° °

આજનું ઇ-પેપર
Friday, 25 June, 2021


વરસાદ આવે ત્યારે ડ્રેનેજ સિસ્ટમ કેટલા પાણીનો નિકાલ કરી શકે છે?

10 June, 2021 07:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અત્યાર સુધીના સુધરાઈના કમિશનરો તો સ્ટ્રૉર્મવૉટર ડ્રેઇન એક કલાકમાં ૫૦ એમએમ વરસાદના પાણીનો નિકાલ કરવા સક્ષમ હોવાનું કહેતા આવ્યા છે, પણ ગઈ કાલે ઇકબાલ સિંહ ચહલે એની કૅપેસિટી ઘટાડીને ૩૦ એમએમ કરી દેતાં બીએમસીની કાર્યક્ષમતા સામે થયો પ્રશ્નાર્થ

ગઈ કાલે ભારે વરસાદને કારણે સાયન રેલવે સ્ટેશન પર પાણી ભરાઈ ગયાં હતાં. પ્રદીપ ધિવાર

ગઈ કાલે ભારે વરસાદને કારણે સાયન રેલવે સ્ટેશન પર પાણી ભરાઈ ગયાં હતાં. પ્રદીપ ધિવાર

મુંબઈમાં ગઈ કાલથી નૈર્ઋત્યના મૉન્સૂનની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે. ધોધમાર વરસાદ વરસતા કલાકમાં જ મુંબઈમાં પાણી-પાણી થઈ ગયું હતું. રીજનલ મિટિયરોલૉજિકલ સેન્ટરે ગઈ કાલે મુંબઈમાં રેડ અલર્ટ જાહેર કરી હતી. આવનારા પાંચ દિવસ પણ મુંબઈમાં જોરદાર વરસાદ પડવાની શક્યતા જોતાં એ પાંચ દિવસ માટે ઑૅરેન્જ અલર્ટ જાહેર કરાઈ છે. 

ધોધમાર તૂટી પડેલા વરસાદને જોતાં હજી સોમવારથી કામધંધા પર જવાનું શરૂ કરનારા મુંબઈગરાઓએ ગઈ કાલે ફૅમિલી સાથે ઘરમાં જ રહીને વરસાદની મજા માણી હતી. બહુ ઓછા લોકો અને એ પણ જરૂરી કામ હોય એ જ લોકો બહાર નીકળ્યા હતા. ભારે વરસાદને કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે પણ ખોડંગાતી ચાલી રહી હતી. સેન્ટ્રલ રેલવેમાં કુર્લા અને સાયન વચ્ચે પાટા પર પાણી ફરી વળતાં કલાકો સુધી એની સર્વિસ આંશિક બંધ રહી હતી, જ્યારે હાર્બર લાઇન પણ ચૂનાભઠ્ઠી પર પાણી ભરાઈ જવાને લીધે બંધ રાખવામાં આવી હતી. જોકે આ બધા વચ્ચે વેસ્ટર્ન લાઇન રાબેતા મુજબ ચાલુ હતી. સાયન ગાંધી માર્કેટ, પરેલ હિન્દમાતા, પ્રભાદેવી, વરલી, અંધેરી સબવે, મલાડ સબવે, દહિસર જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. પાણી ભરાવાને કારણે બેસ્ટની કેટલીક બસો લાસ્ટ સ્ટૉપ પહેલાં જ ટર્મિનેટ કરી દેવાઈ હતી. વરસાદનો કારણે બેસ્ટની બસો પણ ઓછી દોડાવાઈ હતી. થોડા દિવસથી મુંબઈગરાઓએ પ્રી-મૉન્સૂન ઝાપટાંની મજા માણી હતી, પણ ગઈ કાલે જ્યારે મૉન્સૂનની ધમાકેદાર એન્ટ્રી થઈ ત્યારે મુંબઈમાં ગણતરીના સમયમાં જ બધે પાણી-પાણી થઈ ગયું હતું. સવારે ૧૧.૩૦થી એક વાગ્યા દરમિયાન વરસાદ થોડો ધીમો પડ્યો હતો, પણ પછી ફરી પાછું એણે જોર પકડ્યું હતું. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સુધરાઈના ઉચ્ચ અધિકારીઓ સાથે ફોન પર વાત કરી તેમને પાણીનો ઝડપી નિકાલ કરવા કહ્યું હતું અને કોવિડ સેન્ટરોમાં પણ દરદીઓની પૂરતી સંભાળ લેવા જણાવ્યું હતું. આમ છતાં મોડી રાત સુધી શહેરના અમુક વિસ્તારોમાં પાણી ઓસર્યા નહોતા.

ભારે વરસાદને કારણે બાંદરાના એસ. વી. રોડ પર ભરાયેલા પાણીમાં રમી રહેલાં બાળકો. શાદાબ ખાન

વરલીમાં અનેક ચાલીઓમાં પાણી ભરાયાં હતાં. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયાં હતાં. રસ્તા પર પણ પાણી ભરાવાને કારણે પાર્ક કરેલાં અનેક વાહનોમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં, જ્યારે કેટલાંક ચાલુ વાહનો પાણી ભરાવાને કારણે અટકી ગયાં હતાં. આ સિવાય મલાડના એસ. વી. રોડ, ઘાટકોપર અને મુલુંડના અમુક વિસ્તારો તેમ જ દક્ષિણ મુંબઈના અમુક એરિયા જ્યાં પહેલાં પાણી નહોતું ભરાતું એવી જગ્યાએ પણ પાણી ભરાતાં લોકો હેરાન થઈ ગયા હતા. 

પાણી ભરાવાને કારણે મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓ પાણી કાઢવાના ભારે પ્રયાસો કરી રહ્યા હતા ત્યારે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલ ધોધમાર વરસાદમાં હિન્દમાતા પહોંચી ગયા હતા અને કામ પર નજર રાખી રહ્યા હતા. તેમણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘મુંબઈની ભૂપૃષ્ઠ રકાબી જેવી હોવાથી પાણી ભરાય છે. અમે બધાં જ નાળાંની સફાઈ કરી છે. એમ છતાં પાણી ભરાવાનું કારણ મુંબઈનું ભૌગોલિક સ્ટ્રક્ચર રકાબી જેવું છે એ છે. વળી આપણી ડ્રેનેજ સિસ્ટમ વર્ષો જૂની છે અને જો એક કલાકમાં ૩૦ એમએમ વરસાદ પડે તો એ ઓવરફ્લો થવાની જ છે. એની વોટર કૅરિંગ કૅપેસિટીની ઉપર વરસાદ પડે તો પાણી બહાર આવવાનું જ છે. છેલ્લા ૧૨ કલાકમાં ૧૨૦ એમએમ વરસાદ પડ્યો છે. હવે આમાં અમારે શું કરવું? મંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય જ છે.’

જોકે નવાઈની વાત એ છે કે ઇકબાલ સિંહ ચહલની પહેલાંના કમિશનરોએ અત્યાર સુધી એવું કહ્યું છે કે મુંબઈની ડ્રેનેજ સિસ્ટમ કલાકમાં પચાસ એમએમ જેટલા વરસાદના પાણીનો નિકાલ કરવામાં સક્ષમ છે. 

ભારે વરસાદને કારણે મિલન સબવે, ખાર સબવે, અંધેરી સબવે અને મલાડમાં પાણી ભરાઈ જતાં એ વાહનવ્યવહાર માટે બંધ કરાયા હતા. ઇકબાલ સિંહ ચહલે વધુમાં કહ્યું હતું કે ‘અમે અંધેરીના મોગરાપાડામાં પમ્પિંગ સ્ટેશનનું કામ ચાલુ કર્યું છે, પણ એ પૂરું થતાં હજી એકાદ-બે વર્ષ નીકળી જશે. જોકે એ ચાલુ થઈ ગયા બાદ અંધેરી સબવે ઉપરાતં મિલન સબવે અને ખાર સબવેમાં પણ પાણી ભરાવાનું ઓછું થઈ જશે.’ 

ગટર બનાવી છતાં પાણી ભરાયા
દહિસર (ઈસ્ટ)માં ઈસ્ટ-વેસ્ટને જોડતા છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાયઓવરના છેડા પાસે આનંદનગર પાસે એમએમઆરડીએએ વરસાદનું પાણી વહી જવા સ્ટ્રૉર્મવૉટર ડ્રેનેજની મોટી-મોટી ગટરો બનાવી છે. જોકે ગઈ કાલે પડેલા વરસાદ વખતે ત્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાઈ ગયું હતું. એના કારણે વાહનો પણ અટકી ગયાં હતાં અને લોકોને પણ પાણીમાંથી પસાર થઈને હાડમારી ભોગવવી પડી હતી. લાખો રૂપિયા ખર્ચી ગટરો બનાવી છે અને તોય પાણી ભરાય તો એના માટે દોષ કોને દેવો એવો સવાલ આનંદનગરના રહેવાસીઓ કરી રહ્યા છે. 

કલ્યાણ-ડોમ્બિવલીમાં મહાપૂરની અલર્ટથી લોકોમાં ગભરાટ
ગઈ કાલે મુંબઈ સહિત એમએમઆર (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન)માં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. કલ્યાણ-ડોમ્બિવલીમાં તો કૉર્પોરેશનના માણસો બાઇક પર મેગાફોન લઈને બધાને અલર્ટ કરી રહ્યા હતા. તેઓ લોકોને કહી રહ્યા હતા કે હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ ૨૦૦૫માં મુંબઈમાં જે રીતે મહાપૂર આવ્યું હતું એવો વરસાદ પડવાની શક્યતા હોવાથી બધા પોતપોતાના ઘરમાં સુરક્ષિત રહે. મહાનગરપાલિકાની આ જાહેરાતે લોકોને ગભરાવી મૂક્યા હતા અને લોકો ડરના માર્યા બધું કામ છોડીને ઘરભેગા થઈ ગયા હતા. ગઈ કાલે આ વિડિયો જબરદસ્ત વાઇરલ થયો હતો. આ બધા વચ્ચે ગઈ કાલે ડોમ્બિવલીના સ્ટેશન રોડ સહિત ઘણા વિસ્તારોમાં સારાંએવાં પાણી ભરાઈ ગયાં હતાં અને લોકોને અવરજવરમાં તકલીફ પડી હતી.

10 June, 2021 07:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

મુંબઈમાં ફોર્ટ વિસ્તારમાં ઈમારત ધરાશાયી, 35 લોકોના બચાવાયાં જીવ

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં એક મોટો અકસ્માત થયો હતો.

25 June, 2021 01:08 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

અનલૉકની જરાય ઉતાવળ નહીં કરાય

અત્યંત ઝડપથી ફેલાતા ડેલ્ટા પ્લસથી ઊભા થતા જોખમને અટકાવવા માટે તમામ સંભવિત નિયંત્રણ લાગુ કરવા માટે કૅબિનેટે મુખ્ય પ્રધાનને સત્તા આપ્યા બાદ તેમણે ઉપરોક્ત સૂચના આપી છે

25 June, 2021 10:24 IST | Mumbai | Dharmendra Jore
મુંબઈ સમાચાર

મિડ-ડે ઇમ્પૅક્ટ: દહાણુના કોસેસરીમાં બ્રિજ જલદી બનશે

‘મિડ-ડે’ના અહેવાલને પગલે આ વિશે નિર્ણય લેવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક મળશે

25 June, 2021 10:22 IST | Mumbai | Priti Khuman Thakur

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK