મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ગોઝારો અકસ્માત : ફૉર્ચ્યુનર કારે ટેમ્પો અને કાર વચ્ચેથી કાર કાઢવાનો પ્રયાસ કર્યો અને પછી બન્ને વાહનોની જે હાલત થઈ એનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ
મૃત્યુ પામનાર તુષાર ભુમકર
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મિસિંગ લિન્ક પાસે બેફામ દોડતી અને ટેમ્પો તથા કારની વચ્ચેથી ઓવરટેક કરવાનો પ્રયાસ કરનારી ફૉર્ચ્યુનર કારનો ગોઝારો અકસ્માત થયો હતો. એમાં એક જણનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય ૬ જણ ઈજાગ્રસ્ત થયા હતા. ફૉર્ચ્યુનર કારની સ્પીડ એટલી બધી હતી કે એણે ટેમ્પોને ટક્કર મારતાં ટેમ્પો અને ફૉર્ચ્યુનર કાર બન્ને ઊંધાં વળી ગયાં હતાં. આ ઘટના ગુરુવારે મધરાત બાદ દોઢ વાગ્યાની આસપાસ કનેક્ટિંગ લિન્કની ટનલમાં બની હતી.
આ ઘટનામાં ફૉર્ચ્યુનર કારમાં બેઠેલા એક જણનું મૃત્યુ થયું હતું, જ્યારે એમાં સવાર અન્ય ૪ જણને ઈજાઓ થઈ હતી. ટેમ્પોમાં બેઠેલા લોકો મામૂલી ઘાયલ થયા હતા. આ ઘટનામાં મૃત્યુ પામનાર પુણેના વાકડનો યુવા ઉદ્યોગ-સાહસિક તુષાર ભુમકર હતો.
ADVERTISEMENT
જોકે આ ઘટનાને કારણે મુંબઈ-એક્સપ્રેસવે પર કોઈ પણ જાતની ટ્રાફિક-સમસ્યા નિર્માણ થઈ નહોતી. ઘટના બાદ બચાવટીમો પહોંચી હતી અને ઘાયલોને હૉસ્પિટલમાં પહોંચાડ્યા હતા તથા અકસ્માત થયેલાં વાહનોને રસ્તા પરથી હટાવ્યાં હતાં.
