ખાડાઓ ન પૂરનારાઓને ભવિષ્યમાં સરકારી કૉન્ટ્રૅક્ટ ન આપવાની તથા ભારે દંડ લાદવાની સૂચના આપી
ફાઇલ તસવીર
શુક્રવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અધિકારીઓ સાથે સિંહસ્થ કુંભ મેળાની તૈયારીઓને લઈને એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી જે દરમ્યાન તેમણે અધિકારીઓને નાશિકના રસ્તાઓની બિસમાર હાલતને મુદ્દે ખૂબ ખખડાવ્યા હતા. તેમણે અધિકારીઓને ખાડાઓ ન પૂરનારા કૉન્ટ્રૅક્ટરો પર ભારે દંડ લાદવાની તથા ભવિષ્યમાં તેમને કોઈ પણ સરકારી કૉન્ટ્રૅક્ટ ન આપવાની સૂચના પણ આપી હતી.
દેવેન્દ્ર ફડણવીસે અધિકારીઓનો ઊધડો લેતાં કહ્યું હતું કે તમે લોકોને સમસ્યાનું કારણ ન જણાવો, તમે તેમને ઉકેલ આપો, આ પ્રકારનું ઢીલું વલણ નહીં ચલાવી લેવાય.
ADVERTISEMENT
આ ઉપરાંત દેવેન્દ્ર ફડણવીસે બધાં જ ખાતાંઓએ તેમની જવાબદારીઓ જાણીને અેને પૂરી કરવાની સૂચના પણ આપી હતી. ઑફિસ ચેમ્બરમાં બેસવાને બદલે બહાર જઈને લોકો સાથે સંપર્ક સાધીને પોતાની જવાબદારીઓ સમજવાનો પ્રયાસ કરવાનું પણ તેમણે કહ્યું હતું.
ફડણવીસે અધિકારીઓને કહ્યું હતું કે આગામી કુંભમેળા દરમ્યાન બધી જ જાહેર સેવાઓમાં તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિકાસ અને વધારો થાય એની ખાતરી કરવા માટે ગંભીરતાથી કામ કરે.
ઉલ્લેખનીય છે કે, નાશિક-યંબકેશ્વર સિંહસ્થ કુંભમેળો ૨૦૨૬ની ૩૧ ઑક્ટોબરથી શરૂ થશે અને ૨૦૨૮ની ૨૪ જુલાઈ સુધી ચાલશે.
