પાંચ દિવસથી સતત વરસી રહેલા વરસાદનું જોર વધશે : મુંબઈ, થાણે અને પાલઘરમાં રેડ અલર્ટ : થાણે, પાલઘર, નવી મુંબઈ, કલ્યાણ-ડોમ્બિવલીમાં રેડ અલર્ટને પગલે સ્કૂલોમાં રજા જાહેર
મુંબઈ-પુણે એક્સપ્રેસવે મિસિંગ લિન્કનો રસ્તો હજી નવો-નવો છે ત્યાં જ પહેલા વરસાદમાં ખાડા પડી ગયા હતા
મુંબઈમાં પાંચ દિવસથી પડી રહેલા વરસાદનું જોર હજી બે દિવસ વધશે. સાથે જ થાણે, પાલઘર જિલ્લો અને નવી મુંબઈમાં પણ અતિ ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન ખાતાએ દર્શાવી છે. હવામાન ખાતાએ મુંબઈ, થાણે, પાલઘર, પુણે, નાશિક ઉપરાંત રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં શનિવાર અને રવિવારે રેડ અલર્ટ જાહેર કરી છે. એને પગલે મુંબઈમાં કેટલાંક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.
આ અઠવાડિયામાં મુંબઈમાં ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. ગુરુવારે મોડી રાતે મુંબઈમાં ફરી વરસાદે જોર પકડ્યું હતું અને ગઈ કાલે પણ આખો દિવસ મુંબઈમાં સારો વરસાદ નોંધાયો હતો. ગઈ કાલે સાંજે પૂરા થયેલા ૨૪ કલાકમાં મુંબઈ શહેરમાં ૧૫૮ મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે ઉપનગરોમાં સરેરાશ ૨૦૫ મિલીમીટર વરસાદ પડ્યો હતો. વરસાદનું જોર વધતાં ગઈ કાલે પણ અંધેરી સબવેમાં પાણી ભરાતાં એ બંધ કરવો પડ્યો હતો. ઝાડ પડવાના બનાવોમાં હજી પણ વધારો જણાયો હતો. ૨૪ કલાકમાં ૪૫ જગ્યાએ ઝાડ પડવાના બનાવો નોંધાયા હતા અને ૮ જગ્યાએ મકાનની દીવાલો ધસી પડી હતી.
ADVERTISEMENT
સવારના સમયે વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેની ટ્રેનો મોડી પડી હતી તો સાંજે ઑફિસ છૂટવાના સમયે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર બાંદરાથી સાંતાક્રુઝ સુધી બમ્પર ટુ બમ્પર ટ્રાફિક જૅમ થયો હતો.
ઘાટ સેક્શન પર પણ હાઈ અલર્ટ
આખા મહારાષ્ટ્રમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થયો છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ૪ દિવસમાં મહારાષ્ટ્રના અનેક જિલ્લા પ્રદેશમાં ભારે વરસાદ થવાની ધારણા છે. રાયગડ અને પુણે માટે રેડ અલર્ટ જાહેર કરવામાં આવી છે. આગામી ૪ દિવસ માટે કોકણ સહિત રાજ્યના ઘાટ પ્રદેશો માટે પણ રેડ અલર્ટ જાહેર કરાઈ છે. જૂનમાં પડેલા ઓછા વરસાદની ખાધ આ ૪ દિવસ દરમિયાન ભરપાઈ થઈ જાય એવી શક્યતા પણ હવામાન ખાતાએ દર્શાવી છે.
મુંબઈ સહિત રાજ્યના અનેક જિલ્લામાં NDRFની ટીમો તહેનાત
ભારે વરસાદની આગાહીને પગલે સંવેદનશીલ ગણાતા અનેક જિલ્લાઓમાં નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ની ટીમો તહેનાત કરવામાં આવી છે. સાતારા, સાંગલી, કોલ્હાપુર, ધારાશિવ, રાયગડ, રત્નાગિરિ, સિંધુદુર્ગ ઉપરાંત થાણે, પાલઘર, મુંબઈમાં પણ NDRFની ટીમો ખડેપગે રહેશે.
કયા રંગની અલર્ટ શું દર્શાવે છે?
|
ગ્રીન અલર્ટ |
કોઈ જોખમ નહીં. વરસાદનું પ્રમાણ સામાન્ય રહે છે. ૨૪ કલાકમાં ૬૪ મિલીમીટરથી ઓછું રહે છે. |
|
યલો અલર્ટ |
સાવધાન રહેવાની ચેતવણી. છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહે છે. વરસાદનું પ્રમાણ ૨૪ કલાકમાં ૬૫.૫ મિલીમીટરથી ૧૧૫.૫ મિલીમીટર રહે છે. |
|
ઑરેન્જ અલર્ટ |
ભારેથી અતિ ભારે વરસાદ અને ખરાબ હવામાનની શક્યતા વચ્ચે પૂર, વીજળી ગુલ થવાની અને રસ્તા અથવા ટ્રેન બંધ થવાની સંભાવના વધારે હોય છે. એટલે સાવચેત રહેવાની ચેતવણી આપવામાં આવે છે. વરસાદનું પ્રમાણ ૨૪ કલાકમાં ૧૧૫.૬ મિલીમીટરથી ૨૦૪.૪ મિલીમીટર વચ્ચે રહે છે. |
|
રેડ અલર્ટ |
અત્યંત ખરાબ હવામાન. પવનના વધારે જોર સાથે અતિ ભારે વરસાદથી અતિશય ભારે વરસાદ પડી શકે છે. ૨૪ કલાકમાં ૨૦૪.૫ મિલીમીટરથી વધુ વરસાદ ખાબકે છે. જનજીવનને ભારે અસર થાય છે અને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સૂચના પ્રશાસન દ્વારા આપવામાં આવે છે. |
