ટર્ન એક્સપ્રેસવે પર પાણી ભરાતાં વાહનોની ગતિ ધીમી પડી હતી. આ સિવાય BMCની ટ્રી-ટ્રિમિંગની પ્રક્રિયા પણ હજી સુધી ચાલી રહી છે ત્યારે અનેક જગ્યાએ દાદરમાં, થાણેમાં, દહિસરમાં તથા અન્ય વિસ્તારોમાં વૃક્ષો તૂટી પડવાની ઘટના બની હતી. અમુક જગ્યાએ વૃક્ષો તૂટી પડતાં ગાડીઓને નુકસાન થવાની ઘટનાઓ પણ નોંધાઈ હતી.
નીચાણવાળા વિસ્તારોમાં ભરાયાં પાણી, અંધેરી સબવેમાં પણ પાણી-પાણી
કુર્લા, સાયન, સાકીનાકા, લોઅર પરેલ, કિંગ્સ સર્કલ, માટુંગા, દાદર, ચેમ્બુર, અંધેરી, પરેલ, હિન્દમાતા જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં ચોમાસાની બધી જ તૈયારીઓ કરી હોવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા હતા. અંધેરી સબવેમાં પણ પાણી ભરાઈ ગયાં હોવાથી મંગળવારે રાતથી બુધવાર સવાર સુધી એને સંપૂર્ણપણે બંધ કરી દેવાયો હતો. આ પહેલાં પણ
પ્રી-મૉન્સૂન વરસાદમાં અંધેરી સબવેમાં પાણી ભરાઈ જતાં એને બંધ કરવામાં આવ્યો હતો. પનવેલથી નવી મુંબઈ આવતા રસ્તાઓ પર વાહનોની લાંબી લાઇનો જોવા મળી હતી. અંધેરી અને ભાંડુપ સબવેમાં પાણી ભરાઈ જવાથી લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ભાંડુપના અમુક રસ્તાઓ પર ગટરનાં પાણી પણ ભરાઈ ગયાં હતાં.

ઍન્ટૉપ હિલ પર રસ્તાની બાજુએ પાર્ક કરેલી ટૅક્સી પર એક ઝાડ તૂટી પડ્યું હતું. તસવીર: અતુલ કાંબળે
ઇમર્જન્સી સર્વિસિસ માટે ૭૦૦૦ અધિકારીઓ અને કર્મચારીઓ તહેનાત
મુંબઈ શહેર અને ઉપનગરોમાં બુધવારે બપોર સુધીમાં ૩૦૦ મિલીમીટરથી વધુ વરસાદ પડ્યો હતો. BMCએ આ દરમ્યાન કોઈ પણ ઇમર્જન્સી માટે ૭૦૦૦થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને તહેનાત કર્યા હતા. ડીવૉટરિંગ પમ્પ પણ સક્રિય કરી દેવામાં આવ્યા છે, જેથી જે વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં અને ભરાશે ત્યાંથી પાણી કાઢવાનું શરૂ કરી શકાય અને ટ્રાફિક સરળ રહે એ માટે તૈયારી શરૂ હોવાનું BMCએ જણાવ્યું હતું.

બ્રીચ કૅન્ડી વિસ્તારમાં ૬૦ વર્ષ જૂનું વડનું ઝાડ પડી જતાં સવારે સાડાદસ વાગ્યા સુધી એક લેનનો ટ્રાફિક બંધ રાખવો પડ્યો હતો.
બુધવારે સવારે ભારે વરસાદને કારણે ઘોડબંદર રોડ પર પાતલીપાડા-ડોંગરીપાડા નજીક અમોનિયા ગૅસ ભરેલા ટૅન્કરનો અકસ્માત થયો હતો. થાણે તરફ જઈ રહેલું ટૅન્કર વરસાદને કારણે લપસણા થયેલા રસ્તા પર સ્કિડ થઈને ડિવાઇડર સાથે અથડાયું હતું. એને કારણે એની પાછળથી આવતું એક વાહન પણ ટૅન્કર સાથે અથડાયું હતું. જોકે આ ઘટનામાં કોઈને ઇજા થઈ નહોતી.
૨૩થી ૨૪ જૂન દરમ્યાન સવારે ૮ વાગ્યા સુધી પડેલો વરસાદ
કોલાબા ૨૪૭.૮ મિલીમીટર
સાંતાક્રુઝ ૨૨૪.૮ મિલીમીટર
મુંબઈમાં વરસાદને કારણે ટ્રાન્સ-હાર્બર લાઇનના ટ્રૅક નીચેથી જમીન સરકી

ટ્રાન્સ-હાર્બર લાઇનના તુર્ભે અને કોપરખૈરણે સ્ટેશનો વચ્ચે વધુ પડતા પાણીના પ્રવાહને કારણે ટ્રૅક નીચેની જમીનમાં ખાડા પડી ગયા હતા. ખાડા પડ્યા બાદ બુધવારે સવારે મધ્ય રેલવેની ટ્રાન્સ-હાર્બર લાઇન પર લોકલ ટ્રેન-સર્વિસ ખોરવાઈ ગઈ હતી. ટ્રૅકના રિપેરિંગનું કામ કલાકો સુધી ચાલ્યું ત્યાં સુધી થાણે, વાશી, નેરુલ અને પનવેલ વચ્ચે ટ્રેનો મોડી પડી હતી.
રેલવે-અધિકારીઓના જણાવ્યા મુજબ ભારે વરસાદને કારણે ટ્રૅક બેડનો એક ભાગ ધોવાઈ ગયા બાદ સવારે ૫.૦૬ વાગ્યે અપ લાઇનને જોખમી જાહેર કરવામાં આવી હતી, જ્યારે ડાઉન લાઇનને સવારે ૫.૫૦ વાગ્યે જોખમી જાહેર કરીને ટ્રેનો બંધ કરવામાં આવી હતી. સમારકામ બાદ અપ લાઇનને સવારે ૭.૨૭ વાગ્યે ૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિમર્યાદા સાથે અને ડાઉન લાઇનને સવારે ૭.૩૫ વાગ્યે શરૂ કરવામાં આવી હતી. જોકે ગતિમર્યાદા સાથે ધીમી ચાલતી ટ્રેનો અને વરસાદને કારણે આખો દિવસ મુસાફરો હેરાન થયા હતા.
દરિયાનાં મોજાંની મજા જુઓ કઈ રીતે જીવલેણ બની શકે છે

ગોવાના બાગા બીચ પર દરિયા નજીક આવેલા ખડકો પર બેસીને મજા માણવાનું ટૂરિસ્ટને ભારે પડ્યું હતું. બીજાપુરનો ૩૪ વર્ષનો ટૂરિસ્ટ મોજાંની જોરદાર થપાટને કારણે બેઠો હતો ત્યાંથી પછડાયો હતો અને દરિયામાં તણાઈ જતાં તેનું મોત થયું હતું. ટૂરિસ્ટ દરિયા પાસે આવેલા ખડકો પર બેઠો હતો ત્યારે અચાનક જ દરિયાનું જોરદાર મોજું આવતાં તેણે સંતુલન ગુમાવ્યું હતું અને દરિયામાં પડી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ સર્ચ-ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને થોડા જ સમય બાદ દરિયાકિનારેથી તેની ડેડ-બૉડી મળી આવી હતી.
આગામી પાંચ દિવસમાં આખું મહારાષ્ટ્ર પલળશે ભારે વરસાદમાં
મુંબઈ, થાણે, નવી મુંબઈ સિવાય મહારાષ્ટ્રના બાકી ભાગોમાં પણ મંગળવારે મૉન્સૂનનું આગમન થયું હતું. એમાં પણ છત્રપતિ સંભાજીનગરમાં મંગળવારે રાત્રે સાડાનવ વાગ્યે શરૂ થયા બાદ ૨૦ મિનિટમાં જ એટલો જોરદાર વરસાદ પડ્યો હતો કે શહેરમાં અનેક ઠેકાણે વીજળી ગુલ થઈ ગઈ હતી અને રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા હતા. આગામી દિવસોમાં પણ મહારાષ્ટ્રમાં વરસાદની આવી જ લહેર રહે એવી શક્યતા છે. હવામાન ખાતાએ આજથી લઈને આવતા ૪ દિવસ સુધી આખા મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. બુધવારે મુંબઈ, થાણે ઉપરાંત નાશિક, રત્નાગિરિ, પુણે, સિંધુદુર્ગ, રાયગડ, લાતુરમાં વરસાદે દેખા દીધી હતી અને આ અઠવાડિયે પણ મહારાષ્ટ્રભરમાં સારો વરસાદ રહેશે એવી આગાહી છે. મુંબઈ, થાણે, પાલઘર, અને કોકણના અન્ય વિસ્તારોમાં ૨૮ જૂન સુધી ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેશે. આ સિવાય મરાઠવાડાના છત્રપતિ સંભાજીનગર, જાલના, બીડ, પરભણી, નાંદેડ, ધારાશિવમાં પણ વરસાદ વરસશે.

પ્રતીક્ષાનગરમાં રસ્તાઓ પાણીમાં એકાકાર થયા હતા અને ચાલીમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. તસવીર: અતુલ કાંબળે
મુંબઈ-ગોવા હાઇવે, મુંબઈ-પુણે એક્સપ્રેસવે રહ્યા કલાકો સુધી ઠપ
ભારે વરસાદને કારણે મુંબઈ-ગોવા હાઇવે પર મંગળવારે અને બુધવારે ભેખડો ધસી પડવાને કારણે લાંબા સમય સુધી ટ્રાફિક ઠપ રહ્યો હતો. મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર વૃક્ષ તૂટી પડવાને કારણે કલાકો સુધી એક લેન બંધ રાખવાની ફરજ પડી હતી.
ક્યાં કેટલો વરસાદ ?
વિસ્તાર વરસાદ (મિલીમીટર)
માલવણી ૩૪૦
પવઈ ૩૦૦
દાદર ૨૮૧
મલાડ ૨૯૩
ચારકોપ ૨૮૮
ભાયખલા ૨૬૨
વડાલા ૨૫૦
કાંદિવલી ૨૬૫
મલબાર હિલ ૨૫૩
ચેમ્બુર ૨૩૨
બોરીવલી ૨૫૫
માનખુર્દ ૨૩૨
બાંદરા ૨૪૪
વરલી ૨૪૧
તળાવોમાં પાણી ૭.૯૪ ટકા
તળાવ વરસાદ (મિલીમીટરમાં)
તુલસી ૨૬૩
વિહાર લેક ૧૪૨
ભાતસા ૮૬
