બીજી એક કાર્યવાહીમાં ઘરના બેડરૂમમાં ઉગાડવામાં આવેલો ગાંજો પણ જપ્ત કરવામાં આવ્યો
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ક્રિસમસને ગણતરીના દિવસો બાકી છે અને ન્યુ યરની પાર્ટીની તૈયારી શરૂ થઈ ગઈ છે ત્યારે પાર્ટીઓમાં ડ્રગ્સ ન લેવાય એ માટે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) અને ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ દાણચોરી કરી થાઇલૅન્ડથી મુંબઈમાં લાવવામાં આવેલો ૧૫ કરોડ રૂપિયાનો ૧૩ કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજો મંગળવારે ઍરપોર્ટ પરથી જપ્ત કર્યો હતો. આ સંદર્ભે કોલ્હાપુરથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. NCBને શંકા છે કે ક્રિસમસ પાર્ટી માટે આટલી મોટી ક્વૉન્ટિટીમાં આ ગાંજો મગાવાયો હશે.
NCBના ઑફિસરના જણાવ્યા અનુસાર બૅન્ગકૉકથી થાઈ ઍરવેઝની ફ્લાઇટમાંથી એ પાર્સલ મોકલવામાં આવ્યું હતું. મોટી ક્વૉન્ટિટીમાં ગાંજો સપ્લાય થવાનો છે એવી માહિતી NCBને મળી હતી એટલે એણે વૉચ રાખીને આ ઑપરેશન પાર પાડ્યું હતું. આ બાબતે ડિરેક્ટરટે ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સને પણ જાણ કરવામાં આવી હતી. તેમણે એ વિશે માહિતી કઢાવી આખરે કોલ્હાપુરથી એક ડ્રગ-પેડલરની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
આ સિવાય અન્ય એક કાર્યવાહી અંતર્ગત હાલમાં જ NCBએ એક જણે બૅડરૂમમાં ફક્ત પાણીનો ઉપોયગ કરી હાઇડ્રોપોનિક ગાંજો ઉગાડ્યો હતો. NCBએ આ રીતે ઉગાડેલા ૪૮૯ ગ્રામ વજનના ગાંજાના છોડ જપ્ત કર્યા હતા. NCBને માહિતી મળી હતી કે ડાર્ક વેબમાંથી ડ્રગ્સનું પાર્સલ મગાવાયું છે. એથી એ બાબતે ટેક્નિકલ માહિતી મેળવાઈ હતી અને એ પાર્સલ ટ્રેક કરવામાં આવ્યું હતું. આખરે મુંબઈની એક પોસ્ટ ઑફિસમાંથી એ પાર્સલ જપ્ત કરાયું હતું, જેમાં ૧.૨૩ ગ્રામ મેસ્કાલિન ડ્રગ મળી આવ્યું હતું. એ પછી એ પાર્સલ કોને ડિલિવર થાય છે તેના પર નજર રાખવામાં આવી હતી અને એ પાર્સલ જેને પહોંચાડવામાં આવ્યું તેને તાબામાં લઈ પૂછપરછ કરી તપાસ કરવામાં આવી હતી. તેણે પોતાના ઘરના બેડરૂમમાં હાઇડ્રોપોનિક ટેક્નિકથી કન્ટ્રોલ્ડ એન્વાયર્નમેન્ટ હેઠળ આ ગાંજો ઉગાડ્યો હતો.